ગુજ્જર પશુપાલક અબ્દુલ રશીદ શેખ રેશનના વિતરણથી લઈને રાજ્યના ભંડોળનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની પારદર્શિતાના અભાવ સુધીના મુદ્દાઓ પર આરટીઆઈ (માહિતીના અધિકાર હેઠળ) અરજીઓ દાખલ કરી રહ્યા છે. 50 થી વધુ ઘેટાં અને લગભગ 20 બકરીઓના ટોળા સાથે દર વર્ષે કાશ્મીરમાં હિમાલય પાર કરીને બીજી તરફ જતા આ 50 વર્ષના પશુપાલકે છેલ્લા દાયકામાં બે ડઝનથી વધુ આરટીઆઈ અરજીઓ કરી છે.
દૂધપથરીમાં પોતાના કોઠા (માટી, પથ્થર અને લાકડાથી બનેલ પરંપરાગત ઘર) ની બહાર ઊભેલા અબ્દુલ જણાવે છે, "અગાઉ [સરકારી અધિકારીઓ] જે યોજનાઓ રજૂ કરવામાં આવતી હતી તેનાથી અજાણ હતા, અને અમે અમારા અધિકારોથી." તેઓ અને તેમનો પરિવાર દર ઉનાળામાં અહીં સ્થળાંતર કરે છે. તેઓ બડગામ જિલ્લાના ખાનસાહિબ બ્લોકમાં તેમના ગામ મુજપથરીથી અહીં આવે છે.
અબ્દુલ ઉમેરે છે, “લોકોને કાયદાઓ અને અમારા અધિકારો વિશે જાગૃત કરવામાં આરટીઆઈ દાખલ કરવાની ભૂમિકા મોટી હતી; અધિકારીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ અમે શીખ્યા." શરૂઆતમાં અધિકારીઓ પોતે આરટીઆઈ કાયદા થી વાકેફ ન હતા અને, "જ્યારે તેમને સંબંધિત યોજનાઓ અને ભંડોળના વિતરણ વિશે માહિતી આપવાનું કહેવામાં આવે ત્યારે તેઓ ચોંકી જતા."
પ્રક્રિયાને પડકારવાને કારણે ગામમાં લોકોની હેરાનગતિ કરવામાં આવતી - બ્લોક અધિકારીઓની મિલીભગતથી પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ કરવામાં આવતી. અહીં આરટીઆઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવતા અબ્દુલ જેવા જાણકાર નાગરિકોને નિશાન બનાવવામાં આવતા.
તેઓ પોતાનો મુદ્દો અમારે ગળે ઊતારવા કહે છે, "હકીકતમાં એ અધિકારીઓ જ ભ્રષ્ટ હતા. આજે તેમની મિલકતો તો જુઓ." આરટીઆઈ દાખલ કરવા ઉપરાંત અબ્દુલે ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહકને લગતી બાબતો સંબંધિત વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ, સિવિલ સપ્લાયસ એન્ડ કન્ઝ્યુમર અફેર - ડિપાર્ટમેન્ટ ઓફ એફસીએસસીએ) તરફથી મુજપથરીમાં લગભગ 50 લોકો માટે રેશનકાર્ડ જારી કરવાની માંગ પણ ઉઠાવી હતી.
સામુદાયિક ચરાઈના મેદાનોની સુલભતા પર આધાર રાખતા એક પશુપાલક અબ્દુલ ખાસ કરીને અનુસૂચિત જનજાતિ અને બીજા વનવાસીઓ (વન અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 ( ધ શિડયુલ્ડ ટ્રાઈબ્સ એન્ડ અધર ફોરેસ્ટ ડવેલર્સ (રેકગનીઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ) એક્ટ 2006 ) - પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કહે છે, "જો આપણે જંગલોને વન વિભાગને ભરોસે છોડી દઈશું તો બચાવવા માટે કોઈ જંગલો જ બચશે નહીં." અબ્દુલે એફઆરએ હેઠળ સામુદાયિક વન અધિકારો સુરક્ષિત કરવા માટે કામ કરતા સ્થાનિક જૂથ જમ્મુ અને કાશ્મીર ફોરેસ્ટ રાઈટ્સ કોએલિશનના સમર્થનથી જંગલની જમીન પર ગુજ્જર અને બકરવાલ પશુપાલક સમુદાયોના અધિકારો પર આરટીઆઈ દાખલ કરી છે.
મુજપથરીની ગ્રામસભાએ 2022 માં વન સંરક્ષણ સમિતિ (ફોરેસ્ટ પ્રોટેક્શન કમિટી - એફઆરસી) ની રચના કરી છે અને નિયમો અને નિયમનોની પ્રણાલી જાળવી રાખી છે જેમ કે ચરાઈના વિસ્તારો નક્કી કરવા અને વ્યક્તિગત જમીનોનું સીમાંકન કરવું જેની દર વર્ષે સમીક્ષા કરી શકાય. 28 મી એપ્રિલ, 2023 ના રોજ આ ગ્રામસભાએ વન અધિકાર અધિનિયમ (2006) (ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ (2006)) હેઠળ તેમના જંગલના 1000 ચોરસ કિલોમીટર વિસ્તારને સામુદાયિક વન સંસાધન (કોમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સ) (સીએફઆર) તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો.
મુજપથરીના સીએફઆર ટાઇટલની ધીમી પ્રગતિથી નાખુશ અબ્દુલ કહે છે, “જંગલ દરેકને માટે છે. મારે માટે, મારા બાળકો માટે અને તમારે માટે. જો આપણે આજીવિકાને સંરક્ષણ સાથે સાંકળી શકીશું તો નવી પેઢીને ફાયદો થશે. અને જો આપણે જંગલો કાપી નાખીશું તો પછી આપણે (નવી પેઢી માટે) પાછળ બાકી શું છોડીશું!"
વર્ષ 2020 માં, એફઆરએ, 2006 હેઠળ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો પણ સમાવેશ કર્યો હતો.
અબ્દુલ કહે છે, "ત્યાં સુધી કોઈને એફઆરએ વિશે ખબર જ નહોતી." ઈન્ટરનેટની પહોંચ વધતા (કાશ્મીર) ખીણના લોકોમાં વિવિધ યોજનાઓ અને કાયદાઓ વિશે જાગૃતિ પણ વધી. અબ્દુલ સમજાવે છે કે, “દિલ્હીમાં શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અને નીતિઓ વિશે અમને જાગૃત કરવામાં ઇન્ટરનેટે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અગાઉ, અમને કશી જ જાણ થતી નહોતી.
2006 માં અબ્દુલ અને મુજપથરીના કેટલાક બીજા રહેવાસીઓ, જેમાં વર્તમાન સરપંચ નઝીર અહેમદ ડિંડાનો પણ સમાવેશ થાય છે તેઓ, તત્કાલીન જે&કે ફોરેસ્ટ રાઈટ્સ કોએલિશનના વડા અને બડગામના એરિયા મેડિકલ ઓફિસર ડૉ. શેખ ગુલામ રસૂલને મળ્યા હતા. તેઓ અવારનવાર કામ માટે આ ગામની મુલાકાત લેતા હતા અને આ વિસ્તારમાં આરટીઆઈ ચળવળ શરૂ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. અબ્દુલ કહે છે, “ડૉ. શેખે કાયદા અને નીતિઓ અંગે અને [એ વિશે] અમારે વધુ જાણવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી."
અબ્દુલ સમજાવે છે કે આના કારણે ગ્રામજનો બીજી યોજનાઓ અંગે વધુ પૂછપરછ કરવા લાગ્યા અને “ધીમે ધીમે અમે આરટીઆઈ અધિનિયમ અને એ દાખલ કરવાની પ્રક્રિયાથી વાકેફ થયા. અમારા ગામમાં ઘણા લોકોએ આરટીઆઈ દાખલ કરવાનું શરૂ કર્યું અને તે એક ચળવળ બની ગઈ.”
મુજપથરીમાં ડો.શેખ સાથેની વાતચીતમાં તેઓ ગ્રામજનો સાથે બેઠકો યોજવાના અને ભાવિ પગલાંની યોજના કરવાના શરૂઆતના દિવસોને યાદ કરે છે. તેઓ કહે છે, "સત્તા પર રહેલા ધારાસભ્ય ભ્રષ્ટ હતા અને યોજનાઓ લોકો સુધી પહોંચતી નહોતી. ઘણીવાર ગ્રામજનોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હતા અને ગ્રામજનોમાં તેમના અધિકારો વિશે કોઈ જાગૃતિ નહોતી."
મુજપથરીના રહેવાસી પીર જી.એચ. મોહિદ્દીને ઐતિહાસિક દ્રષ્ટિએ વંચિત લોકોને માટે સાર્વજનિક આવાસ માટેની એકસાથે નાણાકીય સહાય આપતી ઈન્દિરા આવાસ યોજના (આઈએવાય) યોજના વિશે જાણકારી મેળવવા માટે 2006માં સૌથી પહેલી આરટીઆઈ દાખલ કરી હતી. સરપંચ નઝીરે 2013 માં ઇન્દિરા આવાસ યોજના (આઈએવાય) ના લાભાર્થીઓ વિશે માહિતી મેળવવા માટે બીજી આરટીઆઈ દ્વારા તેનું અનુસરણ કર્યું હતું.
ગામમાં વાતચીત અને ચર્ચાઓ પછી નઝીરને જંગલોનું સંરક્ષણ કરવાની અને પારદર્શિતાનો આગ્રહ રાખવાની જરૂરિયાતનો અહેસાસ થયો, જે તેમને આરટીઆઈ દાખલ કરવા તરફ દોરી ગયો. તેઓ કહે છે, "અમારે અમારા માટેની સરકારની નીતિઓ અને અમે તેનો લાભ શી રીતે મેળવી શકીએ એ જાણવાની જરૂર હતી." 45 વર્ષના આ ગુજ્જરકહે છે, "2006 સુધી અમે જંગલોમાંથી લાકડા અને જડીબુટ્ટીઓ, મૂળ અને કંદ ઉપરાંત ગુચ્છી અને ધૂપ જેવી લાકડા સિવાયની વન્ય પેદાશો (નોન-ટીમ્બર ફોરેસ્ટ પ્રોડકટ્સ) ની ચોરી કરતા હતા કારણ કે અમારી પાસે આજીવિકાનો બીજો કોઈ વિકલ્પ ન હતો." તેઓ આગળ કહે છે, "2009 ની આસપાસ મેં દૂધપથરીમાં એક દુકાન શરૂ કરી અને જંગલો પરની નિર્ભરતા ઘટાડવા માટે ચા અને કુલચા વેચવાનું શરૂ કર્યું." અમે તેમની સાથે શાલીગંગા નદીના કિનારે વધુ ઊંચાઈએ આવેલા ગોચર તરફ ચઢાણ કરી રહ્યા છીએ ત્યારે તેઓ તેમણે આટલા વર્ષો દરમિયાન દાખલ કરેલી જુદી-જુદીઆરટીઆઈની યાદી આપે છે.
2013 માં નઝીરે જાહેર વિતરણ પ્રણાલી (પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ - પીડીએસ) હેઠળ ચોખાની ભેદભાવપૂર્ણ ફાળવણી વિશે એફસીએસસીએ વિભાગને સવાલ ઉઠાવતી આરટીઆઈ દાખલ કરી હતી. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં શરૂ કરાયેલી સમગ્ર શિક્ષા યોજના હેઠળ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ વિશે જાણવા માટેની આરટીઆઈ પણ દાખલ કરી છે.
શાલીગંગા નદીના કિનારે અમે નઝીર સાથે ટ્રેકિંગ કરી રહ્યા છીએ ત્યારે દૂરથી અમને કેટલાક તંબુ દેખાય છે અને અમને નૂન ચાયના કપ માટે આમંત્રિત કરવામાં આવે છે. અહીં અમે બકરવાલ પશુપાલક મોહમ્મદ યુનુસને મળીએ છીએ, તેઓ એપ્રિલ મહિનામાં જમ્મુ વિભાગના રજૌરી જિલ્લામાંથી દૂધપથરી આવ્યા હતા અને ઓક્ટોબર સુધી હવે અહીં જ રહેશે જેથી તેમના પશુધનને, જેમાં 40 થી વધુ ઘેટાં અને 30 જેટલા બકરાંનો સમાવેશ થાય છે, ચરાવી શકે.
તેઓ કહે છે, "આજે અમે અહીં છીએ, પરંતુ 10 દિવસ પછી અમારે ઉપર તરફ જવું પડશે જ્યાં તાજા ગોચર હશે." 50 વર્ષના મોહમ્મદ બકરવાલ સમુદાયના છે અને તેઓ નાનપણથી જ નિયમિતપણે કાશ્મીરમાં સ્થળાંતર કરી રહ્યા છે.
અહીં જે&કે માં ચા અને તેલના ભાવ જે અનુક્રમે લગભગ 600-700 રુપિયે કિલો અને 125 રુપિયે લિટર છે - તેનો ઉલ્લેખ કરીને યુનુસ પૂછે છે, “એક બકરી કે ઘેટું વેચવાથી અમને સરેરાશ 8000 થી 10000 [રુપિયા] મળે. એટલામાંથી અમારે મહિનો કેમનો કાઢવો?
પીડીએસના નબળા અમલીકરણના પરિણામે યુનુસ અને તેમના સમુદાયના બીજા સભ્યોને રેશનનો હિસ્સો મળ્યો નથી. યુનુસ કહે છે, "હકીકતમાં સરકારે અમને પીડીએસ હેઠળ ચોખા, ઘઉં અને ખાંડ આપવા જોઈએ, પરંતુ અમને કંઈ જ મળતું નથી."
યુનુસ કહે છે, "આ વર્ષે પહેલી વાર અમને ટેક્સી સેવા મળી જેણે અમને યુસમાર્ગ પર ઉતારી દીધા અને અમારા બાળકો પશુધનની સાથે આવ્યા." તેઓ કહે છે કે આ યોજના 2019 થી અમલમાં છે, પરંતુ એને રજૌરીથી બકરવાલ સુધી પહોંચવામાં ચાર વર્ષ લાગ્યા છે. મોબાઈલ શાળાઓ માટેની પણ જોગવાઈ છે પરંતુ તે ભાગ્યે જ કાર્યરત હોય છે. યુનુસ કહે છે, "તેઓ અમને મોબાઇલ શાળાઓ આપે છે, પરંતુ ઓછામાં ઓછા 10-15 ચૂલા [પરિવાર] હોય એ જરૂરી છે તો જ એક [શાળાના] શિક્ષક હશે."
તેઓ નિરાશાથી કહે છે, "બધી જ યોજનાઓ કાગળ પર છે, પરંતુ અમારા સુધી એમાંનું કંઈ કરતા કંઈ પહોંચતું નથી."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક