51 વર્ષીય પાર્વતી દેવી સામાન્ય રીતે ચૂંટણી કાર્ડ તરીકે ઓળખાતું તેમનું ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) પકડીને પૂછે છે, “જો મારી આંગળીઓ મત આપવા માટે પૂરતી છે, તો તે આધાર કાર્ડ માટે કેમ પૂરતી નથી?” તેમણે 1995થી દરેક ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે આનો ઉપયોગ કર્યો છે.
પાર્વતીને ત્રણ વર્ષ પહેલાં થયેલા રક્તપિત્તથી તેમની આંગળીઓ નુકસાન થયું છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમના 2016-17ના વાર્ષિક અહેવાલ મુજબ, આ રોગથી 86,000 ભારતીયો પીડાય છે. અને આ તો એવા કેસ છે જેમનો રેકોર્ડ છે. અન્ય ઘણા કેસ દર વર્ષે સપાટી પર આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે વિશ્વભરમાં દર વર્ષે પાંચમાંથી ત્રણ કેસ ભારતમાં જોવા મળે છે.
આનાથી આધાર મેળવવાના તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તેમને કહેવામાં આવ્યું છે કે આ જાદુઈ કાર્ડથી તેમને રાજ્ય સરકાર તરફથી જે 2,500 રૂપિયા સુધીનું અપંગતા પેન્શન મળવાપાત્ર છે તે મળશે.
તેઓ કહે છે, “બે વર્ષ પહેલાં, મારા પુત્રએ મને કહ્યું હતું કે જો મારી પાસે આધાર હોય તો મને પેન્શન મળી શકે છે. ત્યારથી, મેં આધાર કાર્ડ મેળવવા માટે વારંવાર પ્રયાસ કર્યો. પરંતુ તેઓ બધા મને કહે છે કે યોગ્ય આંગળીઓ વિના, મને આધાર મળશે નહીં.”
તેઓ દુ:ખી અવાજે કહે છે, ‘પરંતુ મારા જેવા લોકોને આધાર કેમ નથી આપવામાં આવતું, જેમના હાથ ભગવાને તેમની કોઈ ભૂલ વગર છીનવી લીધા છે શું આની સૌથી વધુ જરૂર અમને નથી?’
આધાર કાર્ડ 12 અંકનો સાર્વત્રિક ઓળખ નંબર કાર્યક્રમ છે, જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 2009માં શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે અસંખ્ય સેવાઓ અને યોજનાઓ સાથે જોડવામાં આવ્યો છે. તેને મેળવવા માટે પાર્વતીએ કોઈ જગ્યાએ ધક્કો ખાવાનો બાકી નથી રાખ્યો. લખનૌના ચિનહટ બ્લોકની ઝૂંપડપટ્ટીમાં તેઓ રહે છે ત્યાંની માયવતી કોલોનીમાં નિયુક્ત આધાર મશીનથી માંડીને બ્લોક ઓફિસ સુધી, તેમણે બધે ધક્કા ખાધા છે. તેઓ કહે છે, “મને કહેવામાં આવ્યું હતું કે મારા હાથ [ફિંગર પ્રિન્ટિંગ] મશીન પર મૂકવા માટે યોગ્ય નથી. હું મારી ઓળખ સાબિત કરવા માટે મારું ચૂંટણી કાર્ડ પણ લઈ જાઉં છું, પરંતુ તેને સ્વીકારવામાં આવતું નથી. જ્યારે કે હું તો એ જ વ્યક્તિ છું, તો આ કેવી રીતે થઈ શકે?”
લગભગ 30 વર્ષ પહેલાં, પાર્વતી જગદીશ મહતો સાથે લગ્ન કર્યા પછી બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના બરેથા ઉદયનગર ગામમાંથી લખનૌ આવ્યાં હતાં. અને ત્યારથી, તેમણે શહેરમાં કચરાપેટીઓમાંથી પ્લાસ્ટિક, લોખંડ, કાગળ અને કાચ ચૂંટવાનું અને એકત્રિત કરવાનું કામ કર્યું છર. આ કામ કરતી વખતે, તેમણે તેમનાં છ બાળકોને જન્મ આપ્યો છે, જેઓ હવે 11 થી 27 વર્ષની વયનાં છે. તેમણે દરેક બાળકના જન્મ માટે માત્ર થોડા જ દિવસોની રજા લીધી હતી. તેઓ અને કબાડીના વેપારીઓને કચરો વેચીને દરરોજ 50 થી 100 રૂપિયા કમાતાં હતાં. તેમનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થતો અને રાત્રે 11 વાગ્યે સમાપ્ત થતો, ત્યાં સુધી તેઓ ઘરનાં બધાં કામોમાંથી પરવારતાં.
હવે, મોટાભાગના દિવસોમાં, તેઓ તેમના ઘરના એક ઓરડામાં લાકડાના ખાટલા પર બેસેલાં રહે છે, અને પડદાની પાછળથી દુનિયાને પસાર થતી જુએ છે. અમુક દિવસો એવા આવે છે જ્યારે તેમને ખૂબ જ નકામાં હોવાની અનુભૂતિ થાય છે, અને થોડા કલાકો માટે તેઓ કચરો એકત્ર કરવા માટે બહાર જાય છે.
તેઓ કહે છે, “હું લગભગ એકલા હાથે ઘર ચલાવતી હતી, પણ હવે હું રેશન પણ ઉપાડી શકતી નથી.” પાર્વતી પાસે અંત્યોદય કાર્ડ છે, જે તેમના પરિવારને જાહેર વિતરણ પ્રણાલી (પી.ડી.એસ.) મારફતે સબસિડી દરે 35 કિલોગ્રામ અનાજ (20 કિલો ઘઉં અને 15 કિલો ચોખા) માટે હકદાર બનાવે છે. આધાર કાર્ડની ગેરહાજરીમાં, પાર્વતી હવે પી.ડી.એસ.ની રેશનની દુકાન પર તેમનાં ઓળખપત્રોને ચકાસી શકશે નહીં.
રેશનની દુકાનના માલિક ફૂલચંદ પ્રસાદ સુરજી સાહનીની આંગળીની છાપને ચકાસવામાં સંઘર્ષ કરતાં અમને કહે છે, “હું પાર્વતીને તેઓ અહીં આવ્યાં ત્યારથી ઓળખું છું. પરંતુ નિયમોનું પાલન કરવું આવશ્યક છે.” સાહની એક શાકભાજી વિક્રેતા છે, જેમની પાસે આધાર કાર્ડ છે અને તેઓ પાર્વતીનાં પાડોશી છે. તેઓ કહે છે, “અમારે તો મશીન જે કહે તે કરવું પડશે.” જ્યારે બીજી તરફ સુરજી એક નાના મશીન પર અલગ-અલગ નંબરો મેળવે છે, જેમાં આંકડા મેળ ખાય ત્યારે તે મશીન બીપ અવાજ કરે છે અને મંજૂરી આપે છે. (આમાં સમય લાગે છે, કારણ કે સુરજીની આંગળીનાં ટેરવાં આખો દિવસ શાકભાજી છાલવાથી સખત થઈ ગયાં છે).
પાર્વતીને તેમનું રેશન ત્યારે જ મળી શકે છે જ્યારે તેમની સાથે પરિવારના અન્ય કોઈ સભ્ય આવે — જેમની ફિંગરપ્રિન્ટ આ મશીન પર કામ કરે. આ મશીન જે કહે તે તેમણે કર્યા વગર છૂટકો નથી. રેશનની દુકાન સુધીની તેમની મુસાફરી જટિલ છે. પાર્વતીની બે દીકરીઓ પરિણીત છે અને બંને મુંબઈમાં રહે છે. બંને પુત્રો તેમની બહેનોના ઘરે અને માતાના ઘરે આવતા જતા રહે છે, પરંતુ તેઓ બેરોજગાર છે. તેમના પતિ 5 કિમી દૂર એક લગ્ન ખંડમાં ગાર્ડ તરીકે કામ કરે છે અને દર મહિને 3,000 રૂપિયા કમાય છે. એક મહિનામાં, તેમને બે દિવસની રજા મળે છે, જેમાંથી એક દિવસ તો રેશન માટે હરોળમાં ઊભા રહેવામાં જાય છે. બીજો પુત્ર 20 વર્ષીય રામ કુમાર કચરો ભેગો કરે છે અને હરોળમાં ઊભા રહેવાથી દ્હાડીથી જે હાથ ધોવો પડે છે તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. સૌથી નાનો પુત્ર 11 વર્ષનો છે, અને વ્યંગાત્મક રીતે, તેનું નામ રામ આધાર છે. તેણે ખાનગી શાળામાં અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો, કારણ કે આ પરિવાર તેની 700 રૂપિયાની માસિક ફી ચૂકવવામાં અસમર્થ હતો. તેણે કાર્ડ માટે અરજી કરી છે પરંતુ તેને હજુ સુધી તે મળ્યું નથી.
પાર્વતી ઠંડો નિસાસો નાખીને કહે છે, “આ આધાર એક સારી જ યોજના હશે. પરંતુ મારા જેવા લોકોને આધાર કેમ નથી આપવામાં આવતું, જેમના હાથ ભગવાને તેમની કોઈ ભૂલ વગર છીનવી લીધા છે? શું આની સૌથી વધુ જરૂર અમને નથી?”
અનુવાદક: ફૈઝ મોહંમદ