18 મી ફેબ્રુઆરી 1983ના રોજ જ્યારે નેલી હત્યાકાંડ થયો ત્યારે રશીદા બેગમ માત્ર આઠ વર્ષના હતા. તેઓ યાદ કરે છે, “તેઓ લોકોને ચારે બાજુથી ઘેરીને એક તરફ લઈ ગયા હતા. તેઓએ તીર માર્યા હતા; કેટલાક પાસે બંદૂકો હતી. આ રીતે તેઓએ ઘણા લોકોને મારી નાખ્યા હતા. કેટલાકના ગળા કાપી નાખ્યા હતા, તો કેટલાકની છાતીમાં છરા ભોંક્યા હતા."

એ દિવસે મધ્ય આસામના નેલી (અથવા નેલ્લી) વિસ્તારમાં માત્ર છ કલાકના ગાળામાં બંગાળ મૂળના હજારો મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. રશીદા, જેમને ઘરમાં બધા વ્હાલથી 'રુમી' કહીને બોલાવે છે તેઓ, હત્યાકાંડમાં બચી ગયા હતા. પરંતુ તેઓએ તેમની નજર સામે જ તેમની ચારેય નાની બહેનોની હત્યા થતી જોઈ હતી અને તેમની માતાને ગંભીર રીતે ઘાયલ થતા જોયા હતા. તેઓ યાદ કરે છે, “તેઓએ મારા પર જાડી [ભાલા] થી હુમલો કર્યો હતો, અને મને કમરમાં ગોળી મારી હતી. એક ગોળી મારા પગને વીંધીને આરપાર નીકળી ગઈ હતી.”

નેલી (તેને નેલ્લી એમ પણ લખાય છે) હાલના મોરીગાંવ જિલ્લામાં આવે છે, જે 1989માં નાગાંવ જિલ્લામાંથી વિભાજિત કરવામાં આવ્યો હતો. હત્યાકાંડથી સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં અલીસિંગા, બસુંધારી જલાહ, બોરબોરી, ભુગદુબા બિલ, ભુગદુબા હબી, ખુલાપાથાર, માટીપરબત, મુલાધારી, નેલી અને સિલભેટાનો સમાવેશ થાય છે. સત્તાવાર અહેવાલો અનુસાર મૃત્યુઆંક લગભગ 2000 હતો, પરંતુ બિનસત્તાવાર અંદાજ સૂચવે છે કે  મૃત્યુઆંક 3000 અને 5000 ની વચ્ચે હતો.

1979 થી 1985 દરમિયાન આસામમાં વિદેશીઓ વિરોધી આંદોલનને પરિણામે ભડકેલી સાંપ્રદાયિક હિંસા પછી આ હત્યાઓ થઈ હતી. આ આંદોલનની આગેવાની ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ) અને તેના સહયોગીઓ દ્વારા લેવામાં આવી હતી. તેઓએ ગેરકાયદેસર સ્થળાંતરિતોને રાજ્યમાંથી હાંકી કાઢવાની અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવાની માંગ કરી હતી.

વિડિયો જુઓઃ ફેસિંગ હિસ્ટ્રી એન્ડ અવરસેલ્વ્ઝ (ઈતિહાસની અને પોતાની સાથે રૂબરૂ): રશીદા બેગમ નેલી હત્યાકાંડને યાદ કરે છે

ફેબ્રુઆરી 1983માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આસુ જેવા જૂથો અને સામાન્ય જનતાના કેટલાક વર્ગોના વિરોધ છતાં આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી. આસુએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું. તેમ છતાં 14 મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણીમાં બંગાળ મૂળના કેટલાક મુસ્લિમોએ મતદાન કર્યું હતું. આ સમુદાય લાંબા સમયથી બિદેસી (વિદેશી) ઓળખ સાથે જીવી રહ્યો હતો અને શારીરિક અને માનસિક હિંસાનો ભોગ બનતો આવ્યો હતો. તેમને માટે તેમનો મત આપવો એ તેમની ભારતીય નાગરિકતાના અધિકારનો દાવો કરવાનો એક માર્ગ હતો. જો કે 18 મી ફેબ્રુઆરીએ વિવિધ જૂથો દ્વારા આ સમુદાય વિરુદ્ધ આચરવામાં આવેલી હિંસા માટેનું તાત્કાલિક કારણ પણ આ જ હોવાનું માનવામાં આવે છે.

રૂમી કહે છે, “એક સમયે મેં વિદેશીઓ વિરોધી ચળવળમાં ભાગ લીધો હતો. હું નાની હતી અને આ બાબતો વિશે બહુ જાણતી નહોતી. પરંતુ હવે આ લોકોએ મને વિદેશી બનાવી દીધી છે કારણ કે મારું નામ એનઆરસીમાં નથી." તેમનું નામ અપડેટેડ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) માંથી ગાયબ છે. આસામમાં 2015 અને 2019 ની વચ્ચે નાગરિકતાની ઓળખ માટે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) અપડેટ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં 1.9 મિલિયન લોકો તેમના નામ એનઆરસીમાંથી ગુમ થયા હોવાનું જણાય છે. તેઓ કહે છે, “મારી માતા, પિતા, ભાઈ, બહેન – બધાનું નામ એમાં છે. મારા પતિનું નામ અને બાળકોના નામ પણ છે. તો પછી મારું નામ કેમ નથી?"

બંગાળ મૂળના મુસ્લિમોની અને કેટલાક કિસ્સાઓમાં બંગાળી હિંદુઓની નાગરિકતા અંગેની શંકા દાયકાઓ જૂની છે અને તેના મૂળ બ્રિટિશ સંસ્થાનવાદ અને ભારતીય ઉપખંડના વિભાજનમાં છે. રૂમીની સામે આજે પણ એ જ સવાલો ઊભા છે જેનો સામનો તેમને આઠ વર્ષની ઉંમરે કરવો પડ્યો હતો.

આ વીડિયો સુબશ્રી ક્રિષ્ણન દ્વારા સંકલિત ‘ફેસિંગ હિસ્ટ્રી એન્ડ અવરસેલ્વ્ઝ’ નો એક ભાગ છે. ધ ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ્સ પ્રોગ્રામ હેઠળ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સહયોગથી આ ફાઉન્ડેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગોથે-ઈન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવન નવી દિલ્હીના આંશિક સમર્થનથી આ શક્ય બન્યું છે. આ પ્રોજેક્ટને શેર-ગિલ સુંદરમ આર્ટસ ફાઉન્ડેશનનો સહયોગ પણ મળ્યો છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Subasri Krishnan

সরকারি পরিচয়পত্রকে প্রশ্নাকীর্ণ করে স্মৃতি ও পরিযানের আয়নায় নাগরিকত্বের প্রশ্নমালা তুলে ধরেন চলচ্চিত্র নির্মাতা সুবশ্রী কৃষ্ণন। ‘ফেসিং হিস্ট্রি অ্যান্ড আওয়ারসেল্ভস্’ প্রকল্পটির দ্বারা আসাম রাজ্যে উক্ত বিষয়ের উপর অনুসন্ধান চালিয়েছেন তিনি। বর্তমানে তিনি নয়াদিল্লির জামিয়া মিলিয়া ইসলামিয়ার এ.জে.কে. গণজ্ঞাপন গবেষণাকেন্দ্রে পিএইচডি করছেন।

Other stories by Subasri Krishnan
Text Editor : Vinutha Mallya

বিনুতা মাল্য একজন সাংবাদিক এবং সম্পাদক। তিনি জানুয়ারি, ২০২২ থেকে ডিসেম্বর, ২০২২ সময়কালে পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার সম্পাদকীয় প্রধান ছিলেন।

Other stories by Vinutha Mallya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik