“તેમને શાળા સુધી લાવવા પણ એક પડકાર છે.”

આચાર્ય શિવજી સિંહ યાદવના શબ્દો પાછળ તેમનો ૩૪ વર્ષનો અનુભવ બોલે છે. યાદવને તેમના વિદ્યાર્થીઓ ‘માસ્ટરજી’ કહીને બોલાવે છે, અને તેઓ ડાબલી ચાપોરીની એકમાત્ર શાળા ચલાવે છે. આસામના માઝુલી જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના આ ટાપુ પર વસતા ૬૩ પરિવારોના મોટાભાગના બાળકો આ શાળામાં ભણે છે.

ધોને ખોના મઝદુર નિમ્નતર પ્રાથમિક શાળાના એકમાત્ર વર્ગખંડમાં તેમના ટેબલ પર બેઠેલા, શિવજી તેમની આસપાસ જુએ છે, અને તેમના વિદ્યાર્થીઓ તરફ સ્મિત કરે છે. એકતાલીસ તેજસ્વી ચહેરાઓ – બધા ૬ થી ૧૨ વર્ષના બાળકો અને ૧-૫ ધોરણના વિદ્યાર્થીઓ – તેમની તરફ પાછા જુએ છે. તેઓ કહે છે, “ભણાવવું, અને ભૂલકાઓને શીખવવું એ એક મોટો પડકાર છે. તેમને તો અહીંથી બસ ભાગી જ જવું હોય છે.”

ભારતીય શિક્ષણ પ્રણાલીની સમીક્ષા કરવાની શરૂઆત કરતા પહેલા, તેઓ થોભે છે અને કેટલાક મોટા વિદ્યાર્થીઓને બોલાવે છે. તેઓ તેમને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા આસામી અને અંગ્રેજી ભાષાના વાર્તાના પુસ્તકોનું પેકેટ ખોલવાની સૂચના આપે છે. તેઓ જાણે છે કે નવા પુસ્તકોની ઉત્તેજના તેમના વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખશે અને ત્યાં સુધી તેમને અમારી સાથે વાત કરવાનો સમય મળી જશે.

તેઓ પ્રાથમિક શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા કહે છે, “સરકાર કૉલેજના પ્રોફેસરને જેટલો પગાર આપે છે, તેટલો જ પગાર તેમણે પ્રાથમિક શાળાના શિક્ષકને પણ આપવો જોઈએ; [શિક્ષણનો] પાયો નાખનાર અમે જ છીએ.” પરંતુ, તેઓ કહે છે કે, મા-બાપ પ્રાથમિક શિક્ષણને ગંભીરતાથી લેતાં નથી, એવું માનીને કે માત્ર હાઈસ્કૂલનું શિક્ષણ જ મહત્ત્વનું હોય છે. તેઓ આ ખોટી માન્યતાને સુધારવા માટે સખત મહેનત કરે છે.

Siwjee Singh Yadav taking a lesson in the only classroom of Dhane Khana Mazdur Lower Primary School on Dabli Chapori.
PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ડાબે: ડાબલી ચાપોરી પર ધોને ખો ના મઝદુર નિમ્નતર પ્રાથમિક શાળાના એકમાત્ર વર્ગખંડમાં પાઠ લેતા શિવજી સિંહ યાદવ. જમણે: શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા વાર્તાના પુસ્તકો સાથે શાળાના વિદ્યાર્થીઓ

Siwjee (seated on the chair) with his students Gita Devi, Srirekha Yadav and Rajeev Yadav (left to right) on the school premises
PHOTO • Riya Behl

શિવજી (ખુરશી પર બેઠેલા) શાળાના પરિસરમાં તેમના વિદ્યાર્થીઓ ગીતા દેવી, શ્રીરેખા યાદવ અને રાજીવ યાદવ (ડાબેથી જમણે) સાથે

૩૫૦ લોકોના વસવાટ વાળો ડાબલી ચાપોરી એનસી રેતી કાંઠાનો ટાપુ છે, જેનું ક્ષેત્રફળ શિવજીના અંદાજ પ્રમાણે આશરે ૪૦૦ ચોરસ કિલોમીટર છે. ચાપોરીને બિન-કેડેસ્ટ્રલ વિસ્તાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. એનો અર્થ કે, અહીંની જમીનનો હજુ સુધી સર્વે થયો નથી. ૨૦૧૬માં ઉત્તર જોરહાટમાંથી ભાગ પાડીને નવો માઝુલી જિલ્લો બનાવવામાં આવ્યો તે પહેલાં તેનો સમાવેશ જોરહાટ જિલ્લામાં થતો હતો.

જો આ ટાપુ પર એકેય શાળા ન હોત, તો અહીંના ૬-૧૨ વર્ષના બાળકોએ મુખ્ય જમીન પર - શિવસાગર નગરની નજીક, ડિસાંગમુખમાં આવેલી શાળામાં જવા માટે દરરોજ એક કલાકથી વધુ સમય પસાર કરવો પડતો. તેમણે ટાપુની જેટી પર જવા માટે લગભગ ૨૦ મિનિટ સાઇકલ ચલાવવી પડત, જ્યાંથી તેમને હોડી દ્વારા નદી પાર કરવામાં ૫૦ મિનિટ લાગતી.

રેતીના કાંઠા પરના બધા ઘરો શાળાથી ૨-૩ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા છે - જે ૨૦૨૦-૨૧માં કોવિડ-૧૯ મહામારીને કારણે શાળા બંધ કરવામાં આવી ત્યારે આશીર્વાદરૂપ સાબિત થયાં હતાં. શિવજીની શાળાના વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં સક્ષમ હતા કારણ કે તેઓ ઘેર ઘેર જઈને, તેમને મળ્યા અને તેમની તપાસ કરી. એ વખતે શાળામાં નિયુક્ત અન્ય શિક્ષક ત્યાં હાજર નહોતા થઇ શક્યા. તેઓ શિવસાગર જિલ્લામાં ગૌરીસાગર ખાતે રહે છે, જે નદી કિનારેથી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે. શિવજી કહે છે, “હું દરેક બાળકની અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર મુલાકાત લેતો, અને તેમને ઘરકામ આપતો, અને તેમનું કામ તપાસતો.”

પરંતુ તેમ છતાં, તેમને લાગે છે કે લોકડાઉનને કારણે ભણવામાં ખોટ પડી હતી. વિદ્યાર્થીઓ આગળ જવા માટે તૈયાર છે કે કેમ તે તપસ્યા વગર, તેમને આગલા વર્ગમાં મોકલવાની સત્તાવાર નીતિથી તેઓ નારાજ છે. અને તેથી, તેમણે શિક્ષણ વિભાગના અધિકારીઓને પત્ર લખ્યો હતો. “મેં તેમને વર્ષ માફ કરવાનું કહ્યું, અને કહ્યું કે જો બાળકો [એ જ વર્ગમાં] રહેશે તો તેમને ફાયદો થશે.”

*****

ધોને ખોના મઝદુર નિમ્નતર પ્રાથમિક શાળાની બહારની દિવાલ પર આસામનો મોટો રંગીન નકશો દોરવામાં આવ્યો છે. તેના તરફ અમારું ધ્યાન દોરતા, આચાર્ય શિવજી બ્રહ્મપુત્રા નદીમાં ચિહ્નિત ટાપુ પર આંગળી મૂકે છે. “જુઓ નકશામાં આપણી ચાપોરીને [રેતીના કાંઠા] ક્યાં બતાવવામાં આવી છે અને તે વાસ્તવમાં ક્યાં છે?” તેઓ હસીને કહે છે. “કોઈ સંબંધ નથી!”

આ કાર્ટોગ્રાફિક અસંગતતા શિવજીને વધારે અમાન્ય લાગે છે કારણ કે તેમણે સ્નાતકમાં ભૂગોળનો અભ્યાસ કર્યો હતો.

શિવજી બ્રહ્મપુત્રામાં આગળ વધતાં જ રહેતાં ચાપોરીઓ અને ચાર નામના  રેતીના કાંઠા અને ટાપુઓ પર જન્મેલા અને ઉછરેલા છે. આથી શિવજી બીજા કોઈ કરતાં તેને વધુ સારી રીતે જાણે છે કે સ્થળાંતરિત જમીન પર રહેવામાં વારંવાર સરનામું બદલવાની જરૂર પડી શકે છે.

A boat from the mainland preparing to set off for Dabli Chapori.
PHOTO • Riya Behl
Headmaster Siwjee pointing out where the sandbank island is marked on the map of Assam
PHOTO • Riya Behl

ડાબે: મુખ્ય જમીનમાંથી ડાબલી ચાપોરી જવા માટે રવાના થવાની તૈયારી કરી રહેલી એક હોડી. (જમણે) આસામના નકશા પર રેતીના કાંઠાનો ટાપુ ક્યાં ચિહ્નિત થયેલ છે તે દર્શાવતા આચાર્ય શિવજી

The Brahmaputra riverine system, one of the largest in the world, has a catchment area of 194,413 square kilometres in India
PHOTO • Riya Behl

વિશ્વની સૌથી મોટી નદીઓમાંની એક એવી બ્રહ્મપુત્રા નદી, ભારતમાં ૧૯૪,૪૧૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે

ત્યાંની વાર્ષિક કવાયતને સમજાવતા શિવજી કહે છે, “જ્યારે વધારે વરસાદ પડે છે, ત્યારે અમે જોરદાર પ્રવાહ સાથે પૂર આવવાની અપેક્ષા રાખીએ છીએ. પછી લોકો તેમની કીમતી ચીજવસ્તુઓ અને પ્રાણીઓને ટાપુ પરની ઊંચી જગ્યાએ લઈ જાય છે જ્યાં પાણી પહોંચતું ન હોય.” તેઓ આગળ ઉમેરે છે, “જ્યાં સુધી પાણી ઓછું ન થાય ત્યાં સુધી શાળા ખોલવાનો સવાલ જ પેદા નથી થતો.”

ભારતમાં બ્રહ્મપુત્રાના તટપ્રદેશ, જે ૧૯૪,૪૧૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે, ત્યાં રેતીના કાંઠાના ટાપુઓની જે રચના અને પુનઃનિર્માણ થાય છે તે, અને જે અદૃશ્ય થઈને ફરી પાછા જોવામાં આવે છે તે બધું નકશામાં બતાવવું શક્ય નથી.

ડાબલી રેતી કાંઠા પરના બધા ઘરો કાંઠા પર બાંધવામાં આવ્યા છે કારણ કે વિશ્વની સૌથી મોટી નદી પ્રણાલીઓમાંની એક એવી બ્રહ્મપુત્રામાં પૂર આવવું એ એક નિયમિત ઘટના છે – ખાસ કરીને ઉનાળા-ચોમાસાના મહિનાઓમાં. આ સમયગાળામાં જ હિમાલયની હિમનદીનો બરફ પણ પીગળે છે, જે નદીના તટપ્રદેશમાં ખાલી થતી નદીઓમાં જાય છે. અને માઝુલીની આસપાસના વિસ્તારમાં વાર્ષિક સરેરાશ ૧,૮૭૦ સેન્ટિમીટર વરસાદ પડે છે; જેમાંથી લગભગ ૬૪% દક્ષિણ પશ્ચિમ ચોમાસા (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન પડે છે.

આ ચાપોરી પર સ્થાયી થયેલા પરિવારો ઉત્તર પ્રદેશના યાદવ સમુદાયના છે. તેઓ ગાઝીપુર જિલ્લામાંથી ૧૯૩૨માં બ્રહ્મપુત્રા ટાપુઓ પર પહોંચ્યા. તેઓ ફળદ્રુપ, અનેબિન-કબજાવાળી જમીન શોધી રહ્યા હતા અને બ્રહ્મપુત્રામાં આ રેતીના કાંઠા પર હજારો કિલોમીટર પૂર્વમાં તેમને આ જમીન મળી આવી. શિવજી કહે છે, “અમે પરંપરાગત રીતે પશુપાલકો છીએ અને અમારા પૂર્વજો ચરવા માટે મેદાનની શોધમાં અહીં આવ્યા હતા.”

શિવજી કહે છે, “મારા દાદા-દાદી ૧૫-૨૦ પરિવારો સાથે સૌપ્રથમ લુખી ચાપોરી પર ઉતર્યા હતા.” તેમનો જન્મ ધનુ ખાના ચાપોરીમાં થયો હતો, જ્યાં ૧૯૬૦માં યાદવ પરિવારો સ્થળાંતર કરીને ગયા હતા. પૂર દરમિયાન તેમના ઘરો અને સામાન કેવી રીતે પાણીમાં તણાય જાય છે તે યાદ કરતાં તેઓ કહે છે, “તે હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હવે ધનુ ખાનામાં કોઈ રહેતું નથી.”

Siwjee outside his home in Dabli Chapori.
PHOTO • Riya Behl
Almost everyone on the sandbank island earns their livelihood rearing cattle and growing vegetables
PHOTO • Riya Behl

ડાબે: ડાબલી ચાપોરી માં તેમના ઘરની બહાર શિવજી . જમણે: રેતીના કાંઠાના ટાપુ પર લગભગ દરેક જણ પશુપાલન અને શાકભાજી ઉગાડીને તેમની આજીવિકા કમાય છે

Dabli Chapori, seen in the distance, is one of many river islands – called chapori or char – on the Brahmaputra
PHOTO • Riya Behl

દૂરથી દેખાતી ડાબલી ચાપોરી , બ્રહ્મપુત્રા પરના ઘણા નદી ટાપુઓમાં નો એક છે - જેને ચાપોરી અથવા ચાર કહેવામાં આવે છે

૯૦ વર્ષ પહેલાં યાદવ પરિવારો આસામમાં આવ્યા ત્યારથી, બ્રહ્મપુત્રા પર જીવતા રહેવા માટે તેઓ ચાર વખત સ્થળાંતર કરી ચૂક્યા છે. છેલ્લું સ્થળાંતર ૧૯૮૮માં હતું, જ્યારે તેઓ ડાબલી ચાપોરી ગયા હતા. યાદવ સમુદાયે જે ચાર રેતીના કાંઠા પર વસવાટ કર્યો છે તે એકબીજાથી દૂર નથી – તેમની વચ્ચેનું અંતર વધુમાં વધુ ૨-૩ કિલોમીટર છે. તેમના હાલના વસવાટનું નામ ‘ડાબલી’ શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ‘ડબલ’ થાય છે, અને તે આ રેતી કાંઠાના તુલનાત્મક રીતે મોટા કદને દર્શાવે છે.

ડાબલી પરના બધા પરિવારો જમીનની માલિકી ધરાવે છે, જેના પર તેઓ ચોખા, ઘઉં અને શાકભાજી ઉગાડે છે. અને, તેમના પૂર્વજોના પગલે ચાલીને, તેઓ પશુઓ પણ પાળે છે. અહીં દરેક વ્યક્તિ આસામી બોલે છે, પરંતુ યાદવ પરિવારો એકબીજાની સાથે અને ઘરમાં હિન્દીમાં બોલે છે. શિવજી કહે છે, “અમારી ખાવાની ટેવ બદલાઈ નથી, પણ હા, અમે ઉત્તર પ્રદેશમાં અમારા સંબંધીઓ કરતાં વધારે ચોખા ખાઈએ છીએ.”

હજુ પણ તેમના નવા પુસ્તકોમાં પરોવાઈ ગયેલા, શિવજીના વિદ્યાર્થીઓએ ધમાચકડી મચાવી નથી. ૧૧ વર્ષીય રાજીવ યાદવ અમને કહે છે, “મને સૌથી વધારે આસામી પુસ્તકો ગમે છે.” તેમના માતા-પિતા ખેડૂત છે અને પશુઓ પણ રાખે છે. તે બંનેએ સાતમા ધોરણ પછી શાળા છોડી દીધી હતી. રાજીવ કહે છે, “હું તેમના કરતાં વધારે ભણીશ.” પછી તેઓ આસામી સંગીતના દિગ્ગજ ભૂપેન હજારિકાની રચના ‘અહોમ અમર રૂપોહી’ ગાવાનું શરૂ કરે છે. તેમના શિક્ષક તેમની સામે ગર્વથી જુએ છે તેમ તેમનો અવાજ મજબૂત થતો જાય છે.

*****

દર વર્ષે જે નદીમાં પૂર આવતું હોય, તેની મધ્યમાં રેતી કાંઠા બદલી બદલીને જીવવું કંઈ પડકારો વગરનું નથી. દરેક ઘરે હોડી વસાવી છે. આ ટાપુ પર બે મોટરબોટ છે જેનો ઉપયોગ માત્ર કટોકટીમાં જ થાય છે. તેમની રોજિંદી જરૂરિયાતો માટેનું પાણી ઘરોના ક્લસ્ટરો પાસે આવેલા હેન્ડપંપમાંથી લેવામાં આવે છે. પૂર દરમિયાન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને એનજીઓ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. રાજ્ય દ્વારા દરેક ઘરમાં પૂરી પાડવામાં આવતી સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. નિયુક્ત રેશનની દુકાન પડોશી માઝુલી ટાપુ પર ગેઝેરા ગામમાં છે. તેમને ત્યાં પહોંચવામાં લગભગ ચાર કલાક લાગે છે - બોટ દ્વારા ડિસાંગમુખ સુધી, ત્યાંથી માઝુલી જવા માટે ફેરી, અને પછી ગામની અંદર ચાલીને.

માઝુલી ટાપુ પરના રતનપુર મીરી ગામમાં આવેલું સૌથી નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૩-૪ કલાકના અંતરે છે. શિવજી કહે છે, “સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો એક નવી સમસ્યા ઊભી કરે છે. જો કોઈ બીમાર પડે, તો અમે તેમને મોટરબોટ પર હોસ્પિટલમાં લઈ જઈ શકીએ છીએ, પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં મુસાફરી કરવી મુશ્કેલ હોય છે.” એમ્બ્યુલન્સ બોટ ડાબલીમાં નથી આવતી, અને જ્યાં પાણીનું સ્તર ઓછું હોય ત્યાં નદી પાર કરવા માટે આ સમુદાય ક્યારેક ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે.

Ranjeet Yadav and his family, outside their home: wife Chinta (right), son Manish, and sister-in-law Parvati (behind).
PHOTO • Riya Behl
Parvati Yadav with her son Rajeev
PHOTO • Riya Behl

ડાબે: રણજીત યાદવ અને તેમનો પરિવાર, તેમના ઘરની બહાર: પત્ની ચિતા (જમણે), પુત્ર મનીષ અને ભાભી પાર્વતી (પાછળ). જમણે: પાર્વતી યાદવ તેમના પુત્ર રાજીવ સાથે

Ramvachan Yadav and his daughter, Puja, inside their house.
PHOTO • Riya Behl
Puja and her brother, Dipanjay (left)
PHOTO • Riya Behl

ડાબે: રામવચન યાદવ અને તેમની પુત્રી પૂજા, તેમના ઘરની અંદર. જમણે: પૂજા અને તેનો ભાઈ, દીપંજય (ડાબે)

શિવજી કહે છે, “અમારે અહીં ઉચ્ચતર પ્રાથમિક શાળાની [સાતમા ધોરણ સુધી] જરૂર છે, કારણ કે જે બાળકો અહીં અભ્યાસ પૂરો કરે છે, તેમણે નદી પાર કરીને ડીસાંમુખની શાળામાં જવું પડે છે. પૂર સિવાયના સમયમાં તે યોગ્ય છે, પરંતુ પૂરની મોસમ દરમિયાન [જુલાઈથી સપ્ટેમ્બર], તેમના માટે શાળા બંધ થઈ જાય છે.” તેમની શાળામાં શિક્ષકો જવાના ઊંચા દર વિષે તેઓ કહે છે, “આ શાળામાં નિયુક્ત શિક્ષકો અહીં રહેવા માંગતા નથી. તેઓ થોડા દિવસો માટે જ આવે છે [અને ફરી પાછા આવતા નથી]. તેથી જ અમારા બાળકોની પ્રગતિ ખોરવાઈ જાય છે.”

૪ થી ૧૧ વર્ષની વચ્ચેના ત્રણ બાળકોના ૪૦ વર્ષીય પિતા રામવચન યાદવ કહે છે, “હું મારા બાળકોને [નદી પાર] ભણવા મોકલીશ. જો તેઓ શિક્ષિત હશે તો જ તેમને કામ મળશે.” રામવચન એક એકરની થોડી જમીનમાં ખેતી કરે છે, જ્યાં તેઓ વેચવા માટે કોળું, મૂળા, રીંગણા, મરચા અને ફુદીનો વાવે છે. તેઓ ૨૦ ગાયો પણ રાખે છે અને તેમનું દૂધ વેચે છે. તેમનાં ૩૫ વર્ષીય પત્ની કુસુમ, પણ ટાપુ પર મોટાં થયાં છે. તેઓ કહે છે કે તેમણે ચોથા ધોરણ પછી ભણવાનું છોડી દેવું પડ્યું હતું, કારણ કે તે દિવસોમાં આગળ ભણવા કરવા માટે એક યુવાન છોકરી માટે ટાપુ છોડવાનો તો પ્રશ્ન જ પેદા નહોતો થતો.

રણજીત યાદવ તેમના છ વર્ષના દીકરાને એક ખાનગી શાળામાં મોકલે છે, ભલે તે માટે દરરોજ બે વાર નદી પાર કરવી પડે. તેઓ કહે છે, “હું મારા પુત્રને મારી બાઇક પર લઈ જાઉં છું અને તેને પાછો લાવું છું. ક્યારેક મારો ભાઈ જે શિવસાગર [નગર] માં કૉલેજમાં જાય છે તે તેને સાથે લઈ જાય છે.”

તેમના ભાઈનાં પત્ની, પાર્વતી યાદવ ક્યારેય શાળાએ ગયાં નથી. પણ તેઓ ખૂશ છે કે તેમની ૧૬ વર્ષીય દીકરી ચિંતામણિ, ડિસાંગમુખની એક હાઈસ્કૂલમાં ભણે છે. તેણીએ શાળાએ જવા માટે બે કલાક ચાલવું પડે છે, અને તેણીએ મુસાફરી દરમિયાન નદી પણ પાર કરવી પડે છે. પાર્વતી કહે છે, “મને ચિંતા થાય છે કારણ કે આસપાસ હાથીઓ હોઈ શકે છે.” મુખ્ય જમીન પર આવેલી શાળામાં જવા માટે હવે તેમના બાળકો ૧૨ વર્ષીય સુમન અને ૧૧ રાજીવનો વારો છે.

Students lined up in front of the school at the end of day and singing the national anthem.
PHOTO • Riya Behl
Walking out of the school, towards home
PHOTO • Priti David

ડાબે: વિદ્યાર્થીઓ દિવસના અંતે શાળાની સામે લાઇનમાં ઉભા હતા અને રાષ્ટ્રગીત ગાતા હતા. જમણે: શાળા થી બહાર ચાલીને, ઘર તરફ કૂચ

પરંતુ જ્યારે જિલ્લા કમિશ્નરે તાજેતરમાં ડાબલી ચાપોરીના લોકોને પૂછ્યું કે શું તેઓ શિવસાગર નગરમાં વસવાટ કરવા માગે છે, ત્યારે કોઈ તે માટે રાજી ન હતું. શિવજી કહે છે, “આ અમારું ઘર છે; અમે તેને છોડી શકતા નથી.”

આચાર્ય અને તેમનાં પત્ની ફુલમતી તેમના બાળકોની શૈક્ષણિક સફર પર ગર્વ અનુભવે છે. તેમનો મોટો દીકરો બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં છે; પુત્રીઓમાં ૨૬ વર્ષીય રીટા સ્નાતક છે અને ૨૫ વર્ષીય ગીતા અનુસ્નાતક છે. સૌથી નાનો ૨૩ વર્ષનો રાજેશ વારાણસીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (બીએચયુ)માં ભણે છે.

શાળાની ઘંટડી વાગી છે અને બાળકો રાષ્ટ્રગીત ગાવા લાઇનમાં ઉભા છે. ત્યારપછી, યાદવ દરવાજો ખોલે છે અને બાળકો પૂરઝડપે ત્યાંથી જતાં રહે છે, પહેલા ધીમે ધીમે અને પછી દોડીને. શાળાનો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે આચાર્યે બધું વ્યવસ્થિત ગોઠવીને તાળું મારવાનું છે. વાર્તાના નવા પુસ્તકો મૂકતાં તેઓ કહે છે, “અન્ય લોકો વધારે કમાણી કરતા હશે, અને ભણાવીને હું જેટલું કમાઉ છું તે ઓછું હશે. પણ હું મારો પરિવાર ચલાવી શકું છું. અને એથી પણ વિશેષ, હું આ કામ, સેવાનો આનંદ માણું છું... મારું ગામ, મારો જિલ્લો, તે બધા જ પ્રગતિ કરશે. આસામ પ્રગતિ કરશે.”

આ વાર્તામાં મદદ કરવા બદલ લેખક અયાંગ ટ્રસ્ટના બિપિન ધાને અને કૃષ્ણકાંત પેગોનો આભાર માને છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Priti David

প্রীতি ডেভিড পারি-র কার্যনির্বাহী সম্পাদক। তিনি জঙ্গল, আদিবাসী জীবন, এবং জীবিকাসন্ধান বিষয়ে লেখেন। প্রীতি পারি-র শিক্ষা বিভাগের পুরোভাগে আছেন, এবং নানা স্কুল-কলেজের সঙ্গে যৌথ উদ্যোগে শ্রেণিকক্ষ ও পাঠক্রমে গ্রামীণ জীবন ও সমস্যা তুলে আনার কাজ করেন।

Other stories by Priti David
Photographs : Riya Behl

রিয়া বেহ্‌ল পিপলস্‌ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ায় (পারি) কর্মরত বরিষ্ঠ সহকারী সম্পাদক। মাল্টিমিডিয়া সাংবাদিক রিয়া লিঙ্গ এবং শিক্ষা বিষয়ে লেখালিখি করেন। এছাড়া তিনি পারির সঙ্গে কাজে আগ্রহী পড়ুয়াদের মধ্যে কাজ করেন, অন্যান্য শিক্ষাবিদের সঙ্গে পারির কাহিনি স্কুল-কলেজের শিক্ষাক্রমে অন্তর্ভুক্তির জন্যও রিয়া প্রয়াসী।

Other stories by Riya Behl
Editor : Vinutha Mallya

বিনুতা মাল্য একজন সাংবাদিক এবং সম্পাদক। তিনি জানুয়ারি, ২০২২ থেকে ডিসেম্বর, ২০২২ সময়কালে পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার সম্পাদকীয় প্রধান ছিলেন।

Other stories by Vinutha Mallya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad