“બ્યૂટી પાર્લરમાં જવાની શી જરૂર છે? તે તો બજારોમાં ફરવાનું અને પૈસા ખર્ચવાનું એક બહાનું માત્ર છે.”
મોનિકા કુમારીનું કહેવું છે કે તેમનાં સાસરિયાઓને તેમના બ્યૂટી પાર્લર જવા પર શંકા છે. ચાર જણનો પરિવાર પૂર્વ બિહારના નાના શહેર જમુઈથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ખૈરમા ગામમાં રહે છે. તેમની ટીપ્પણીઓથી દૂર રહીને, ૨૫ વર્ષીય મોનિકા નિયમિતપણે તેમની આઇબ્રો (ભમર) ને આકાર અપાવે છે, તેમના ઉપલા હોઠ પર ઉગેલા વાળ દૂર કરાવે છે, અને જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે ચહેરા પર મસાજ પણ કરાવે છે. તેમના પતિ, જેઓ પંચાયત કાર્યાલયમાં કામ કરે છે, તેઓ જૂની પેઢીના અવિશ્વાસ સાથે સહમત નથી થતા અને તેમની પત્નીને પાર્લર સુધી મૂકવા પણ જાય છે.
ફક્ત મોનિકા જ નહીં, પરંતુ જમુઈ જિલ્લાના જમુઈ અને આસપાસના નગરો અને ગામડાઓમાં ઘણી યુવતીઓ અને મહિલાઓ, મેકઅપ કરાવવા માટે નજીકના પાર્લરમાં જાય છે.
છેલ્લાં ૧૫ વર્ષોમાં જમુઈમાં ખીલેલા સૌંદર્ય વ્યવસાય વિષે વાત કરતાં પ્રમિલા શર્મા કહે છે, “જ્યારે મેં પાર્લરની શરૂઆત કરી ત્યારે ત્યાં ૧૦ પાર્લર હતાં. હવે મને લાગે છે કે જાણે અહીં હજારો પાર્લર છે.”
પ્રમિલા ૮૭,૩૫૭ની વસ્તી ધરાવતા જમુઈ શહેરના મુખ્ય માર્ગ પર આવેલ વિવાહ લેડીઝ બ્યૂટી પાર્લરનાં માલિક છે. અહીંના મોટાભાગના લોકો ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરે છે.
આ પાર્લર સાયકલની દુકાન, વાળંદની દુકાન અને દરજીની દુકાનની વચ્ચે આવેલું છે. અહીં હેરકટથી માંડીને થ્રેડીંગ, મહેંદી (હેના), વેક્સિંગ, ફેશિયલ અને મેક-અપ સુધીની બધી સેવાઓ હોવાથી લગભગ ૩૦ કિલોમીટર દૂર અલીગંજ બ્લોકના લક્ષ્મીપુર અને ઇસ્લામનગર જેવા ગામોમાંથી પણ ગ્રાહકો આકર્ષાય છે.
પ્રમિલા કહે છે કે અંગિકા, મૈથિલી અને મગહી જેવી સ્થાનિક ભાષાઓનું તેમનું કાર્યકારી જ્ઞાન તેમને ગ્રાહકો સાથે સહજતાથી વાત કરવામાં મદદ કરે છે.
બિહારના આ ભાગમાં બ્યૂટી પાર્લર ચલાવવામાં પિતૃસત્તા સાથે થતા સતત ઝઘડાનો સમાવેશ થાય છે. પ્રમિલા કહે છે, “લગ્ન પહેલાં, [અહીં] છોકરીઓ તેમના માતા-પિતાની મરજી પ્રમાણે અને લગ્ન પછી તેમના પતિની મરજી પ્રમાણે જીવે છે.” તેથી તેમના પાર્લર પર, કોઈપણ પુરૂષની હાજરી સખત રીતે પ્રતિબંધિત છે અને બહાર લગાડેલ બોર્ડ પર પણ સ્પષ્ટપણે ‘ફક્ત મહિલાઓ માટે’ એવો ઉલ્લેખ કરેલ છે. એક વાર અંદર આવી ગયા પછી ફક્ત સ્ત્રીઓ માટેની અલાયદી જગ્યા સુરક્ષીત માહોલ પૂરો પાડે છે. અહીં બાળકો અને વાનગીઓ વિષે ચર્ચા થાય છે, લગ્ન જોડાણો પર ગરમ ચર્ચા જામે છે અને વૈવાહિક મતભેદોના કિસ્સાઓમાં સહાનુભૂતિપૂર્ણ સુનાવણી મળે છે. તેઓ કહે છે, “મહિલાઓ ઘણીવાર તેઓ ઘેર શું અનુભવે છે તે શેર કરી શકતાં નથી, પરંતુ અહીં તેઓ કંઈપણ શેર કરી શકે છે.”
આ વિશેષતા અને લાગણથી ગ્રાહકો એક પાર્લર પ્રત્યે વફાદાર રહે છે. પ્રિયા કુમારી કહે છે, “જ્યારે અમે જમુઈમાં કોઈ પાર્લરમાં જવાનું ઈચ્છીએ છીએ, ત્યારે અમે તે જ પાર્લર પર પાછાં ફરીએ છીએ.” પ્રિયા કુમારી, એક પરિચિત જગ્યાના પરિચિત માહોલ વિષે કહે છે. બ્યૂટી પાર્લરના માલિક દ્વારા મીઠી ફટકાર કે હળવાશથી ઠપકો મળવાથી પારિવારિક વાતાવરણમાં વધારો થાય છે. જમુઈ બ્લોકના ખૈરમા ગામનાં ૨૨ વર્ષીય રહેવાસી કહે છે, “તેઓ અમારી જીવનકથા જાણે છે અને અમારી સાથે મજાક કરે છે.”
પ્રમિલાનું પાર્લર મહારાજગંજ મેઈન રોડ પર આવેલ એક વ્યસ્ત કોમર્શિયલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે. તેઓ આ બારી વગરના નાનકડા રૂમનું માસિક ૩,૫૦૦ રૂ. ભાડું ચૂકવે છે. પાર્લરની ત્રણ દિવાલો પર અરીસા લગાડેલા છે. પિગી બેંક (બચતનો ગલ્લો), નરમ વસ્તુઓથી ભરેલ ટેડી બેર, સેનિટરી પેડ્સનાં પેકેટ અને વિવિધ પ્રકારનાં કોસ્મેટિક ઉત્પાદનો અરીસાની ઉપરના કાચની કેબિનેટમાં ગોઠવેલાં છે. છત પર પ્લાસ્ટિકનાં ફૂલો લટકાવેલાં છે; તથા તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કરેલા સૌંદર્ય અભ્યાસક્રમોની પૂર્ણતા દર્શાવતા ફ્રેમવાળા પ્રમાણપત્રો ચામડી રંગ અને નારંગી રંગની દિવાલો પર મૂકેલાં છે.
એટલામાં આગળના દરવાજા પર લાગેલ પીળો પડદો હટે છે અને એક ગ્રાહક દુકાનમાં દાખલ થાય છે. સારાં કપડાં પહેરેલી ૩૦ વર્ષીય મહિલાને કોઇ જગ્યાએ રાત્રિભોજન માટે જવાનું હોવાથી, તેઓ તેમના હોઠ પરના વાળ દૂર કરાવવા માટે અને તેમના આઇબ્રોને આકાર અપાવવા માટે અહીં આવ્યાં છે. જો કે પાર્લર બંધ થવાનો સમય નજીક છે, પણ આ સૌંદર્ય વ્યવસાયમાં કોઇને પણ સમયના વધારે પડતા પાબંદ થવાનું પોસાય નહીં, નહીંતર ગ્રાહકો બીજે જવા માંડશે. જેવાં તે મહિલા બેસે છે, કે તરત પ્રમિલા પ્રસંગ વિષે પૂછે છે અને મૈત્રીપૂર્ણ વાતચિત શરૂ કરે છે. તેઓ પાછળથી અમને કહે છે, “હમ થોડા હસી મઝાક કરેંગે કી સ્કીન મેં અંદર સે નિખાર આયે [અમે અમારા ગ્રાહકને હસાવીએ છીએ અને પછી તે અંદરથી ચમકી ઉઠે છે.]”
સૌંદર્ય વ્યવસાયની અનિશ્ચિતતા દર્શાવતાં પ્રમિલા કહે છે, “એક દિવસમાં મને ૨૫ થી વધુ ગ્રાહકો મળી શકે છે કે જેઓ તેમની આઇબ્રોને આકાર અપાવવા માટે આવ્યાં હોય. પણ અમૂક દિવસોમાં માંડ પાંચ ગ્રાહકો પણ આવતાં નથી.” જ્યારે તેમને નવવધુને મેકઅપ કરવાની અપોઇન્ટમેન્ટ મળે, ત્યારે રોજના ૫,૦૦૦ રૂ. કે તેથી વધુ કમાતાં હોય છે. તેઓ કહે છે, “પહેલાં અમને ઘણી નવવધુઓને મેકઅપ કરવાના ઓર્ડર મળતા હતા, પણ હવે મોટાભાગની નવવધુઓ તેમના ફોન પર [વિડીઓ જોઇને] જાતે જ તૈયાર થઇ જાય છે.” સેવાઓને વધુ આકર્ષક બનાવવા માટે, પ્રમિલા કોમ્બિનેશન ઓફર પણ આપે છે: ૩૦ રૂ.માં આઇબ્રોને આકાર અપાવો અને ઉપલા હોઠ પરથી વાળ દૂર પણ કરાવો.
મોટી ઉંમરની મહિલાઓને આકર્ષવી એ હજુ પણ એક પડકાર છે. પ્રિયા કહે છે કે તેમણે તેમની માતાની ઉંમરની જૂની પેઢીની કોઈ મહિલાને ભાગ્યે જ અહીં જોઈ છે: “મારી માતાએ ક્યારેય તેમની આઇબ્રો કે વાળ કપાવ્યા નથી. તેઓ સમજી શકતાં નથી કે શા માટે અમે અમારી બગલના વાળ વેક્સ કરાવીએ છીએ અને કહે છે, ‘હું કુદરતી રીતે આવી જ છું અને મને ઈશ્વરે મને આવી જ બનાવી છે, તો હું શા માટે તેમાં કંઈપણ બદલાવ કરીશ?’
સાંજના ૫ વાગ્યા છે અને એક માતા તેમની કિશોરવયની બે પુત્રીઓ સાથે અંદર આવે છે. તબસ્સીમ મલિક પ્રમિલાની બાજુમાં આવી ઊભાં રહે છે, અને તેમની પુત્રીઓ તેમના હિજાબ ઉતારીને કાળા પ્લાસ્ટિકથી ઢંકાયેલ વાળંદની ખુરશીઓમાં બેસી જાય છે. નારંગી રંગનું ટેબલ વેપારના સાધનોથી ભરેલું છે – કાતર, કાંસકો, વેક્સનું હીટર, વિઝિટિંગ કાર્ડના બે થોક, આઇબ્રો કરવા માટેના દોરા, પાવડરની બોટલ અને વિવિધ લોશન તેમની જગ્યાએ સરસ રીતે ગોઠવેલાં છે.
તેમના ગ્રાહકોના અંગત જીવન વિશે ઘનિષ્ઠ જ્ઞાન દર્શાવતાં પ્રમિલા કહે છે, “તમારે તો ત્રણ છોકરીઓ હતી ને? એકનાં લગ્ન થઇ ગયાં કે શું?”
તબસ્સીમ કહે છે, “તે હજું ભણી રહી છે.” તેનો શાળાનો અભ્યાસ પૂર્ણ થાય એટલે લગ્નનું વિચારીશું.
પ્રમિલાએ સોફા પરની સીટ પરથી માથું હલાવ્યું. તબસ્સીમ સાથે વાત કરતી વખતે તેઓ તેમની તાલીમાર્થીઓ, તુન્ની અને રાનીને પણ ઉત્સુકતાથી જોઈ રહ્યાં છે, જેઓ વારાફરતી છોકરીઓના વાળ કાપવાની તૈયારી કરે છે. બન્ને સ્ટાઈલિસ્ટ આતુરતાથી પોતાના વાળ કપાવવા આવેલી ૧૨ વર્ષીય જાસ્મિનની ફરતે ફરે છે જે ટ્રેન્ડી ‘U’ આકારના વાળ કપાવવા ઇચ્છે છે, જેનો ભાવ ૮૦ રૂ. છે. પ્રમિલા કહે છે, “જ્યાં સુધી તમે U-આકાર પૂર્ણ ન કરો ત્યાં સુધી વાળમાંથી કાતર ઉપાડશો નહીં.” અને તુન્ની હકારમાં માથું હલાવે છે
એક હેરકટ તાલીમાર્થીઓએ પૂરો કર્યો અને બીજો હેરકટ પ્રમિલા કરશે. તેઓ તેમનાં યુવાન સહાયક પાસેથી ધાતુન્ની ભારે કાતર લે છે અને તેમની સામે વાળ કપાવવા તૈયાર યુવાન માથાને ટ્રિમ કરવાનું, કાપવાનું અને સ્ટાઇલ કરવાનું શરૂ કરે છે.
૧૫ મિનિટમાં વાળ કાપવાનું કામ પૂરું થઈ ગયું અને રાની જમીન પર પડેલ લાંબી લટ ઉપાડવા નીચે ઝૂકે છે. તેઓ તેને કાળજીપૂર્વક રબર બેન્ડથી બાંધે છે. પાછળથી ટ્રેનમાં અડધા દિવસની મુસાફરી કરીને કોલકાતાના એક વિગ ઉત્પાદકને વજનના આધારે તે વાળ વેચવામાં આવશે.
માતા અને દિકરીઓ તેમના પાર્લરમાંથી બહાર નીકળી રહ્યાં છે ત્યારે પ્રમિલા કહે છે, “હું તેઓને આવતા વર્ષે ફરી મળીશ. તેઓ વર્ષમાં ફક્ત એક જ વાર ઈદ પહેલાં વાળ કપાવવા આવે છે.” તેમના ગ્રાહકોને જાણવા, તેમની રુચિઓ યાદ રાખવી અને ઉદાર વાતચિત ચાલુ રાખવી એ બધું પ્રમિલાની ખાસિયતનો જ ભાગ છે.
જો કે આ ઉદ્યોગસાહસિક માટે જીવનમાં ફક્ત મસ્કરા અને બ્લશ જ નથી. તેમણે ઘરકામ પૂરું કરવા અને તેમના બાળકો – પ્રિયા અને પ્રિયાંશુ – ને શાળાએ મોકલવા માટે સવારે ૪ વાગ્યે ઉઠવું પડે છે. ઘર છોડતા પહેલાં, પ્રમિલાએ તેમની સાથે લગભગ ૧૦ લિટર પાણી ભરીને પાર્લરમાં લઈ જવું પડે છે કારણ કે જ્યાં પાર્લર આવેલું છે ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સમાં પાણીની સુવિધા નથી. તેઓ પૂછે છે, “તમે પાણી વિના પાર્લર કઇ રીતે ચલાવી શકો?”
વિવાહ લેડીઝ બ્યૂટી પાર્લર સવારે ૧૦ વાગ્યે ખુલે છે અને ૧૧ વાગ્યા જેવું બંધ થાય છે. જ્યારે પ્રમિલા બીમાર હોય અથવા ઘેર મહેમાનો હોય ફક્ત ત્યારે જ પાર્લરમાં રજા હોય છે. દરરોજ સવારે તેઓ તેમના પતિ રાજેશ સાથે સવારે ૧૦ વાગ્યા પહેલાં ઘેરથી નીકળી જાય છે. ત્યાંથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલી તેમની દુકાને જતા પહેલાં તેઓ પ્રમિલાને તેમની મોટરબાઈક પર બેસાડીને પાર્લર સૂધી મૂકી જાય છે. પ્રમિલા ગર્વથી કહે છે, “મારા પતિ એક કલાકાર છે. તેઓ સાઈનબોર્ડ અને પુલોને રંગે છે, ગ્રેનાઈટ કોતરે છે, લગ્નની જાન અને ડીજે ટેમ્પો માટે સ્ટેજ ડિઝાઇન કરવાનું જેવાં કામ કરે છે.”
જે દિવસોએ પ્રમિલાને મોડું થયું હોય, ત્યારે રાજેશ તેમની દુકાનની બહાર પ્રમિલાની રાહ જુએ છે અને તેમના મિત્રો સાથે વાતચિત કરીને સમય વિતાવે છે.
પ્રમિલા કહે છે, “આ વ્યવસાયમાં રવિવાર જેવું કાંઇ નથી. જ્યારે પડોશીઓ મારા ઘેર અપોઇન્ટમેન્ટ માટે આવે છે, ત્યારે હું તેમની પાસેથી પણ પૈસા લઉં છું!” જે ગ્રાહકો ભાવતાલ કરે કે પછી પૈસા આપવાનો ઇનકાર કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે: “જો ગ્રાહક ઘમંડી હોય, તો અમે તેને તેનું સ્થાન બતાવીએ છીએ.”
વિવાહ લેડીઝ બ્યૂટી પાર્લરનાં માલિક પશ્ચિમ બંગાળના કોલસાના નગર એવા દુર્ગાપુરમાં ઉછર્યો હતાં, જ્યાં તેમના પિતા ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડમાં ફોરમેન (સુપરવાઇઝર) હતા અને તેમનાં માતાએ આઠ લોકોના પરિવારને સંભાળ્યો હતો. દર વર્ષે, પ્રમિલા અને તેમનાં પાંચ ભાઈ-બહેનો – ત્રણ ભાઈઓ અને બે બહેનો – જમુઈમાં તેમના મામાના ઘેર જતાં.
વર્ષ ૨૦૦૦માં બારમું ધોરણ પૂરું કર્યા પછી તરત જ, પ્રમિલાએ રાજેશ કુમાર સાથે લગ્ન કર્યા અને તેઓ જમુઈમાં વસ્યાં. તેઓ કહે છે કે, તેમના લગ્નના સાત વર્ષો સુધી તો એવું ચાલતું રહ્યું કે તેમના પતિ કામ પર જતા રહેતા અને બાળકો શાળાએ. ઘેર એકલાં રહેવાની આદત ન હોવાથી, તેમણે બ્યૂટી પાર્લર ખોલવાનો વિચાર કર્યો. તેમના પતિનો પણ તેમને સહયોગ મળી રહ્યો. પ્રમિલા કહે છે, “ગ્રાહકો આવે છે અને હું તેમની સાથે વાતચિત કરું છું અને મજાક કરું છું; [એકલતાનો] તણાવ દૂર થઈ જાય છે.”
૨૦૦૭માં જ્યારે તેમણે સૌંદર્ય માટેનાં કૌશલ્ય શીખવાં હતાં, જમુઈમાં વધારે ટ્રેનિંગ કોર્સ ઉપલબ્ધ ન હતા. પરંતુ પ્રમિલાને જમુઈમાં બે કોર્સ મળ્યા. તેમના પરિવારે બંને માટે પૈસા ચૂકવ્યા: અક્ષર પાર્લરમાં છ મહિનાની લાંબી તાલીમ કે જેનો ખર્ચ ૬,૦૦૦ રૂ. હતો અને ફ્રેશ લુકમાં લીધેલ તાલીમનો ખર્ચ ૨,૦૦૦ રૂ. હતો.
પ્રમિલાને આ વ્યવસાયમાં આવ્યાને ૧૫ વર્ષ થઇ ગયાં છે, તેમ છતાં તેઓ સમગ્ર બિહારમાં વિવિધ કોસ્મેટિક બ્રાન્ડ્સ દ્વારા આયોજિત થતા અલગ–અલગ તાલીમ વર્કશોપમાં અચૂક હાજરી આપે છે. બદલામાં તેઓ કહે છે, “મેં ૫૦ થી વધુ મહિલાઓને તાલીમ આપી છે અને તેમાંથી ઘણાંએ તેમના પોતાના પાર્લર શરૂ કર્યાં છે. કેટલાંકે પડોશી ગામડાઓમાં”
જ્યારે અમે ઇન્ટરવ્યુ સમાપ્ત કરી રહ્યાં છીએ, ત્યારે પ્રમિલા શર્મા તેમની લાલ લિપસ્ટિકને સ્પર્શે છે. તેઓ કોહલનો ક્રેયોન ઉપાડે છે, અને તેમની આંખોમાં ઘેરો કાળો રંગ કરે છે અને ત્યારપછી તેમના પાર્લરમાં લાલચટક રંગથી ઢંકાયેલા સોફા પર જઈને બેસે છે.
તેઓ કહે છે, “હું સુંદર તો નથી, પણ તમે મારો ફોટોગ્રાફ લઈ શકો છો.”
અનુવાદક: ફૈઝ મોહંમદ