મારા કાકી,-મારા પિતાના ભાઈની પત્ની- જયશ્રી પારેદ વાદળછાયું આકાશ તરફ નજર કરી ને મને કહી રહ્યા હતા, “આ વર્ષે ઘણો વરસાદ પડ્યો હતો. તેથી મેં વિચાર્યું કે નદીનું પાણી લાંબું ચાલશે. મેં મારા પતિને ગામમાં રોકાઈ જવાનું કહ્યું. અમે થોડી વધુ શાકભાજી ઉગાડી શકતા હતા. મજૂરી માટે સ્થળાંતર કરવા કરતાં પોતાના ખેતરમાં કામ કરવું વધારે સારું છે. પરંતુ જુઓ, શું થયું? શિયાળો આવી ગયો છે, પરંતુ હવામાં કોઈ ઠંડક નથી. ચોમાસું પુરૂં થઈ ગયું છે, પરંતુ આકાશ હજી પણ સાફ થયું નથી. અને મારી મેથી સુકાઈ જવાની આરે છે, પાલકની પણ આજ હાલત છે. ગઈકાલ સુધી રાઈનો છોડ બરાબર હતો, પરંતુ આજે તેમાં પણ જીવાત લાગી ચૂકી છે. અમે શું કરીએ?”. આ નવેમ્બર ૨૦૧૯ ની વાત છે. મારી સાથે વાત કરતી વખતે કાકી ચેપગ્રસ્ત છોડને ઉખેડતી રહી.
કાકીએ પોતાની વાત આગળ કરતાં કહ્યું, “હવામાન બદલાઈ ગયું છે. અમને પૂરતા તડકા(ધૂપ)ના દિવસો નથી મળતા. તેનાથી આ બધું [ઉપદ્રવ] થયું છે. આ રસાયણો [જંતુનાશકો] વેચતા દુકાનદાર પણ આ જ કહે છે. મને ખાતરી છે કે તે આ વિશે ઘણું જાણે છે?” સહમતી આપવા મારી હકારની રાહ જોતાં તેમણે કહ્યું. તેમને ચિંતા થઈ રહી હતી કે આ રોગ તેમના આખા ખેતર માં ફેલાઈ જશે અને બધી શાકભાજી કરમાઈ જશે. “કાદવથી ભરેલ આ ખેતરના આ કટકામાંથી શાકભાજી વેચીને ૨૦૦-૨૫૦ કમાતી હતી. પરંતુ તેમાંના મોટાભાગના અંકુરણ થવાની સાથે કરમાઇ ગયા. હવે જે વધ્યું છે, તે પણ કરમાઈ રહ્યું છે. મને ખૂબ ચિંતા છે કારણ કે મને ખબર નથી કે આમાંથી હું કેટલી કમાણી કરીશ. ઘેવડા અને વાલ ફૂલતાં હતાં, પણ પછી બધાં ફૂલો કરમાઈ ગયા અને પડી ગયાં. કઠોળ પણ ચેપગ્રસ્ત છે”.
તે આ શાકભાજીને ટોકરીમાં માથા ઉપર મૂકીને બે કિલોમીટર દૂર, ગણેશપૂર લઈ જઈ, ત્યાં શેરીના કાંઠે બેસીને શાકભાજીનું વેચાણ કરે છે, અથવા કેટલીકવાર બસમાં વસઇના બજારોમાં લઈ જાય છે; આથી મારા કાકા અને કાકીની કમાણી લગભગ એક અઠવાડિયામાં વધુમાં વધુ રૂ. ૧૦૦૦ સુધી થઈ જાય છે. તે તેમની આવકનો એકમાત્ર સ્રોત છે.
૪૦ વર્ષિય મારા કાકી, અને ૪૩ વર્ષિય મારા કાકા રામચંદ્ર, નિમ્બાવલી ગામમાં ગરેલપાડા નજીક એક ટેકરીના ઢાળ પર એક એકર જમીન ધરાવે છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વડા તાલુકાના, આશરે ૮૫ ઘર ધરાવતા આ ગામમાં, મોટાભાગના પરિવારો, મારા કાકી અને કાકાની જેમ, આદિવાસી છે; તેઓ વારલી સમુદાયના છે. તેમાંના મોટાભાગના લોકો નજીકમાં ઇંટની ભઠ્ઠીઓ, બાંધકામ સ્થળો પર અથવા વસઈ અને ભિવંડીની ફેક્ટરીઓમાં કામ કરે છે અને નાના નાના પ્લોટોની ખેતી કરે છે.
ટેકરી ઉપર અમારી પણ કેટલીક જમીન છે, એક એકર. ચોમાસામાં, અમારા પરિવારો એક સાથે મળીને ડાંગરની ખેતી કરે છે. આ (ડાંગર)ને અમે બજારમાં વેચતા નથી, પરંતુ પોતાના ભોજન માટે રાખી લઈએ છીએ. અમે કાકડી,ગલકા, કરમ્દા, લીલી ચોળી, જુવાર, તલ, નાઇઝર બીજ(રામતલ) અને રતાળુ જેવા અન્ય પાકની પણ ખેતી કરીએ છીએ. ટેકરી પર વિવિધ પ્રકારનાં વૃક્ષો છે, જેમાં જાંબુ, આલવ, કોશીમ્બ અને તોરણનો સમાવેશ થાય છે, જેમાં જંગલી ફળો અને બોર લાગે છે. વરસાદ દરમિયાન અહીં જંગલી શાકભાજી પણ ઊગે છે.
અમારી જમીન પાસે પાણીનું એક વહેણ છે. એકવાર ચોમાસું પૂરું થાય, કે કાકા અને કાકી તે વહેણના એક ભાગ પાસેના ખાડામાં ભરાયેલ પાણીનો ઉપયોગ કરીને પોતાના ખેતરમાં શાકભાજી ઉગાડે છે. જ્યારે તે સુકાઈ જાય છે, ત્યારે પાણી ભેગું કરવા માટે, ચાર દિવસ માટે થોડા કલાક પાવડા અને કોદાળી વડે, તેઓ ૫-૬ ફુટ ઊંડો ખાડો ખોદે છે.
“અમે (બે કલાક મશીન ચલાવવાના ૧૮૦૦ રૂપિયા ભાડું આપીને) જેસીબી ભાડે રાખી એક મોટો ખાડો ખોદવા માગતા હતા. પરંતુ વન વિભાગ તેની પરવાનગી નથી આપતું. તેઓ કહે છે કે, જમીનનો ઉપયોગ ફક્ત ખેતી માટે થઈ શકે છે, કુવા ખોદવા કે મકાન બાંધવા માટે નહીં. અમે સ્થાનિક વન વિભાગની કચેરીમાં બે ધક્કા ખાધા, પણ મુખ્ય અધિકારીની મુલાકાત ના થઈ શકી. અમે એક બીજા અધિકારીને મળ્યા જેમણે અમને હાથથી ખોદકામ ચાલુ રાખવાનું કહ્યું. તેમાં લાંબો સમય લાગશે. કાકા કહે છે કે “અમારે ખેતી માટેના બીજા બધા કામ પણ કરવા ના હોય છે.”
કાકા અને કાકીએ માટી ભરેલ પ્લાસ્ટિકની બોરીઓનો ઉપયોગ કરીને પાળ બાંધી, પાણીના પ્રવાહને રોકી, સંગ્રહિત કરવાનો પ્રયાસ કરી જોયો. કાકા કહે છે, “અમે જ્યારે ઓક્ટોબરમાં આ પાળ બનાવી, ત્યારે અમે વિચાર્યું હતું કે પાણી લાંબા સમય સુધી ચાલશે. પરંતુ જુઓ, હવે તે લગભગ પૂરું થઈ ગયું છે”. પહેલા, કાકા-કાકી વિવિધ વાસણોમાં પાણી ભરીને ટેકરીના ઢાળ ઉપર તેમના પ્લોટ સુધી લઈ જતાં; કેટલાક મહિના પહેલા, એક સ્થાનિક એનજીઓએ તેમને એક પગથી સંચાલિત મશીન (પેડલ મશીન) આપી, જે પાણીને ટેકરી ઉપર ખેંચે છે. તેનાથી તેમની મહેનત થોડી હળવી થઈ છે, પરંતુ હજુ પણ પાણીની અછત છે.
કાકાએ તેમની વાત આગળ વધારતા કહ્યું, “અમને આ પ્લોટ પર મકાન બાંધવાની પરવાનગી પણ મળી નથી. ટૂંક સમયમાં, એક હાઇવે (મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે) અમારા ગામમાંથી પસાર થશે અને અમારું ઘર તોડી પાડવામાં આવશે (વર્ષ ૨૦૧૮ માં ગામના બધા પરિવારોને ગામ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી). અમને સ્થળાંતરિત કરવામાં આવશે. પરંતુ અમે નથી જાણતા કે ક્યાં. અમારી પાસે જે કાંઈ છે, તે આ જ છે. એટલે જ હું મારું ઘર અહીં ફરીથી બનાવવા માગતો હતો. મેં અધિકારીને વિનંતી કરી. પરંતુ તેણે ના પાડી. તેણે કહ્યું કે રહેવા માટે ઝૂંપડું બનાવો.”
કાકા અને કાકીને ખેતી માટે સ્થિર જળ સ્ત્રોતની જરૂર છે. જો તેઓ પાણી મેળવી શકે અને અછત ઓછી થાય, તો તેઓને ફરીથી સ્થળાંતર કરવાની જરૂર નહીં પડે
કાકાને વન અધિકાર અધિનિયમ હેઠળ ૨૦૧૧ માં એક એકર જમીનની માલિકીનો હક આપવામાં આવ્યા છતાં પણ તેમને અને તેમના પરિવારને જંગલની જમીનમાં વસવાટના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જે આ કાયદા દ્વારા વચન આપવામાં આવ્યું હતું. અને તેમને અને કાકીને ખેતી માટે સ્થિર જળ સ્ત્રોતની જરૂર છે. જો તેઓને તે મેળી જાય, અને જો પાણીની તંગી પણ ના વધે, તો તેઓને ફરી સ્થળાંતર કરવાની જરૂર પડશે નહીં.
કામ કરતા કરતા, કાકાએ મને અમારા ગામ નજીકની ઈંટની ભઠ્ઠીઓમાં ઘણા વર્ષોથી તેમના કામ કરતા હોવાનું જણાવ્યું. કાકી ક્યારેય શાળાએ નથી ગયા, તેમનું શિક્ષણ શૂન્ય હતું. કાકા ૧૦ માં ધોરણને પાસ ન કરી શક્યા. થયું એમ હતું, કે પરીક્ષાઓ શરૂ થવાની જ હતી, ને કાકાને આખલાએ ભેટ મારીને ઘાયલ કરી દીધા. તેઓ ઘણા દિવસો માટે પથારીવશ થઈ ગયા હતા. તે ના તો બેસી શકતા કે ના તેમના પગ પર ઉભા રહી શકતા હતા. અને તે કારણે તેઓ બોર્ડની પરીક્ષા આપી શક્યા નહી. શિક્ષણ મેળવવાનું તેમનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
થોડાક સમય પછી, ૨૨ વર્ષની ઉંમરે કાકાના લગ્ન થયા -કાકી ૧૯ વર્ષના હતા, અને વસઈ તાલુકાના થલ્યાચપાડા ગામથી તેમનો સંબંધ હતો- તેમની પ્રથમ સંતાન અર્ચના ખૂબ જ બીમાર પડી. તેઓ તેના રોગ વિષે કશી જાણ ના હતી, પણ તેમણે બધા પ્રકારની દવાઓ કરી જોઈ, પરંતુ કંઇ કામ આવ્યું નહીં. છેલ્લે, તેમણે એક ભગતની (સ્થાનિક પરંપરાગત ઉપચાર કરનાર) સલાહ લીધી. તેમણે મને કહ્યું કે તેણે તેને સાજી કરી દીધી. ભગતે તેમને બકરીની બલિ ચડાવવાનું કહ્યું. પણ પૈસા ક્યાં હતા? કાકાએ કહ્યું કે તેઓએ રાત-દિવસ તેના વિશે વિચાર્યું. અંતે, તેઓએ એક સબંધી પાસેથી પૈસા માંગ્યા. તેમણે તેમને જનાવરની બલિ આપવા માટે ૧૨૦૦ રૂપિયા આપ્યા. જ્યારે પૈસા પાછા આપવાનો સમય આવ્યો ત્યારે તેણે માંગવાનું શરૂ કરી દીધું. કાકા અને કાકીને ચિંતા થઈ કે તે કેવી રીતે ઉધાર ચૂકવશે, તેમની પાસે આટલી પણ રકમ ન હતી. તે સમયે તેઓએ ઇંટના ભઠ્ઠાના માલિક પાસેથી આગોતરા પૈસા લીધા, અને સંબંધીનું ઉધાર ચૂકવ્યું, અને ભઠ્ઠા ઉપર કામ કરવા લાગ્યાં.
કાકીએ કહ્યું, “આ પરિસ્થતિને કારણે મારા જીવનમાં આ પહેલી વાર હતું, કે હું ઈટના ભઠ્ઠા ઉપર ગઈ હતી”. આ વર્ષ ૨૦૦૧ ની વાત છે. “હું ઘણા વર્ષો સુધી ભઠ્ઠામાં કામ કરતી રહી. પણ હવે હું તે સહન કરી શકું તેમ નથી. મારી પીઠ દુખે છે. મારી પીઠનો નીચેનો ભાગમાં દુખાવો થાય છે. મને નથી લાગતું કે હું હવે તે કામ કરી શકું છું.”
કાકા-કાકીને ત્રણ બાળકો છે. મોટી પુત્રી, ૨૦ વર્ષની અર્ચના એ ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થઈ છે, અને તે સીવણકામ શીખી છે, ૧૮ વર્ષની યોગિતા અત્યારે ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરે છે, અને ૧૬ વર્ષનો પુત્ર રોહિત ધોરણ ૧૦માં છે. આ બંને આદિજાતિ આશ્રમ શાળાઓ (છાત્રાલયો) માં છે. કાકા અને કાકી તેમના ખેતરમાં કામ કરીને તેમના પરિવારનું પાલન પોષણ કરે છે. તેમણે મુશ્કેલ જીવન પસાર કર્યું છે -અને તેમના બાળકોએ તેમના દિવસોની જેમ દિવસ પસાર ના કરવા પડે, તે જ તેમનું સ્વપ્ન છે.
પૂરતા શિક્ષણ વગર, કાકાને સખત મજૂરી સિવાય બીજુ કોઈ કામ મળ્યું નહીં. અને તેમની પાસે કોઈ આવડત નથી જેનાથી તેઓ કોઈ અન્ય આવક ઊભી કરી શકે. તેમને એફઆરએ હેઠળ મળેલ પ્લોટ જ આ પરિવારની કુલ સંપતિ છે. પાણી સતત મળે તો, તેઓ કદાચ તેમની જમીનનો વિકાસ કરીને, પૂરતા કામ અને આવક સાથે, એક સુખી જીવન જીવી શકે. તેઓ એ જ આશા રાખે છે.
મરાઠીમાંથી મેધા કાલે દ્વારા અનુવાદિત
અનુવાદ: મહેદી હુસૈન