"અરે આ તો ખાલી આપણા ગેસ્ટહાઉસ જોવા આવ્યા છે," રાણી એની સાથે ઓરડીમાં રહેતી લાવણ્યને કહે છે. બંનેને અમારી મુલાકાતનું કારણ જાણી ને રાહત થાય છે.
જાન્યુઆરીની શરૂઆતમાં જયારે પહેલી વાર અમે ગેસ્ટહાઉસ વિષે પૂછપરછ શરુ કરી ત્યારે મદુરાઈ જિલ્લાના ટી કલ્લુપટ્ટી બ્લોકના કુવલપુરમ ગામમાં ભય છવાઈ ગયો હતો. દબાયેલા આવજે વાત કરતા પુરુષોએ આંગળી ચીંધી અમને બે સ્ત્રીઓ તરફ દોર્યા--બંને યુવાન માતાઓ હતી-- જે થોડા અંતરે એક ફળિયામાં બેઠી હતી
"એ પેલી બાજુ છે. ચાલો જઈએ," કહેતા, એ બેય સ્ત્રીઓ અમને ગામથી અડધા કિલોમીટર દૂર ગામના છેવાડે લઇ ગઈ. બે ઓરડીઓવાળું કહેવાતું ગેસ્ટહાઉસ ઘણા સમયથી તરછોડાયેલું લાગતું હતું. કૂતુહલની વાત હતી બે નાના ઓરડાની વચ્ચોવચ ઉભું કંતાનના કોથળાઓથી લદાયેલું એક લીમડાનું ઝાડ.
આ ગેસ્ટહાઉસના ગેસ્ટ હતી માસિકમાં હોય એવી સ્ત્રીઓ. પરંતુ તેઓ અહીંયા ના કોઈના નિમંત્રણથી આવેલી ના પોતાની ઈચ્છાથી. મદુરાઈ થી 50 કિલોમીટર દૂરના 300 માણસોની વસ્તીવાળા આ ગામના લોકોના અતિશય જડ નિયમોને લઈને સ્ત્રીઓને અહીંયા સમય ગાળવાની ફરજ પડે છે. ગેસ્ટહાઉસમાં અમને મળેલી બે સ્ત્રીઓ રાણી અને લાવણ્યએ (એમના નામ સાચા નથી) અહીંયા પાંચ દિવસ રહેવું પડશે. જો કે તરુણવયમાં પ્રવેશતી છોકરીઓએ તેમજ પ્રસૂતિ પછી મહિલાઓએ એમના બાળક સાથે અહીંયા એક મહિનો રહેવું પડે છે.
"અમે અમારા કોથળા અમારી સાથે અહીંયા ઓરડામાં લાવીએ છીએ," રાણીએ સમજાવ્યું. આ કોથળાઓમાં સ્ત્રીઓએ માસિકમાં હોય ત્યારે વાપરવાના વાસણો છે. અહીંયા ખાવાનું નથી બનતું. ખાવાનું ઘેરથી, એટલે પાડોશીઓએ પકાવેલું, આ વાસણોમાં અહીંયા આપવામાં આવે છે. આભડછેટ ના થાય એટલે આ કોથળાને આ ઝાડ પર લટકાવાય છે. અહીંયા દરેક ગેસ્ટ માટે વાસણો જુદા હોય છે, પછી ભલે ને તેઓ એકજ કુટુંબમાંથી કેમ ના આવ્યા હોય. પરંતુ ઓરડા તો બે જ છે અને એમાંતો ભેગા રહ્યે જ છૂટકો.
કુવલપુરમમાં રાણી અને લાવણ્ય જેવી સ્ત્રીઓ માટે જયારે એ લોકો માસિકમાં હોય ત્યારે આ બે માંથી એક ઓરડાઓમાં આવીને રહેવા સિવાય કોઈ બીજો ઉપાય નથી. આ બે માંથી પહેલો ઓરડાઓ બે દાયકા પહેલા ગામના લોકોએ ભેગા કરેલા ભંડોળમાંથી બાંધવામાં આવેલો. આ બંને સ્ત્રીઓ 23 વર્ષની છે અને એમના લગ્ન થઇ ચૂક્યા છે. લાવણ્યને બે બાળકો છે અને રાણીને એક; અને બંનેના વાર ખેતમજૂરીનું કામ કરે છે.
"અત્યારે તો બસ અમે બંને જ છીએ પણ ક્યારેક ક્યારેક અહીંયા આઠ દસ સ્ત્રીઓ હોય છે અને ઓરડો ખીચોખીચ ભરાઈ જાય છે," એવું લાવણ્ય બોલી. આવું અવારનવાર થતું એટલે ગામના વડીલોએ દયા ખાઈને બીજો ઓરડો બનાવવાની તૈયારી બતાવી અને પછી યુવક કલ્યાણ સમિતિના સભ્યોએ ભંડોળ એકઠું કર્યું ને ઓક્ટોબર 2019માં બીજો ઓરડો બાંધ્યો.
જોકે અત્યારે તો માત્ર બે જ વ્યક્તિઓ, રાણી અને લાવણ્ય, આ નવા ઓરડામાં છે, જે વધારે મોટો અને હવા ઉજાસવાળો છે. વક્રોક્તિ જુઓ કે જે સાંકડી જગ્યા રૂઢિચુસ્ત પરંપરાઓથી ઘેરાયેલી છે ત્યાં એક લેપટોપ પણ છે જે લાવણ્યને એ જે સરકારી શાળામાં જતી ત્યાંથી મળ્યું હતું. "હવે અહીંયા અમારે સમય કેમનો કાઢવો? અમે લેપટોપ પર ગીતો સાંભળીએ, ફીલમ જોઈએ. હું ઘરે જઈશ ત્યારે પાછું લઇ જઈશ," લાવણ્ય કહે છે.
આ જગ્યાને "મુત્તુથુરાઈ", એટલેકે અભડાયેલી સ્ત્રીઓને રહેવાની જગ્યા, ને બદલે "ગેસ્ટહાઉસ" કહેવું એ એક જાતની સૌમ્યોક્તિ છે. રાણી મને સમજાવતા કહે છે, "અમે આને “ગેસ્ટહાઉસ” કહીએ છીએ જેથી કરીને અમારા બાળકોને સમજ ના પડે. મુત્તુથુરાઈ માં હોવું એ શરમની વાત છે -- ખાસ કરીને મંદિરમાં તહેવારના કે બીજા સામાજિક ઉત્સવોના દિવસોમાં, અને અમારા સગાવ્હાલાં જે બીજા ગામોમાં છે એમને તો આ પ્રથા વિષે કંઈ ખબર નથી." કુવલપુરમ મદુરાઈ જિલ્લાના પાંચ ગામોમાંનું એક છે જ્યાં માસિકમાં હોય એવી સ્ત્રીઓને અલગ રાખવામાં આવે છે. બીજા ગામ જ્યાં આ પ્રથા પાળવામાં આવે છે તે છે પુદુપટ્ટી, ગોવિંદનલ્લુર, સપતુર અળગપુરી અને ચિન્નાઈહપુરમ.
આમ છૂટા રહેવામાં લાંછન લાગે છે. જો ગામમાં કોઈ જુવાન, કુંવારિકા નિશ્ચિત સમયે ગેસ્ટહાઉસ ના જાય તો બધાય વાતો કરવા લાગે. 14 વર્ષની 9માં ધોરણમાં ભણતી ભાનુ (નામ બદલેલ) કહે છે તેમ, "એમને કંઈ સમજણ નથી માસિકની બાબતમાં, પણ જો દર 30 દિવસમાં હું મુત્તુથુરાઈ ના જાઉં તો એ લોકો કહે છે કે મને નિશાળમાં ના મોકલવી જોઈએ."
પોન્ડિચેરીના નારીવાદી લેખક સાલઈ સેલ્વમ માસિકસ્રાવને લઈને પ્રવર્તતા રિવાજો અંગે નિર્ભયતાથી ટીકા કરતા કહે છે, "મને આમાં નવાઈ નથી લાગતી. દુનિયા હંમેશા સ્ત્રીઓને નીચી દેખાડવાનો પ્રયત્ન કરે છે; અને એમની સાથે એ જાણે નીચલા સ્તરની નાગરિક હોય એમ વર્તે છે. આ રિવાજો સંસ્કૃતિના નામે સ્ત્રીના મૂળભૂત અધિકારોથી વંચિત લેવાની વાત છે. નારીવાદી લેખિકા ગ્લોરિયા સ્ટેઈનમ એમના નિબંધમાં (ઇફ મેન કુડ મેન્સ્ટ્રુએટ) પૂછે છે તેમ, જો પુરુષો માસિકમાં થતા હોત તો આખી વાત જ જુદી હોત કે નહીં?"
સેલ્વમનો આ મુદ્દો કે અસમાનતાને છાવરવા સંસ્કૃતિના ઢાંકપિછોડા થાય છે એ મોટા ભાગની બહેનો જેમને હું કુવલપુરમ અને સપતુર અળગપુરીમાં મળી એમણે પણ દોહરાવ્યો. રાણી અને લાવણ્ય બંનેને તેમનું ભણવાનું 12મા ધોરણથી છોડાવી ને પરણાવી દીધેલા। રાણી કહે છે, "મને પ્રસૂતિમાં તકલીફ બહુ પડેલી અને સિઝેરિયન કરવવું પડેલું. સુવાવડ થઇ ત્યારથી મારુ માસિક બહુ અનિયમિત થઇ ગયું છે, પણ જો મુત્તુથુરાઈમાં આવવામાં મોડું થાય તો લોકો મને પૂછે કે, "ફરી પેટથી છું કે શું?" મારી મુશ્કેલીની એમને કંઈ સમજણ નથી."
રાણી, લાવણ્ય, કે કુવલપુરમની બીજી કોઈ સ્ત્રીઓ જણાતી નથી કે આ પ્રથા ચાલુ ક્યારથી થઇ. પણ લાવણ્ય કહે છે, "મારી મા, મારા દાદી, અને વડદાદી બધાને આમ જ અલગ રખાતા. એટલે અમે કંઈ જુદા નથી."
ચેન્નાઈમાં સ્થિત ડોક્ટર અને દ્રવિડિયન વિચારક ડૉક્ટર. એઝહિલાન નાગનાથન આ પ્રથા વિષે એક વિચિત્ર પણ થોડું બુદ્ધિગમ્ય કારણ આપતાં કહે છે, "આ તો આપણે જયારે શિકાર કરીને જીવતા ત્યારની ચાલી આવતી પ્રથા છે."
"તમિલ શબ્દ વીટક તુરમ (ઘરથી દૂર - માસિકમાં હોય એવી સ્ત્રીઓને અલગ રાખવા માટે વપરાતી સૌમ્યોક્તિ) માટે વપરાતો મૂળ શબ્દ છે કાટક તુરમ (જંગલથી દૂર). (માસિકસ્રાવ, પ્રસૂતિ, કે પ્રજનન અવસ્થામાં) લોહીની ગંધથી ઉશ્કેરાયેલ જંગલી પ્રાણીઓ તેમની પર હુમલો કરશે એવા ભયથી સ્ત્રીઓને કોઈ સલામત સ્થળે ખસેડાતી. આ જ પ્રથા પછીથી સ્ત્રીઓના શોષણ માટે જવાબદાર બની.
કુવલપુરમની લોકકથા થોડી ઓછી બુદ્ધિગમ્ય છે. ત્યાંના લોકો કહે છે, આ એક સિદ્ધાર (પવિત્ર પુરુષ)ને આદર સાથે આપેલું વચન છે જે આ ગામે અને બીજા આસપાસના ચાર ગામોએ પાળવું રહયું. 60 વર્ષના એમ મુથુ જે સિદ્ધાર -- તંગમડી સામી ને સમર્પિત કુવલપુરમ મંદિરના મુખ્ય અધિકારી છે તેઓ કહે છે, "આ સિદ્ધાર અમારી વચ્ચે રહેલા મહાન અને શક્તિશાળી પુરુષ હતા. અમે માનીએ છીએ કે આમારું ગામ, પદુપાટી, ગોવિંદનલ્લુર, સપતુર અળગપુરી અને ચૈન્નાઈહપુરમ બધા એમની પત્નીઓ હતાં. આ વચનને તોડવાનો કોઈ પણ પ્રયાસ આ બધા ગામો નો વિનાશ નોતરશે."
પણ 70 વર્ષના સી રસુ જેમણે પોતાની લગભગ આખી જિંદગી કુવલપુરમમાં વિતાવી છે તે આમાં કોઈ ભેદભાવ જોતા જ નથી, "આ પ્રથમ ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ છે. સ્ત્રીઓને માથા પર પાક્કા છાપરાથી લઈને પંખા ને સારી જગ્યા જેવી બધીજ સુવિધાઓ આપવામાં આવે છે."
આવી સુવિધાઓ એમની 90 વર્ષની બહેન મુથુરોલીને એમના જમાનામાં "માણવા" નહોતી મળતી."અમને માથા પર બસ એક ઘાસનું છાપરું હોય. ના કોઈ વીજળી નહીં કંઈ. આજની છોકરીઓની સ્થિતિ તો કેટલી સારી છે અને તોય ફરિયાદ કરે છે. પણ આપણે તો નિયમ પાળવા રહ્યા," તેઓ કહે છે ને ભાર દઈને ઉમેરે છે, " નહીં તો આપણે બધા થવાના ધૂળધાણી."
ગામની મોટાભાગની સ્ત્રીઓએ આ માન્યતાને આત્મસાત કરી લીધી છે. એક સ્ત્રી જેણે એક વાર પોતાના માસિકસ્ત્રાવની વાત છૂપાવવાની કોશિશ કરેલી તેને વારે વારે સપનામાં સાપ આવતા, એનો અર્થ એમના કહેવા પ્રમાણે એવો થાય છે કે ભગવાન એમની પર ગુસ્સે થયા છે કારણ એમણે પરંપરા તોડી છે અને મુત્તુથુરાઈ ગયા નથી.
આ બધા સંવાદોમાં જો કંઈ ના કહેવાયેલું રહેતું હોય તો એ કે આ ગેસ્ટહાઉસની "સુવિધાઓ"માં શૌચાલયનો સમાવેશ થતો નથી. "અમે ખેતરોમાં ક્યાંક દૂર કરી આવીએ છીએ અને નેપકીન બદલવા પણ દૂર ખુલ્લામાં જઈએ છીએ," એમ ભાનુ કહે છે. ગામમાં નિશાળમાં જતી છોકરીઓએ હવે સેનીટરી નેપકીન વાપરવા શરુ કર્યા છે (જે વાપર્યા પછી એ લોકો બાળી નાખે છે કે દાટી દે છે, કાં પછી ગામની હદ બહાર ફેંકી આવે છે); જયારે ઉંમરલાયક સ્ત્રીઓ હજુ કપડું વાપરે છે જે એ લોકો ધોઈને ફરી વપરાશમાં લઇ શકે.
મુત્તુથુરાઈમાં રહેવાવાળા માટે બહાર ખુલ્લામાં એક પાણીની ચકલી છે -- ગામનું કોઈ એને હાથ નહીં લગાવે. "અમારા કપડાં અને ધાબળા જે અમે સાથે લાવ્યા હોઈએ તે ધોયા વિના અમે ગામમાં પગ ના મૂકી શકીએ, " એમ રાણી સમજાવે છે.
પાસેના 600 માણસોના સેડપ્પત્તિ બ્લોકના સપતુર અળગપુરી ગામમાં સ્ત્રીઓ માને છે કે જો એ લોકો આ પ્રથા પાળવાનું બંધ કરી દે તો એમને માસિક આવવાનું પણ બંધ થઇ જશે. 32 વર્ષની ચેન્નાઈથી આવેલી કાર્પગામ (નામ બદલેલું છે) આ અલાયદા ઓરડાઓની પ્રથાથી નવાઈમાં છે. "પણ હું સમજી ગઈ કે આ બધા સામાજિક રીતિરીવાજો છે અને મારાથી એનું ઉલ્લંઘન થઇ શકશે નહિ. હું ને મારા પતિ બંને હવે તિરૂપપુરમાં કામ કરીએ છીએ અને માત્ર રજાઓમાં અહીંયા આવીએ છીએ." તેઓ અમને એમના ઘરમાં દાદરા નીચેની નાની જગ્યા તરફ ઈશારો કરી બતાવતાં કહે છે કે આ એમની માસિક દરમ્યાન રહેવાની "જગ્યા" છે.
સપતુર અળગપુરીમાં એક અલાયદી જગ્યાએ આવેલું મુત્તુથુરાઈ ઘણું નાનું, તૂટેલુંફુટેલુ હોવાથી માસિકમાં હોય એવી સ્ત્રીઓ ઘણું ખરું એમના ઘરની બહાર રસ્તા પર ધામા નાખવાનું પસંદ કરે છે. "સિવાય કે વરસાદ પડતો હોય," 41 વર્ષની લતા (નામ બદલવામાં આવેલ છે) કહે છે કે એવા સંજોગોમાં એ લોકો મુત્તુથુરાઈની અંદર રહે છે.
આને વ્યંગ કહો તો વ્યંગ પણ કુવલપુરમ અને સપતુર અળગપુરી એ બંને ગામોમાં દરેક ઘરમાં શૌચાલય છે, જે રાજ્ય સરકારની પરિયોજના હેઠળ સાત વર્ષ પહેલા બનાવાયેલા. યુવાન લોકો એ વાપરે છે પણ મોટા વડીલો અને સ્ત્રીતો તો ખુલ્લામાં જ જવાનું પસંદ કરે છે. પરંતુ બે માંથી એકેય ગામના મુત્તુથુરાઈમાં શૌચાલયની સગવડ નથી.
કૉલેજમાં માઈક્રોબાયોલોજી ભણતી 20 વર્ષની શાલિની (સાચું નામ નથી) કહે છે, "અમે અમારા માસિકના દિવસોમાં મુત્તુથુરાઈ જવા માટે પણ મુખ્ય રસ્તો ના લઇ શકીએ. આમારે આખું ગોળ ફરી ને એક ઉજ્જડ રસ્તે થઇ ને ત્યાં પહોંચવું પડે." શાલિની એ ક્યાંક આ છૂપી વાત પોતે કહી વળશે એવા ભય થી એના માસિક બાબતે કોઈ વાતો એના સહાધ્યાયીઓ સાથે કૉલેજમાં નથી કરતી. "આમાં કઈ ગૌરવ લેવા જેવી વાત પણ નથી ને," તે કહે છે.
સપતુર અળગપુરીમાં જૈવિક ખેતી કરતા ટી સેલ્વાક્ની ગામના લોકો સાથે આ નિષેદ્ધ વિષે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. "એક બાજુ આપણે સ્માર્ટફોન અને લેપટોપ વાપરતા હોઈએ ને બીજી બાજુ 2020માં ય આપણે આપણી સ્ત્રીઓને આ રીતે અલાયદા ઓરડામાં રાખીએ (માસિક વખતે)?" તેઓ પૂછે છે. બુદ્ધિપૂર્વકની કોઈ દલીલો અહીંયા કામ કરતી નથી. "અરે, જિલ્લા કલેકટર સુધ્ધાંએ અહીંયા નિયમો પાળવા પડે છે," લતા કહે છે. "અહીંયા દવાખાનામાં ને મોટી હોસ્પિટલોમાં કામ કરતી નર્સો (અને બીજી બધી ભણેલી અને નોકરિયાત સ્ત્રીઓ પણ) માસિકમાં હોય ત્યારે ગામ બહાર જ રહે," એમ તે કહે છે. અને પછી સેલ્વાક્ની ને ઉદ્ધેશી ને ઉમેરે છે, "તમારી વહુએ પણ રહેવું જોઈએ, આ શ્રદ્ધાનો વિષય છે."
સ્ત્રીઓએ પાંચ દિવસ ગેસ્ટહાઉસમાં રહેવું પડે. પણ જો કોઈ છોકરી તરુણાવસ્થામાં પ્રવેશ કરતી હોય તો એને આખો એક મહિનો રહેવું પડે. એવી જ રીતે પ્રસૂતિ પછી સ્ત્રીઓએ નવજાત બાળક સાથે એક મહિનો રહેવું પડે
સાલઈ સેલ્વમ કહે છે કે, "આવા બીજા "ગેસ્ટહાઉસ" તમને મદુરાઈ અને થેની જિલ્લાઓમાં મળશે. એ જુદા મંદિરો સાથે જોડાયેલા હોય, જુદા કારણો સર નિષેદ્ધ પાળે છે. અમે તો બહુ પ્રયત્નો કર્યા છે લોકો સાથે વાત કરવાના પણ આ ધર્મની બાબત છે કરીને કોઈ સાંભળવા તૈયાર નથી. આ બદલાવ રાજકીય મનોબળથી જ શક્ય છે. પણ એ લોકો જે સત્તામાં છે એ લોકો મત માંગવાનો સમય આવે એટલે ગેસ્ટહાઉસને વધુ આધુનિક બનાવવાના ને વધારે સવલતો આપવાના વચન આપે છે."
સેલ્વમ માને છે કે સત્તામાં જે લોકો છે એ લોકો જ આગળ આવીને આ ગેસ્ટહાઉસને હટાવી શકે. "પરંતુ એ લોકો કહે છે કે એ બહુ મુશ્કેલ છે કારણ આ ધર્મનો વિષય છે. પણ ક્યાં સુધી આપણે આવી આભડછેટને રહેવા દઈ શકીએ? વાત સાચી છે, લોકોનો વિરોધ થાય જો સરકાર કોઈ સખત પગલું ભરે તો-- પણ મારુ માનો છેવટે આનો અંત આવશે અને લોકો બધું ભૂલી જશે ધીમે ધીમે."
માસિકસ્ત્રાવને લગતાં નિષેદ્ધ અને માસિકને લઈને ઉભું કરાતું શરમજનક વાતાવરણ એ તામિલનાડુ માટે નવી વાત નથી. પટ્ટુક્કોટ્ટાઈ બ્લોકના અનૈકકડુ ગામની 14 વર્ષની એસ વિદ્યાએ નવેમ્બર 2018માં જયારે તાંજોર જિલ્લામાં ગાજાનો ચક્રવાત ત્રાટક્યો ત્યારે આ નિષેદ્ધને કારણે જીવ ગુમાવ્યો. પહેલવહેલી વાર માસિકમાં થયેલી આ છોકરીને ઘરની પાસે એક અલાયદા કાચા ઝૂંપડામાં એકલી રાખવામાં આવેલી. (બાકીનું કુટુંબ જે મુખ્ય મકાનમાં હતું તે બચી ગયું હતું.)
"આવો નિષેદ્ધ આખા તામિલનાડુમાં જુદી જુદી તીવ્રતામાં જોવા મળશે," એમ દસ્તાવેજી ફિલ્મોના નિર્માતા ગીતા ઈલાનગોવન કહે છે, જેમણે 2012 માં બનાવેલ એક દસ્તાવેજી ફિલ્મ માધવીદાઈ (માસિક)માં આ પ્રકારના માસિકસ્ત્રાવના સમય દરમ્યાન પળાતા નિષેદ્ધ વિષે વાત નિરૂપી છે. આભડછેટ શહેરોમાં થોડી ઓછી અને થોડી ઢંકાયેલી રીતે પળાતી હોય, પણ હોય જરૂર. "મેં મોટા મોટા અધિકારીઓની પત્નીને કહેતા સાંભળી છે કે એ એમની છોકરી માસિકમાં હોય તો એને રસોડામાં પગ ના મૂકવા દે કારણ એ ત્રણ દિવસ એ એના માટે "આરામ" નો સમય છે. તમે એને જુદા જુદા શબ્દોમાં ઢાંકો પણ છેવટે તો એ આભડછેટ છે."
ઇલાનગોવન તો એમ પણ કહે છે કે માસિક સાથે ઉભું કરાતું શરમ જનક વાતાવરણ એ જૂદા જૂદા સ્વાંગમાં બધા ધર્મોમાં અને તમામ વર્ગના લોકોમાં જોવા મળે છે તેમનો સામાજિક ને આર્થિક દરજ્જો ભલે ગમે તે હોય. "મારી દસ્તાવેજી ફિલ્મ માટે મેં એક અમેરિકા વસવાટ કરવા ગયેલી સ્ત્રી સાથે વાત કરી. તો એણે મને કહ્યું કે એ એની પોતાની ઇચ્છાનો વિષય છે. ઉચ્ચવર્ગના, ઉચ્ચકોમના લોકોની સ્ત્રીઓ માટે જે અંગત ઇચ્છાનો વિષય છે તે કચડાયેલી સ્ત્રીઓ માટે, જેમની પાસે પિતૃપ્રધાન સમાજ માં આમેય કોઈ સત્તા નથી, સામાજિક દબાણ બની જાય છે."
"આપણે યાદ રાખવાની જરૂર છે કે આ જાતની પવિત્રતાની માન્યાતાઓ એ ઊંચી નાતના લોકો પાસેથી આવી છે," એમ ઇલનગોવન કહે છે. પણ એની અસર આખા સમાજ પર થાય છે -- કુવલપુરની મોટાભાગની વસ્તી દલિતોની છે. આ ચલચિત્રના નિર્માતા કહે છે કે, "દસ્તાવેજી ચિત્રના ખરા ઉપભોક્તા એ પુરુષો છે. અમે ઇચ્છીએ છીએ કે એ લોકો આ પ્રશ્નને સમજે. નીતિઓ બનાવનારા હંમેશા પુરુષોજ હોય છે. આપણે વાતચીતનો દોર ચાલુ કરવો રહ્યો. જો ઘેર ઘેર આ વિશેની વાત ચાલુ થવી જોઈએ કારણ એ સિવાય પછી મને કંઈ બદલાવ આવે એમ લાગતું નથી."
વધુમાં, ચેન્નાઈના સ્ત્રીરોગના નિષ્ણાત ડોક્ટર શારદા સકથીરાજન કહે છે, "સ્ત્રીઓને આ રીતે વ્યવસ્થિત પાણીની સુવિધા વગર અલાયદી રાખવી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણું જોખમી છે. ભીના પૅડ લાંબા સમય પહેરેલા રાખવા અને ચોખ્ખા પાણીની તંગીને કારણે મૂત્રમાર્ગ કે પ્રજનન માર્ગમાં ચેપ લાગી શકે છે. આ બધા ચેપ લાગવાથી ભવિષ્યમાં સ્ત્રીઓની પ્રજનન શક્તિ પર અસર થઇ શકે છે અને લાંબા ગાળાની શારીરિક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે, જેવી કે પેઢાંનો આકારો દુખાવો.
2018ના ઇન્ટરનેશનલ જર્નલ ઑફ કોમ્યુનિટી મેડીસિન એન્ડ પબ્લિક હેલ્થ ના એક
અહેવાલ
મુજબ સર્વાઈકલ કેન્સર એ સ્ત્રીઓને અસર કરતી બીમારીઓમાં બીજા નમ્બરે આવે છે, ખાસ કરીને તામિલનાડુના ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં.
અહીંયા કુવલપુરમમાં, ભાનુના મનમાં વાત સાવ સ્પષ્ટ છે, "જો તમે થાય એટલો પ્રયત્ન કરો પણ આ પ્રથા તો તમે બદલી નથી શકવાના," એ મને ખૂબ ઠાવકાઇ થી કહે છે, "પણ જો તમે અમારા માટે કંઈ કરી શકતા હો તો અમને મુત્તુથુરાઈમાં શૌચાલય બનાવી આપો. એનાથી અમારી જિંદગી સરળ થઇ જશે."
આવરણ ચિત્રાંકન:
પ્રિયંકા બોરાર
નવા માધ્યમો સાથે કામ કરતાં કલાકાર છે જે ટેક્નોલોજી સાથે પ્રયોગાત્મક રીતે કામ કરી નવા અર્થો અને અનૂભૂતિઓનું સર્જન કરે છે. તેઓ જ્ઞાન અને ક્રીડાના અનુભવોની રચના કરે છે, ઇન્ટરેક્ટિવ માધ્યમો સાથે પ્રયોગો કરે છે, અને સાથે સાથે કાગળ અને પેન જેવા પરંપરાગત માધ્યમોમાં પણ સહજતાથી કામ કામ કરે છે.
ગ્રામીણ ભારતની કિશોરવયની છોકરીઓ અને યુવતીઓના વિષયનો PARI અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો રાષ્ટ્રવ્યાપી પત્રકારિત્વનો પ્રોજેક્ટ એ પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સહાયથી શરુ કરાયેલો છે જેના અંતર્ગત આ ખૂબ મહત્વના તેમજ વંચિત સમુદાયોની સ્થિતિને તેમના અવાજમાં અને તેમના રોજબરોજના અનુભવોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ લેખ પુનઃપ્રકાશિત કરવા ઈચ્છો છો? તો લખો: [email protected] અને સાથે સંપર્ક કરો (cc): [email protected]
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા