રાનોને પ્રસુતિની પીડા શરૂ થતાં જ ૨૩ વર્ષના રાનો સિંહ, તેમના પતિ અને તેમના સાસુ ટેકરી પરના તેમના નાનકડા ઘરમાંથી ઝડપથી બહાર નીકળ્યા. પરોઢનો સમય હતો, સવારના લગભગ ૫ વાગ્યાનો. તેમણે મુખ્ય રસ્તા સુધી પહોંચાડતો ૧.૫ કિલોમીટર લાંબો ચડતા ઢોળાવવાળો રસ્તો પાર કરવાનો હતો. ભાડે કરેલ વાહન તેમને તેમના ગામ સિવલીથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રાનીખેતની ખાનગી દવાખાને લઇ જવા મુખ્ય રસ્તા પર તેમની વાટ જોઈ રહ્યું હતું.
તેમણે ડોળીની વ્યવસ્થા કરવાની કોશિશ કરી હતી. અહીંના ઠાકુર સમુદાયની સગર્ભા સ્ત્રીઓને ડોળી (પાલખી)માં બેસાડીને પહાડી રસ્તાઓ પરથી લઇ જવામાં આવે છે, ચાર માણસો ચાર ખૂણેથી ડોળી ઊંચકે છે. આ ડોળી ગર્ભવતી સ્ત્રીઓને એ (મુખ્ય) રસ્તા સુધી લઇ જાય છે જ્યાં તેમને દવાખાને લઇ જવા માટે વાહન તેમની વાટ જોતું હોય છે. પણ એ દિવસે સવારે એકે ડોળી ન મળી અને તેમણે પગપાળા ચાલવાનું શરૂ કર્યું.
રાનો ફક્ત અડધા રસ્તા સુધી જ પહોંચી શક્યા. તેઓ કહે છે, “અમે માંડ અડધું અંતર કાપ્યું હશે ને મને લાગ્યું કે મારાથી હવે [પીડાના લીધે] વધારે આગળ નહીં ચલાય. ચાલવાનું બંધ કરીને જેવી હું રસ્તા પર બેસી ગઈ કે તરત જ મારા પતિ સમજી ગયા અને નજીકના એક પરિવાર પાસે દોડી ગયા. એ પરિવાર અમારો જાણીતો હતો, કાકી ૧૦ મિનિટમાં જ પાણી અને એક ચાદર લઈને આવી ગયા. મેં મારા સાસુ અને કાકીની મદદથી ત્યાં જ બાળકને જન્મ આપ્યો.” (રાનોના પતિ ૩૪ વર્ષના છે અને તેઓ રેશનની દુકાનમાં મદદનીશ તરીકે કામ કરીને મહિને ૮૦૦૦ રૂપિયા કમાય છે, ત્રણ વડીલો અને એક બાળકવાળા આ પરિવારમાં આ એક માત્ર આવક છે; રાનો તેમના પતિનું નામ જણાવવા ઇચ્છતા નહોતા.)
તેઓ વૃક્ષોથી ઘેરાયેલા સાંકડા પહાડી રસ્તામાં પોતાના પહેલા બાળકને જન્મ આપવાનો પીડાદાયક અનુભવ યાદ કરતા કહે છે, “અમે મુખ્ય રસ્તા સુધી પહોંચવા ચાલતા હતા ત્યારે મારો દીકરો [જગત] આ જ જંગલમાં જન્મ્યો હતો. મેં આવી પ્રસૂતિ સ્વપ્નેય વિચારી નહોતી. એનો વિચાર કરતા આજે પણ મારા રૂંવાડા ઊભા થઇ જાય છે. પણ પાડ માનો ઈશ્વરનો કે મારું બાળક સહીસલામત હતું. સૌથી વધારે મહત્ત્વની વાત એ જ છે.”
ફેબ્રુઆરી ૨૦૨૦ની એ સવારે જ્યારે જગતનો જન્મ થયો તેનાપછી થોડી વારમાં જ રાનો ચાલતા ઘેર પાછા ફર્યા હતા, તેમના ૫૮ વર્ષના સાસુ પ્રતિમા સિંહ નવજાત બાળકને ઊંચકીને (ઘેર) લઈ આવ્યા હતા.
પોતાની ગર્ભાવસ્થા દરમિયાન રાનો ફક્ત એક જ વાર, બીજા મહિના દરમિયાન દુખાવાનું કારણ જાણવા અલ્ટ્રાસાઉન્ડ કરાવવા રાનીખેતના ખાનગી દવાખાનામાં ડોક્ટર પાસે ગયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પહાડી વિસ્તારમાં તેમના બાળકના જન્મના ત્રણ દિવસ પછી સ્થાનિક આશા કાર્યકર (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર) તે મને ઘેર આવ્યા હતા. રાનો કહે છે, “આશા દીદી મારા બાળકનું વજન કરવા અને અન્ય જરૂરી પરીક્ષણો કરવા આવ્યા હતા, તેમણે મને કહ્યું કે બાળક તંદુરસ્ત છે. એક અઠવાડિયા સુધી મારું બ્લડ પ્રેશર ઉપર-નીચે થતું રહ્યું. પણ હવે મને સારું છે. પહાડોમાં અમે આવા પડકારોનો સામનો કરવા ટેવાયેલા છીએ.”
રાનોના ગામ, સિવલીના લોકોનું કહેવું છે કે ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના તારીખેત બ્લોકમાં આવેલા તેમના ૬૮ ઘર અને ૩૧૮ લોકોની વસ્તીવાળા આ કસ્બામાં પહેલા એકે બાળકનો જન્મ આ રીતે રસ્તામાં નથી થયો. ચડતા ઢોળાવવાળા આ વિસ્તારમાં ઘણાખરા બાળકોનો જન્મ ઘેર જ થાય છે, રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વેક્ષણ ( એનએફએચએસ-૪ , ૨૦૧૫-૧૬)ના અહેવાલ મુજબ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં ઘેર થતી પ્રસૂતિઓનો દર ઓછામાં ઓછો ૩૧ ટકા છે. જો કે આ અહેવાલ મુજબ આરોગ્ય સુવિધાઓમાં (મુખ્યત્વે રાજ્ય દ્વારા સંચાલિત/સરકારી સંસ્થાઓમાં) થતી પ્રસૂતિઓની સંખ્યા વધીને બમણી થઇ ગઈ છે - એનએફએચએસ-૩ (૨૦૦૫-૦૬) માં આ સંખ્યા ૩૩ ટકા હતી જે વધીને ૬૯ ટકા (અથવા ઉત્તરાખંડમાં થતી કુલ પ્રસૂતિના બે તૃતીયાંશથી વધારે) થઇ ગઈ છે.
જો કે રાનીખેતના એક સ્ત્રી રોગ વિશેષજ્ઞના મત મુજબ કુમાઉના પહાડી વિસ્તારમાં સ્ત્રીઓ અને તેમના પરિવાર માટે દવાખાને જવું એ હજી પણ એક મોટો પડકાર છે. ગાડી ચલાવવા લાયક રસ્તો સામાન્ય રીતે ઘરથી દૂર હોય છે, પરિવહન દુર્લભ હોય છે અને વાહન ભાડે કરવું પણ મોંઘું પડે છે.
ગયા વર્ષે મહામારીના પગલે લોકડાઉન લાગતા તારીખેત બ્લોકના ગામોમાં સગર્ભા સ્ત્રીઓની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. રાનોના ગામથી લગભગ ૨૨ કિલોમીટર દૂર પાલી નાદોલી ગામમાં ઓગસ્ટ ૨૦૨૦માં મનીષા સિંહ રાવતે તેમની દીકરીને ઘેર જન્મ આપ્યો હતો. તેમના પરિવારના પરિચિત એક દાઈ અથવા પરંપરાગત પ્રસૂતિ સહાયકની મદદથી પ્રસૂતિ કરાવવામાં આવી હતી. તેમના ઘરમાં બાજુના રૂમ તરફ ઈશારો કરીને મનીષા કહે છે, “હું દવાખાને નહોતી ગઈ. મારી દીકરીનો જન્મ ૧૪ મી ઓગસ્ટ [૨૦૨૦] ના રોજ અહીં જ થયો હતો.” એ રૂમમાં ખાટલાનો એક પાયો ઇંટોના ઢગલાનએ આધારે ઊભો હતો. મનીષા અને તેમના ૩૧ વર્ષના પતિ ધીરજ સિંહ રાવતના લગ્નની તસવીર દીવાલ પર લટકતી હતી.
સપ્ટેમ્બરની સવારના લગભગ ૮:૩૦ વાગ્યા છે. થોડી વાર પહેલાં જ મનીષા તેમના જમણા હાથમાં ચારાનો એક પૂળો અને માથા પર બીજો પૂળો લઈને હમણાં જ ઘેર પાછા આવ્યા છે. પૂળા બાજુએ મૂકીને તેઓ પોતાના માથા પરની પરંપરાગત કુમાઉની લાકડાની વાદળી રંગે રંગેલી બારીમાંથી તેમની એક મહિનાની દીકરી રાણીને બોલાવે છે, “ચેલી! દેખો કૌન આયા! [ મારી નાનકડી દીકરી! જો કોણ પાછું આવ્યું!].”
રાણીનો જન્મ થયાને માંડ બે અઠવાડિયા થયા હશે ને મનીષાએ ફરીથી પહાડના કપરા ચઢાણ શરૂ કરી દીધા છે. તારીખેત બ્લોકનું 873 લોકોની વસ્તી ધરાવતું પાલી નાડોલી ગામ પાર કરીને લગભગ 30 મિનિટ ચાલીને તેઓ ઓછામાં ઓછા 1.5 કિલોમીટર દૂર આવેલા ઝાડીવાળા વિસ્તારમાં જાય છે, જ્યાંથી તેઓ પરિવારની ત્રણ બકરીઓ માટે ઘાસચારો ભેગો કરે છે. આ વિસ્તારમાં સ્ત્રીઓ મોટેભાગે પાણી, બળતણ માટે લાકડા, અને ચારાની શોધમાં દરરોજ કેટલાય કિલોમીટર ચાલે છે - જેમાંના મોટા ભાગના રસ્તાઓ ચડતા ઢોળાવવાળા હોય છે. જો કે માટી અને સિમેન્ટથી બનેલા તેમના બે રૂમવાળા ઘરની બહાર હેન્ડપંપ હોવાથી મનીષાનો સમય અને મહેનત બંને બચી જાય છે.
તેમની દીકરી બાબાગાડીમાં ઊંઘે છે. લાકડાની વાદળી બારીઓ વચ્ચેથી આવતા પ્રકાશથી બાબાગાડીના સ્ટીલના હેન્ડલ સોનેરી થઈને ચમકે છે. મનીષા મને કહે છે કે, “આશા કાર્યકરે કહ્યું કે બાળકને સવારનો તડકો મળવો જોઈએ જેથી તેને વિટામિન મળી રહે. કયા વિટામિન એ તો મને ખબર નથી. ત્રણ દિવસ પહેલા આશા કાર્યકર તેને તપાસવા આવ્યા ત્યારે તેનું વજન જેટલું હોવું જોઈએ એના કરતા ઓછું હતું. તેઓ એકાદ અઠવાડિયા પછી ફરીથી આવવાના છે.” ૪૧ વર્ષના આશા કાર્યકર મમતા રાવતનું કહે છે કે આ બાળક મહિનાનું થયું ત્યારે તેનું વજન ખરેખર ૪.૨ કિલોની આસપાસ હોવું જોઈએ તેને બદલે ૩ કિલો જ હતું.
મનીષાએ દવાખાનામાં પ્રસૂતિ કેમ ન કરાવી? એના જવાબમાં તેઓ કહે છે, “હું દવાખાનામાં પ્રસૂતિ કરાવવા માગતી હતી. ત્યાં થોડીઘણી સુવિધાઓ હોત. પણ મારા પરિવારે જે નક્કી કર્યું તે ખરું.”
મનીષાના સસરા પાન સિંહ રાવતે તેમને (મનીષાને) દવાખાને લઇ જવાને બદલે, દાઈને ઘરે બોલાવવાનો નિર્ણય લીધો. મનીષા કહે છે, “તેમણે કહ્યું કે જ્યારે મારા દીકરાનો જન્મ થયો ત્યારે મારી પહેલી પ્રસૂતિ પાછળ ઘણા પૈસા [૧૫૦૦૦ રૂપિયા] ખર્ચાઈ ગયા હતા.” તેમના (મનીષાના) બે વર્ષના દીકરા રોહનનો જન્મ પાલી નાદોલી ગામથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રાનીખેતના ખાનગી દવાખાનામાં થયો હતો (અને એ માટે તેમને ગાડી ચલાવવા લાયક રસ્તા સુધી ડોળીમાં લઇ જવામાં આવ્યા હતા). મનીષા કહે છે, “અને કોરોના સંક્રમણ [ઓગસ્ટ ૨૦૨૦માં બાળકીનો જન્મ થયો ત્યારે કોરોના સંક્રમણ ચરમસીમાએ હતું] નો ડર પણ દવાખાને જવાની તીમ-ઝામ [ઝંઝટ] ટાળવાનું એક કારણ હતું.”
મનીષા નવ સભ્યોના સંયુક્ત પરિવારમાં રહે છે, જેમાં તેમના બે બાળકો, તેમના પતિ, સાસુ-સસરા, દિયર, દેરાણી, અને તેમના બાળકોનો સમાવેશ થાય છે. તેમના લગ્ન ૧૮ વર્ષની ઉંમરે ૯મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરીને તરત કરી દેવામાં આવ્યા હતા. તેમના પતિ ધીરજ સિંહ રાવતે ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, અને સ્થાનિક ટ્રાવેલ એજન્સીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. મનીષા કહે છે, "તેઓ (તેમના પતિ) પર્યટકોને અલમોડાથી નૈનિતાલ, ભીમતાલ, રાનીખેત અને બીજા નજીકના પ્રવાસન સ્થળોએ લઇ જાય છે. સામાન્ય રીતે તેઓ મહિને લગભગ ૨૦૦૦૦ રૂપિયા કમાય છે." લોકડાઉન દરમિયાન જ્યારે કંઈ કામ નહોતું ત્યારે આ પરિવારે મનીષાના સસરા પાન સિંહ રાવતની બચતના પૈસાથી ગુજારો કર્યો હતો.
થોડાક વર્ષો પહેલા રાનીખેતમાં શ્રમિક તરીકેની [બ્લુ-કોલર] સરકારી નોકરીમાંથી સેવાનિવૃત થનાર ૬૭ વર્ષના પાન સિંહ કહે છે, “આ મહામારી દરમિયાન અમે અમારા ગામથી [80 કિલોમીટર દૂર જિલ્લાના મુખ્યમથક] અલમોડા સુધીની મુસાફરી કરીને અમારો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા. આથી અમે ઘેર જ પ્રસૂતિ કરાવી. એ ઉપરાંત દવાખાને જવા માટે અમારે નજીકના બજારમાંથી વાહન ભાડે લેવું પડ્યું હોત, અહીંથી બે કિલોમીટર દૂર એ વાહન સુધી પહોંચવું પડ્યું હોત અને પછી ત્યાંથી ૮૦ કિલોમીટરની મુસાફરી કરવી પડી હોત.”
ઘેર પ્રસૂતિ કરાવતી વખતે તેઓ માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હતા? એના જવાબમાં તેઓ કહે છે, “તેમની માતા [પાન સિંહના પત્ની] અને હું હવે ઘરડા થઇ ગયા છીએ. એ વખતે કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું હતું, અને દવાખાને જવાથી અમને જોખમ હતું. અને આ દાઈ જે અમારે ઘેર આવ્યા હતા તેમને અમે ઓળખીએ છીએ. આથી [કોવિડ સંક્રમણનું] જોખમ ઓછું હતું. તેમણે અહીં આસપાસમાં, અમારા ગામમાં અને બીજા ગામોમાં ઘણી પ્રસૂતિઓ કરાવી છે.”
એનએફએચએસ-૪ (૨૦૧૫-૧૬) મુજબ સર્વેક્ષણ પહેલાના પાંચ વર્ષોમાં ઉત્તરાખંડમાં ૭૧ ટકા પ્રસૂતિ પ્રશિક્ષિત આરોગ્યકર્મીઓ - જેમાં ડોક્ટર, નર્સ, સહાયક નર્સ, અને ‘મહિલા આરોગ્ય કાર્યકર [લેડી હેલ્થ વિઝીટર]’નો સમાવેશ થાય છે - ની મદદથી પ્રસૂતિ થઈ હતી, અને ઘેર થયેલ પ્રસૂતિમાંથી માત્ર ૪.૬ ટકા પ્રસૂતિ પ્રશિક્ષિત આરોગ્યકર્મીઓની મદદથી થઈ હતી. ઘેર થયેલ મોટાભાગની પ્રસૂતિ - ૨૩ ટકા - ગામની પરંપરાગત પ્રસૂતિ સહાયક (દાઈ) ની મદદથી થઈ હતી.
તારીખેત બ્લોકના પાલી નાદોલી, દોબા અને સિંગોલી (ત્રણે ગામોની કુલ વસ્તી ૧૨૭૩ છે) ગામો વચ્ચેના એકમાત્ર આશા કાર્યકર મમતા રાવત પ્રસૂતિ પહેલા અને પછીની સંભાળ અંગે માર્ગદર્શન અને સલાહ આપવા ફોન દ્વારા મનીષાના પરિવારના સંપર્કમાં રહ્યા હતા. પાલી નાદોલીની સૌથી નજીકના તારીખેત પીએચસી [જાહેર સ્વાસ્થ્ય કેન્દ્ર] નો ઉલ્લેખ કરતા મમતા મને કહે છે, “હું મનીષાની ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન તેમને દવાખાને લઇ ગઈ હતી.” મમતા મનીષાને પોતાની સ્કુટી પર આ પીએચસીમાં લઇ ગયા હતા.
મમતા કહે છે, “ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તેમની પ્રસૂતિના માંડ ૧૦ દિવસ પહેલા મેં તેમની સાથે વાત કરી હતી અને યોગ્ય કાળજી અને સાવચેતી સાથે દવાખાને [આ પીએચસીમાં પ્રસૂતિ વોર્ડ પણ છે] જવાનું કહ્યું હતું . જ્યારે તારીખ વીતી ગઈ અને મને તેમના કે તેમના પરિવાર તરફથી કંઈ સમાચાર ન મળ્યા ત્યારે મેં ફોન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે મનીષાએ ઘેર જ બાળકને જન્મ આપ્યો હતો, અને દવાખાનામાં પ્રસૂતિ કરાવવાના મારા સૂચનનો કોઈ અર્થ સર્યો નહોતો. ” તેમને એ વાતનું દુઃખ છે કે તેમની સલાહ અવગણવામાં આવી હતી.
દરમિયાન સપ્ટેમ્બરની એ સવારે મનીષાના ઘરમાં સૂરજનો તડકો આવી રહ્યો છે. મનીષા તેમના હજી ઊંઘતા દીકરા રોહનને પથારીમાંથી ઊંચકીને બહાર લઈ તેને કહે છે, “ઊઠ! જો તારી બહેન તો ક્યારની ય ઊઠી ગઈ છે.”
અને પછી અમે પ્રસૂતિના વિષયથી અલગ મુદ્દાઓ વાત શરૂ કરી, અને તેઓ તેમના પતિ ધીરજના ક્રિકેટ પ્રત્યેના લગાવ વિશે ગર્વપૂર્વક વાતચીત કરે છે. તેઓ વાદળી દીવાલ પરની એક છેડેથી બીજા છેડા સુધી પુરસ્કારોથી ભરેલી અભરાઈ તરફ ઈશારો કરીને કહે છે, “અમારા લગ્નના શરૂઆતના દિવસોમાં તેઓ દરરોજ (ક્રિકેટની) પ્રેક્ટિસ કરતા હતા, પણ ધીમે-ધીમે બીજી જવાબદારીઓ વધવા લાગી. દીવાલ પર લાગેલા એ શિલ્ડ અને પુરસ્કારો તમે જોઈ રહ્યા છો ને? એ બધા તેમના જ છે.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ