લખનૌ કેન્ટોનમેન્ટ વિધાનસભા મતવિસ્તારમાં મહાનગર પબ્લિક ઇન્ટર કોલેજ તરફ ઉતાવળા પગલાં ભરતા રીટા બાજપાઈએ કહ્યું, "એક મિનિટ ભી લેટ નહીં હો સકતે વરના હમારી ક્લાસ લગ જાયેગી." [મોડું થાય તે બિલકુલ ન ચાલે, એક મિનિટ પણ મોડું થાય તો અમારું આવી બને.] તેમને એ મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી હતી - જોકે તે (મતદાન મથક) એ નથી જ્યાં તેઓ પોતાનો મત આપે છે.
તેમના ઘરથી કોલેજ લગભગ એક કિલોમીટર દૂર છે. ડિજિટલ થર્મોમીટર, સેનિટાઈઝરની બોટલો, નિકાલજોગ હાથમોજાં (ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ) ની કેટલીક જોડી અને મતદાન સ્થળ પર વિતરણ કરવા માટેના માસ્ક ધરાવતી મોટી થેલી લઈને સવારે 5:30 વાગ્યે તેઓ એ અંતર કાપી રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીઓના ચોથા તબક્કામાં નવ જિલ્લાઓમાં બીજા 58 મતવિસ્તારોની સાથે લખનૌમાં પણ મતદાન થઈ રહ્યું હોવાથી એ દિવસ તેમના માટે ખાસ કરીને વ્યસ્ત દિવસ હતો.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે - અને પરિણામો આવી ગયા છે. પરંતુ મહિલાઓના એક ખૂબ મોટા જૂથ માટે કેટલાક પરિણામો એવા છે જે હજી હવે આવી શકે છે - તેઓ જાણે છે કે એ પરિણામો ખૂબ જ દુઃખદાયક હોઈ શકે છે, કદાચ ઘાતક પણ. ભારતના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓના સંચાલન માટે એ મહિલાઓને જે જોખમો ઉઠાવવાની ફરજ પાડવામાં આવી હતી તેને કારણે ભોગવવા પડનારા પરિણામો.
આ 163407 આશા કાર્યકરો (આશા - Accredited Social Health Activist -ASHA - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો) ને મતદાન મથકો પર કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી – કોઈપણ ઔપચારિક લેખિત આદેશો વિના. અને વિડંબના તો જુઓ - તેમનું કામ હતું મતદાન કેન્દ્રો પર સ્વચ્છતા જાળવવાનું - તેમને પોતાને માટે સાવ નજીવી વ્યક્તિગત સુરક્ષા સાથે. અને તે પણ એ રાજ્યમાં જ્યાં એપ્રિલ-મે 2021માં લગભગ 2000 શાળા-શિક્ષકોના કોવિડ-19 સંબંધિત મૃત્યુ થયા હતા. એ વર્ષે એપ્રિલમાં મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે શિક્ષકોને તેમની ઇચ્છા વિરુદ્ધ પંચાયતની ચૂંટણીમાં મતદાન અધિકારીઓ તરીકે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.










