રેખાને લગભગ 10 દિવસ પહેલા એ વાત સમજાઈ ગઈ હતી કે લગ્ન કરવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નથી. તેણે એક 15 વર્ષીય કિશોરીથી બને તેટલો પ્રતિકાર કર્યો પરંતુ તેના માતાપિતાએ તેની વાતને ગંભીરતાથી લીધી ન હતી. તેની માતા ભાગ્યશ્રી કહે છે, "તે ખૂબ રડી અને કહ્યું કે તે વધુ ભણવા માંગે છે."
ભાગ્યશ્રી અને તેમના પતિ, અમર, બંને તેમના 30 ના દાયકાના અંતમાં, તેમના બાળકો સાથે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક ગરીબ ગામમાં રહે છે. દર વર્ષે નવેમ્બર મહીનાની આસપાસ, તેઓ શેરડી કાપવા માટે પશ્ચિમ મહારાષ્ટ્ર અથવા કર્ણાટકમાં સ્થળાંતર કરે છે. ખેતરોમાં છ મહિનાની કઠોર મજૂરી પછી, તેઓ બંને મળીને રૂ 80,000 માંડ કમાઈ શકે છે. તેમની પાસે જમીન ન હોવાને કારણે, શેરડી કાપવી એ આ માતંગ જાતિના દલિત પરિવાર માટે આવકનું એકમાત્ર સાધન છે.
જ્યારે પણ તેમના માતાપિતા સ્થળાંતર કરતા, ત્યારે રેખા અને તેના 12 અને 8 વર્ષના ભાઈભાંડુ તેમની દાદીની સંભાળમાં રહેતા (ગયા વર્ષે મે મહિનામાં તેમના દાદીનું અવસાન થયું). તેઓ ગામની બહાર સરકારી શાળામાં ભણ્યા. પરંતુ જ્યારે કોરોનાના કારણે માર્ચ 2020 માં શાળાઓ બંધ કરવાની ફરજ પાડી ત્યારે 9મી ધોરણમાં ભણતી રેખાને ઘરે જ રહેવું પડ્યું. 500 થી વધુ દિવસો પછી પણ, બીડની શાળાઓ આજે પણ બંધ છે.
ભાગ્યશ્રી કહે છે, "અમને સમજાયું કે શાળાઓ હમણાં ખુલવાની નથી. જ્યારે શાળા ખુલ્લી હતી, ત્યાં શિક્ષકો અને બાળકો હતા. ગામમાં ભીડભાડ રહેતી. શાળા બંધ હોવાને કારણે, અમે તેની સલામતીની ચિંતાને કારણે તેને એકલી મૂકી શકીયે નહીં. ”
તેથી ભાગ્યશ્રી અને અમરે ગયા વર્ષે જૂનમાં 22 વર્ષના આદિત્ય સાથે રેખાના લગ્ન કર્યા. તેમનો પરિવાર 30 કિલોમીટર દૂર ગામમાં રહે છે અને તેઓ પણ મૌસમી સ્થળાંતર કરનારાં કામદારો છે. નવેમ્બર 2020 માં, જ્યારે શેરડી કાપવાની સીઝન શરૂ થવાની હતી, ત્યારે રેખા અને આદિત્ય પશ્ચિમ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરીને ગયા અને પાછળ શાળાના રજિસ્ટરમાં રેખાનું માત્ર નામ રહી ગયું.
રેખા જેવડી કિશોરીઓ અને તેનાથી પણ નાની છોકરીઓને કોરોનાના કારણે લગ્નમાં ધકેલી દેવામાં આવી રહી છે. માર્ચ 2021 માં પ્રકાશિત થયેલ યુનિસેફનો રિપોર્ટ, શીર્ષક COVID-19: બાળલગ્ન સામે થયેલ પ્રગતિ માટે ખતરો, ચેતવણી આપે છે કે દાયકાના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે 10 મિલિયન (1 કરોડ) વધુ છોકરીઓને બાળવધૂ બનવાનું જોખમ રહેશે. શાળા બંધ, વધતી ગરીબી, માતા-પિતાના મૃત્યુ અને કોવિડ -19 ના પરિણામે અને અન્ય પરિબળોને કારણે "લાખો છોકરીઓ માટે પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિને વધુ કપરી બનાવી છે," એવું રિપોર્ટ નોંધે છે.
યુનિસેફના અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં, બાળકો તરીકે લગ્ન કરેલી યુવતીઓનું પ્રમાણ 15 ટકા ઘટી ગયું છે અને વિશ્વભરમાં આશરે 25 મિલિયન બાળલગ્નો ટાળવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ તાજેતરના વર્ષોમાં થયેલી આ પ્રગતિ માટે કોરોના મહામારી ખતરો બની ગઈ છે.








