તેઓ તાલબદ્ધ રીતે અને ચપળતાથી આગળ વધતા હતા - “રે રેલા રે રેલા રે રેલા રે - ઘૂંટણ સુધીની લાંબી સફેદ સાડી અને રંગબેરંગી ફૂમતાવાળી ઉઠાવદાર પાઘડીમાં સજ્જ, એકસાથે ત્રણ-ત્રણ પગલાં લેતી, એકમેકની કમરે હાથમાં હાથ વીંટાળી, ગોંડ સમુદાયોમાં લોકપ્રિય રેલા ગીતો ગાતી યુવતીઓનું આ જૂથ હતું.
થોડી વારમાં જ સફેદ કપડાં અને રંગબેરંગી પીંછાથી શણગારેલી સફેદ પાઘડીઓમાં સજ્જ યુવાનોનું એક જૂથ પણ તેમાં જોડાયું. તેઓ તેમના હાથમાં રાખેલું નાનું ઢોલ (માંદરી) વગાડતા હતા અને રેલા ગીતો ગાતા હતા ત્યારે તેમના પગમાં બાંધેલા ઘૂઘરા પગની જટિલ ગતિ સાથે સંપૂર્ણ લયમાં ઘમકતા. એકમેકના હાથમાં હાથ પરોવી યુવતીઓએ યુવકોના જૂથને ઘેરી લેતી એક શૃંખલા બનાવી. બધા ગીતો ગાતાં રહ્યાં અને નૃત્ય કરતાં રહ્યાં.
છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાના કેશકલ બ્લોકના બેદ્મામારી ગામથી ગોંડ આદિવાસી સમુદાયના 16 થી 30 વર્ષની ઉંમરના 43 પુરુષો અને સ્ત્રીઓનું જૂથ અહીં આવ્યું હતું.
રાજ્યની રાજધાની રાયપુરથી આશરે 100 કિલોમીટર દૂર (બસ્તર ક્ષેત્રમાં) રાયપુર-જગદલપુર રાજમાર્ગની નજીક આ સ્થળે પહોંચવા માટે તેઓએ એક વાનમાં 300 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો હતો. છત્તીસગઢના બલૌદાબાઝાર-ભાટાપારા જિલ્લામાં સોનાખાનના આદિવાસી રાજા વીર નારાયણ સિંહના બલિદાનની યાદમાં વર્ષ 2015 થી 10 મી થી 12 મી ડિસેમ્બર દરમિયાન યોજાતા ત્રણ દિવસીય વીર મેળા માટે મધ્ય ભારતના આદિવાસી સમુદાયોના અને ખાસ કરીને છત્તીસગઢના અન્ય નર્તકો પણ અહીં આવ્યા હતા. બ્રિટિશ શાસન સામે બળવો કરનાર રાજાને ડિસેમ્બર 1857 માં વસાહતી શાસકો દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને રાયપુર જિલ્લાના જયસ્તંભ ચોકમાં ફાંસી આપવામાં આવી હતી. સ્થાનિક દંતકથાઓ અનુસાર બ્રિટિશરોએ તેને ફાંસી આપ્યા બાદ તેનું શરીર ઉડાવી દીધું હતું.






