તિરાડો
આ બધું એક દિવસમાં નોહ્તું થયું
ઝીણી ઝીણી તડો ઢંકાયેલી રહેલી
એના માથાના પહેલવહેલા સફેદ વાળની જેમ
એની આંખ નીચે વિસ્તરતી કરચલીઓની જેમ.
ગામ અને પર્વત, જંગલ, નદીની વચમાં
ઘણા સમયથી આવી ગયેલ ફાટો પણ
દૂરથી જોતા કોઈના ધ્યાનમાં આવે એવી નોહતી
જયારે ધીમે ધીમે ને સતત વિસ્તરતી
થોડી મોટી તિરાડો બહાર આવી
ત્યારે પણ એને એમ કે એ સાચવી લેશે
અહીંયા એક નાનકડી પાળ બનાવીને
ત્યાં સ્હેજ સિમેન્ટનું ભીનું પ્લાસ્ટર લગાવીને,
બે એક છોકરા જણીને
ટકાવી રાખતા કોઈ ઘરની જેમ.
પણ પછી તો પેલી અરીસા જેવી દીવાલોમાંથી
વિશાલ તિરાડો તાકવા લાગી એની તરફ —
નરસિંહની નિષ્ઠુર, અપલક, દયાહીન આંખો.
એ જણાતી હતી દરેકનો આકાર, દિશા —
આડી, ઉભી, વાંકી ચૂંકી, ઉપર નીચે ચડતી,
દરેકનું ઉદ્દગમસ્થાન —
ઈંટોની વચ્ચેના સિમેન્ટમાં, પ્લાસ્ટરમાં,
થાંભલામાં, બીમમાં, પાયાના પથ્થરોમાં,
અને જોતજોતામાં વાત ખાલી એકલા જોશીમઠની ના રહી.
એની નજર સામે ફેલાઈ રહી, કોઈ રોગચાળાની જેમ,
જંગલોમાં, પર્વતોમાં, દેશમાં, શેરીઓમાં. તિરાડો
ફરી વળી એના પગ નીચેની ધરતીમાં,
એના લેવાઈ ગયેલા શરીર પર, એના મન પર...
હવે શક્ય નોહ્તું અહીંથી ચાલી નીકળવું
કોઈ સ્થળ પણ નહોતું.
ભગવાનતો ક્યારનોય ભાગી ગયેલો છોડીને સૌને.
પ્રાર્થના માટે પણ ઘણું મોડું થઇ ગયું હતું
જૂની માન્યતાઓને વળગી રહેવાનો સમય નહોતો.
હવે કંઈ બચે એમ જ નહોતું.
એ તિરાડોને કોઈ કોકરવરણા અજવાસથી
પૂર્યા કરવાનો અર્થ નહોતો.
એમાંથી ફૂટી ફૂટીને વહી આવતો હતો ઘેરો,
પીગળેલા શાલિગ્રામ જેવો, કોઈ કોપ જેવો,
હાડમાં ઘર કરી ગયેલ સજડ દ્વેષ જેવો
બધું ઓહિયાં કરી જતો
નિરૂપાય અંધકાર.
કોણ નાખી ગયેલું એના ઘરની પાછળની ખીણમાં
એ શાપિત બીજ?
એણે યાદ કરવા પ્રયત્ન કર્યો.
કે પછી કોઈ કીડો લાગી ગયેલો
આભમાં મૂળિયાં વાળી વેલને?
કોનો મહેલ હશે આ ઝેરી વેલની ટોચ પરે?
શું ઓળખી શકાશે એ પેલા વિશાળકાય રાક્ષસને, જો થાય ભેટો?
હશે એના બાવડામાં તાકાત ઉગામવાની કુહાડીને?
ક્યાં હશે મોક્ષ?
થાકીને એણે ફરી એક વાર સૂવા મથ્યું
એની સાવ ઉઘાડી આંખો ફરી રહી
ઉપર, નીચે, જાણે કોઈ કાલ્પનિક સમાધિમાં,
જૂની દીવાલ પરના એ ચમત્કારિક વેલા ઉપર.