કોરોના વાઇરસ વિષે પ્રધાનમંત્રીના પહેલા ભાષણે જ આપણને થાળી વાડકા ટીપી ટીપીને બધા દુષ્ટ આત્માઓને ભગાડતાં કરી મૂક્યા.
અને એમના બીજા ભાષણે આપણે બધાને ટીપી કાઢ્યા.
આવનારા દિવસોમાં જનતા, ખાસ કરીને ગરીબો કઈ રીતે ખાવા પામશે કે કેવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓ એમના સુધી પહોંચશે એ વિષે એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર એમણે લોકોના ટાંપીને બેઠેલા ભયને હવા આપી. મધ્યમવર્ગ દુકાનો ને બજારોમાં ઉમટી પડ્યો -- જે ગરીબો માટે શક્ય નહોતું. નહોતું શક્ય શહેર છોડીને એમને ગામ જઈ રહેલા સ્થળાંતરિત લોકો માટે. નહોતું શક્ય નાના ફેરિયાઓ, કામવાળાઓ, ખેત મજૂરો માટે. નહોતું શક્ય રવિની ફસલ પૂરી ના કરી શકતા - કે ફસલ સાથે ફસાયેલા ખેડૂતો માટે. નહોતું શક્ય ભારતના હજારો લાખો છેવાડાના લોકો માટે.
નાણામંત્રીએ ગઈકાલ 26 માર્ચે જાહેર કરેલા પેકેજમાં જો કોઈ એક સારી વાત હોય તો એ છે: દરેક વ્યક્તિને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ (પીડીઍસ) મળતા 5 કિલો અનાજ ઉપરાંત ત્રણ મહિના સુધી વધારાના 5 કિલો ઘઉં કે ચોખા મફત આપવાની વ્યવસ્થા. એમાં પણ એ સ્પષ્ટ નથી કે પહેલાના યોજના પ્રમાણે મળતા 5 કિલો પણ મફત મળશે કે પછી એના પૈસા આપવાના રહેશે. અને જો એના પૈસા આપવાના હોય તો એ નિરર્થક હશે. પેકેજમાં ઉલ્લેખાયેલા મોટાભાગના પગલાંમાંની રકમ એ જ યોજનાઓની છે જે પહેલેથી અસ્તિત્વમાં છે. જેમકે મનરેગાના વેતનમાં 20 રૂપિયાનો વધારો નિશ્ચિત જ હતો-- અને આમાં ક્યાંય કામના દિવસોના વધારાનો ઉલ્લેખ ક્યાં છે? અને માનો કે તમે લાગી પણ જાઓ કામે; પણ કામ આવશે ક્યાંથી, અને એ કામના સમયે સામાજિક અંતર રાખવાનું શક્ય હશે? આ સ્તરનું કામ ઉપલબ્ધ કરવા માટે જે સમય જોઈશે એ બધા અઠવાડિયાઓમાં લોકો શું કરશે? શું તેમનું સ્વાસ્થ્ય એમનો સાથ આપશે? આપણે મનરેગાના દૈનિક વેતન દરેક મજૂર ને ખેડૂતને જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી આપવા જ રહ્યા, પછી ભલે એમને માટે કામ હોય કે ના હોય.
2000 રૂપિયાનો લાભ તો પીએમ-કિસાન હેઠળ હતો જ અને અપેક્ષિત હતો -- તો એનાથી ઉમેરાયું શું? જે લાભ ત્રણ માસના અંતે મળવાનો હતો તે હવે અગાઉથી મળવાનો થયો. મહામારી ને લૉકડાઉનની પરિસ્થિતિ સામે લેવાતા પગલાં રૂપે જે 1.7 લાખ કરોડ ફાળવવામાં આવ્યા એનો સ્પષ્ટ વિભાજીત ખ્યાલ, કે એમાં આવરી લેવાયેલા નવા પગલાંનો ખ્યાલ નાણામંત્રીએ આપણને આપ્યો જ નહિ. જાહેર કરાયેલી કુલ રકમનો કેટલો હિસ્સો જૂની કે હાલમાં અસ્તિત્વમાં હોય એવી યોજનાઓમાંથી વાળીઝૂડીને ભેગા કરેલા આંકડાઓનો છે? એની ગણના તો કટોકટીના પગલાંમાં ભાગ્યે જ થઇ શકે. વધુમાં, સેવાનિવૃત્તો, વિધવાઓ, અને દિવ્યાંગોને એકવારની સહાયરૂપે આવનારા ત્રણ મહિના દરમ્યાન બે તબક્કામાં રૂપિયા 1000 આપવામાં આવશે? તેમજ જન ધન યોજનાના ખાતા ધરાવતી 20 કરોડ બહેનોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને રૂપિયા 500 આપવામાં આવશે? આ તો સૂચક પણ નહિ; આ શરમજનક કહેવાય.
સ્વ-સહાય જૂથો માટે લોનની મર્યાદા વધારવાથી પરિસ્થિતિ કેમની બદલાશે જયારે મંજૂર થયેલી લોનની રકમ મેળવાવમાં લોકોને નવ નેજાં પાણી ઉતરે છે? અને પેલા પોતાને ઘેર, ગામ જવા મથતાં અગણિત સ્થળાંતરિત મજ઼દૂરોને, જે રસ્તામાં અધવચ્ચે ફસાયેલા છે, એમને આ 'પેકેજ' કેવી રીતે મદદ કરશે? માત્ર એમ કહેવું કે એ સ્થળાંતરિત લોકોને મદદ કરશે એ તદ્દન અપૂરતું છે. તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવાના જાહેર કરાયેલા પગલાંઓમાં રહેલી આ ખામીઓ ચિંતાજનક છે, એમજ આ 'પેકેજ' તૈયાર કરનારનું વલણ અત્યંત ભય ઉપજાવનારું છે. તેમાં આંખ સામે ઉભી થઇ રહેલી પરિસ્થિતિઓ વિષે સંપૂર્ણ ઉદાસીનતા જોવા મળે છે.






