ચળકતા પીળા રંગની સાડી પહેરી પોતે પહેરેલા સ્લીપરમા સાડી અટવાઈ ન જાય એ માટે સાડીની લંબાઈ પગની ઘૂંટી સુધીની રાખવા પાટલીઓને કમર પર વધુ ખોસીને જાન્યુઆરીની સવારની કડકડતી ઠંડીમાં તેઓ ઝડપથી ચાલે છે. ફગુનીએ ઘેરો ગુલાબી સ્કાર્ફ માથે વીંટાળ્યો છે, સ્કાર્ફ ક્યારેક પવનમાં ફફડે છે. તેમની પાસે લગભગ એક કિલો વજનનું આછા ભૂખરા-સોનેરી શણના રેસા (ક્રોટાલારીઆ જનશા) નું એક ગૂંચળું છે, તે તેમના ખભા પર ફેશન એસેસરીની જેમ લટકાવેલું છે.
તેમણે તેમના ડાબા હાથમાં એક દોરા પર લટકતી એક ઢેરા - હૂક સાથેની એક સાદી, ચાર-પાંખડાવાળી લાકડાની (કાંતવા માટેની) ત્રાક પકડી છે. તેઓ વારંવાર તેમના જમણા હાથથી પોતાની આસપાસ વીંટાળેલા બંડલમાંથી એક- બે રેસા ખેંચે છે, ઢેરાને ઝડપથી ફેરવે છે, અને પછી પોતાના બંને હાથનો ઉપયોગ કરી રેસાને વળ ચડાવીને પાતળી દોરી બનાવે છે. જાદુની જેમ તેમની આંગળીઓ બરછટ શણના રેસામાંથી ચળકતા, સુંવાળા રેસા બનાવે છે, જે જ્યાં સુધી ઢેરા જમીનને ન અડકે ત્યાં સુધી લાંબા અને લાંબા થતા જાય છે. ત્રાકને જમીન પરથી ઉપાડીને પાતળી દોરીને તેની આસપાસ વીંટાળીને ફરીથી શરૂઆત કરતા પહેલા ફગુની તેમની ત્રણ ગાયો અને બે બકરીઓને હળવેથી આદેશ આપે છે, "હી... હી... ચલ ચલ, [હે... હે... આવો, આવો.]"
તેઓ લગભગ પોતાની જાતને કહે છે, "એક ઘડીભર તમારું ધ્યાન ન હોય તો તેઓ સીધા સરસવ અથવા ઘઉંના ખેતરોમાં પહોંચી જાય." જે સરળતા અને સુઘડતા સાથે 56 વર્ષના ફગુની દેવી આ બધું કરે છે અને સાથે સાથે આગળ રસ્તા પર નજર રાખે છે અને તેમની બકરીઓનું ધ્યાન રાખે છે, અને તેમની સખી સાથે વાતો કરે છે, તે જોઈ મને નવાઈ લાગે છે અને હું મારું આશ્ચર્ય વ્યક્ત કરું છું. તેઓ કહે છે, "અમે ચૌધરી આ કુશળતા સાથે જન્મ્યા છીએ - અમે ગર્ભમાંથી જ એ શીખીએ છીએ!" મને તેમના અવાજમાં ગર્વની લાગણી સંભળાય છે. "આ ગામનું એકેએક બાળક એ જાણે છે."


















