કિશનગઢ સેધા સિંહ વાલામાં પોતાના વરંડામાં બેઠેલા સુરજીત કૌર કહે છે, "અમારી પેઢીની મહિલાઓ શિક્ષિત હોત તો પરિસ્થિતિ અલગ હોત." તેમની પૌત્રી અને પૌત્ર તેમની બાજુમાં બેઠા છે, એ બંનેની ઉંમર, હર્ષદીપને 5 મા ધોરણમાં શાળા છોડી દેવાની ફરજ પડી ત્યારે તેમની જે ઉંમર હતી તેના કરતાં ખાસ મોટી નથી.
63 વર્ષના હર્ષદીપ ભારપૂર્વક જણાવે છે, "શિક્ષણ વ્યક્તિની ત્રીજી આંખ ખોલે છે."
તેમના 75 વર્ષના પાડોશી જસવિન્દર કૌર સંમતિસૂચક હકારમાં માથું હલાવે છે. તેઓ કહે છે, "જ્યારે મહિલાઓ બહાર જાય છે, ત્યારે તેઓ દુનિયા વિષે જાણે છે."
તેઓ કહે છે કે તેમને પોતાનું શાળાનું શિક્ષણ પૂરું કરવાની ક્યારેય તક મળી નહોતી, પરંતુ બીજી એક ઘટનાએ તેમને ઘણું શીખવ્યું. સુરજીત અને જસવિંદર તેમના ગામની એ 16 મહિલાઓમાંથી હતા જેમણે 2020-2021 માં ખેડૂતોના ઐતિહાસિક વિરોધ પ્રદર્શન દરમિયાન 13 મહિના સુધી દિલ્હીની સરહદો પર પડાવ નાખ્યો હતો. તેમના જેવા લાખો ખેડૂતોએ એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર કબજો જમાવી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે વિરોધ કર્યો હતો, તેમને ડર હતો કે આ કાયદાઓ લઘુત્તમ (ન્યૂનતમ) ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ - એમએસપી) ની ગોઠવણને નબળી પાડશે અને ખાનગી વેપારીઓ અને કોર્પોરેશનોને ફાયદો કરશે. ખેડૂત આંદોલનોનું પારીનું સંપૂર્ણ કવરેજ અહીં વાંચો.
આ પત્રકારે મે 2024 માં કિશનગઢ સેધા સિંહ વાલાની મુલાકાત લીધી ત્યારે સમગ્ર પંજાબના ઘણા ગામોની જેમ આ ગામ પણ લણણીની મોસમની તૈયારીઓથી ધમધમતું હતું. શાસક પક્ષના ખેડૂત વિરોધી પગલાં સામેના આંદોલનોથી ગરમાયેલ રાજકીય વાતાવરણ સાથે રહેવાસીઓ 1લી જૂને યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી માટે પણ તૈયાર થઈ રહ્યા હતા.
60 વર્ષના જરનૈલ કૌર કહે છે, "જો ભાજપ ફરીથી જીતશે તો તેઓ એક યા બીજી રીતે ફરીથી આ [કૃષિ] કાયદાઓ લાવશે." તેમનો પરિવાર કિશનગઢ સેધા સિંહ વાલા ખાતે 10 એકર જમીન ધરાવે છે. તેઓ ઉમેરે છે, "આપણે સમજદારીપૂર્વક મતદાન કરવાની જરૂર છે."
(શિરોમણિ અકાલી દળના હરસિમરત કૌર બાદલે 2024 ની ચૂંટણીમાં ભટિંડા લોકસભા બેઠક પરથી જીત મેળવી. પરિણામો 4 થી જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.)
















