અમરજીત કૌર અધવચ્ચે જ સ્થિર થઈ જાય છે, થોડી સેકન્ડો માટે તસલા - એક ધાતુનું વાસણ (તગારું) જેને તેઓ પોતાના માથા પર ઊંચકવાનો પ્રયાસ કરી રહ્યા છે તે થોડું ડામાડોળ થતું હોય એવું લાગે છે. પછી ભેંસના વાડામાંથી તેમણે એકઠું કરેલું બીજી વારનું છાણ ખાલી કરવા તેઓ ધીમે ધીમે, નાના, ધ્રુજતા ડગલે રૂડી - છાણના ઢગલા તરફ ચાલવાનું શરૂ કરે છે. એવાય દિવસો હતા જ્યારે તેઓ આખું છલોછલ ભરેલું તગારું, લગભગ 10-12 કિલોગ્રામ વજન, માથા પર ઊંચકીને ચાલી શકતા હતા. પરંતુ 72 વર્ષની ઉંમરે એ મુશ્કેલ છે. જોકે આજે તેમના હૈયાનું દુઃખ તેમના માથા પરના એ વાસણ કરતાં વધારે ભારે છે, અને એ તેમને ધીમા પાડી રહ્યું છે.
મને તેમના પરિવાર વિશેનો એક નિર્દોષ લાગતો પ્રશ્ન યાદોની એક સુનામી લઈને આવ્યો હતો જે અમરજીતને ભૂતકાળમાં 24 વર્ષ પાછળ ખેંચી ગયો હતો. તેઓ કહે છે, "ઓહના દસ્યા પટ્ટી મોડ તે તેરા મુંડા મર ગયા એક્સિડન્ટ નાલ [તેઓએ આવીને મને કહ્યું, 'તારો દીકરો પટ્ટી નજીકના વળાંક પર અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે']," અને વધુ છાણ એકઠું કરવા બેસે છે. તેમના હાથ યાંત્રિક રીતે ચાલે છે, તેઓ જમીન પર અધૂકડા બેસે છે ત્યારે તેમના ઘૂંટણમાં કડાકા બોલે છે. "તે રિક્ષા ખેંચતો હતો. તે માંડ 18 વર્ષનો હતો." પાંચ વર્ષ પછી તેમણે તેમનો બીજો દીકરો ગુમાવ્યો, તે 21 વર્ષનો હતો.
36 વર્ષ પહેલાં તેમના દારૂડિયા પિતાનું અવસાન થયું ત્યારે આ છોકરાઓ માંડ છ અને ચાર વર્ષના હતા. અમરજીત તેમના લગ્ન થયા ત્યારથી ગોહા-કૂડાનું (પશુઓનું છાણ એકઠું કરવાનું) જે કામ કરી રહ્યા હતા એ ન કરતા હોત તો તેઓ તેમના છોકરાઓ અને (હવે પરિણીત) બે છોકરીઓને ઉછેરી શક્યા ન હોત. તેઓ ફરીથી ઉભરી આવેલા દુઃખની સાથે સાથે ખુલ્લા હાથે વધુ છાણ ઉપાડે છે, તેઓ એકસાથે એક મુઠ્ઠીભર છાણ તગારામાં ઠાલવતા રહે છે. વાસણને માથા પર ઉપાડતી વખતે તેઓ એક લાંબો નિસાસો નાખે છે, અને ધ્રુજતા પગલે લગભગ 100 મીટર દૂર રૂડી તરફ આગળ વધે છે. આજે સવારે સફાઈ શરૂ કર્યા પછી આ 20 મો ધક્કો છે. તેઓ પંજાબમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ મેહરે શીખ સમુદાયના છે. ભૂમિહીન દલિત અમરજીત ગુજરાન ચલાવવા માટે પટ્ટી નગરના સાત ઘરોમાં ગોહા-કૂડા ઉપાડે છે.
“જદોં મૈં ડંગરાં દા ગોહા ચુક્કણ થલ્લે બ્હેંદી આં તાં ઓ અક્સર મેરે સિર તે હી મૂત દિંદિંયં ને. મૈં રોઝ રોઝ સર ન્હીં ધો સકદી તે શેમ્પૂ સાબન દા ખર્ચા વી ન્હીં ચૂક સકદી. ઇસ લાઈ આં લિફાફા પા લેની આં [ઘણીવાર હું છાણ ઉપાડતી હોઉં ત્યારે ભેંસો મારા પર પેશાબ કરે છે એટલે મારે આ પ્લાસ્ટિકની થેલી મારા માથા પર લપેટવી પડે છે. અને હું રોજ રોજ મારા વાળ ન ધોઈ શકું, રોજ રોજ સાબુ અને શેમ્પૂના પૈસા ખરચવાનું મને ના પોસાય].” અમરજીત મને તેમણે અત્યારે મુઠ્ઠીમાં પકડેલી કાળી થેલી બતાવે છે. તેઓએ હમણાં જ આજના દિવસનું પહેલા ઘરનું કામ પૂરું કર્યું છે. તે 10 ભેંસો ધરાવતા જમીનદાર ખેડૂતનું ઘર છે. હવે અહીંથી તેઓ ચાલતા બીજા ઘેર જશે.





