લીંબડીનો હાઇ-વે. હાઇ-વેમાંથી નીકળતો પાકો સિંગલ રોડ આવે. દસ-બાર કિલોમીટરે એક ગામ આવે. ગામમાં વણકરવાસ આવે. વણકરવાસમાં પાકા સિંગલ રોડની સમાંતરે કાચોપાચો રસ્તો આવે. રસ્તામાંથી નીકળતા નાનામોટા રસ્તાઓ આવે. રસ્તાઓની બંને તરફ જૂની ઢબનાં પાકાં ઘર આવે, એકાદ બે નળિયાંવાળાં પણ આવે. હાથસાળ ચાલવાથી અટકી-અટકીને આવતો ખટખટ અવાજ પણ આવે. રસ્તાઓમાંનો એક રસ્તો. આગળ જઈને સાંકડો થતો. વચ્ચે બેત્રણ લીમડાનાં ઝાડ. કિનારે એકબે બાવળ. રસ્તાના છેડે એક ઘર. ઘરમાં કાનને ગમે એવો હાથસાળનો લયબદ્ધ અવાજ. અવાજમાં ભળતો ક્યારેક માણસનો અવાજ. અવાજમાં મહેનતનો અર્થ સરવા કાન રાખનારાને સંભળાય. અર્થમાં છૂપો રંજ પણ સંવેદનશીલ માણસને સમય પસાર કરતા સંભળાય.
‘જ્યારે સાતમું પસી આઠમા ધોરણમાં મને લીમડી (લીંબડી) હૉસ્ટેલમાં મૂકી. ઈમાં તણ મયના ભણી. પેલી (પહેલી) કાચી પરીક્સા (પરીક્ષા) આપી અન ઘરે આવી. અન મારાં મમ્મીએ એવું કીધું કે ગોપાલ(મોટાભાઈ)ની સાઇડમાં દાંડી મેળવવાવાળું કોય સે નંઈ તો તારે ભણવાનું છોડ દેવું પડસે. ગોપાલભાઈએ પેલાં (ભણવાનું) છોડ્યું, ગ્રૅજ્યુઍસન પૂરું નૉતું કર્યું. પસી ગોપાલભાઈ સે ને એમના સપૉટ(સપૉર્ટ)માં હું આવી ગઈ પટોળાં વણવા માટઅ્. બીજા મોટાભાઈ ભણતા 'તા એટલઅ્ બે ભાઈબૅન ભણી સકે એવી આર્થિક સ્થિતિ નૉતી સારી.' રેખાબહેન વાઘેલાના આ શબ્દો સરળ, પણ છેક ઊંડે ચોટ કરી જનારા. ગરીબી કેવાકેવા ધારદાર ખરબચડા ઘાટ બનાવે! પ્રેમથી અડો તોય છોલી નાખે! ચાલીસ વર્ષીય રેખાબહેન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલાનાં.
લગ્ન પછી પતિનું વલણ માફક ન આવતાં રિસાઈને પિયર આવ્યાં. મનામણાં થયાં. ફરી સાસરે ગયાં. પાછી એ જ જડતા. ના રુચતું, ના ફાવતું, છતાં એ જ વેઠવાનું ફરી પાછું આવ્યું : ‘મારા હસબન્ડ વ્યસનમાં દારૂ, જુગાર, પાનમાવા કરતા. કૅરેક્ટરમાં પણ બરાબર નૉતા. મારઝૂડ ક્યારેક-ક્યારેક થતી. પ્રૅગનન્સી વખતે મારઝૂડ કરી.' રેખાબહેનની વાતમાં જૂના ઘાની વેદના હજુ પણ પડઘાતી હતી. 'મારી દીકરીનો જન્મ થયો ને એમના અફેર વિસે ખબર પડી. પસી એમને એમ હાલ્યું એકાદ વરસ. પસી મારા ભાઈ ગોપાલ ઍક્સિડન્ટમાં ગુજરી ગયા (૨૦૧૦માં). પટોળાંનું એમનું બધું કામ બાકી હતું. મટૅરિયલવાળાના પૈસા બાકી હતા એટલઅ્ હું પાંચ મયના રોકાઈન (પિયરમાં) બધું કામ પૂરું કરી દીધું. પસી મને તેડી ગ્યા.' વેઠવામાં, વેઠીને મનને રાજી રાખવામાં, નાની દીકરીની કાળજી રાખવામાં, ડૂમાને દબાવી રાખવામાં થોડા વર્ષ ગયાં. હખેદખે દખેહખે બધું ચાલ્યા કર્યું, છેવટે, ‘નાછૂટકે ચાલતું 'તું. મારી દીકરી સાડાચાર વરસની થઈ. તરાસ (ત્રાસ) જ એટલો હતો ક હું કંટાળીન આવતી રય.' રેખાબહેને ભણતર છોડ્યા પછી શીખેલું-કરેલું કામ સાસરી છોડ્યા પછી કામમાં આવ્યું. એવું કામમાં આવ્યું કે જીવનનું ચણતર પાકું થવા લાગ્યું. એવું પાકું થવા લાગ્યું કે ગરીબીનો ધારદાર ખરબચડો ઘાટ લીસો થવા લાગ્યો.


















