જ્યારે તેમને ખબર પડી કે તેઓ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમના નામે એક બેંક ખાતું પણ નહોતું. એક આદિવાસી નિવાસી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતાં તેમનાં પત્નીએ તેમને 15,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. તેમના પક્ષના કાર્યકરોએ પણ યથાશક્તિ ફાળો આપ્યો, અને ચૂંટણીનું ફોર્મ ભરતાં પહેલાં તેઓ માંડ 52,000 રૂપિયાનું ભંડોળ એકઠું કરી શક્યા.
વિનોદ નિકોલે માટે સંજોગો આનાથી વધુ કપરા હોઈ શકે તેમ ન હતું. તેમના મુખ્ય હરીફ ધનારે પાસ્કલ જન્યા હતા, જેઓ વર્તમાન ધારાસભ્ય હતા અને જેમણે 2014માં ડહાણુ મતવિસ્તારમાંથી 16,000થી વધુ મતોની સરસાઈથી જીત મેળવી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, અને આ એ જ પક્ષ હતો જેણે સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તે વર્ષની વિધાનસભા ચૂંટણીઓમાં તેમણે 82 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.
પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારે આ પૈસા અને સાધનોની અછત કોઈ અડચણરૂપ ન બની. નિકોલે લગભગ 5,000 મતોની સારી એવી સરસાઈથી ધારાસભ્ય બની ચૂક્યા હતા.
પાલઘરના આદિવાસી બહુમતીવાળા જિલ્લામાં આવેલા ડહાણુ શહેરની પોતાની ઓફિસની બહાર પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને, એક હળવા સ્મિત સાથે કહે છે, “મારા એક પિતરાઈ ભાઈએ મને લગભગ 70,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. ચૂંટણી પહેલાં મારી પાસે રોકડાના નામે બસ આ 70,000 રૂપિયા જ હતા.”
આ એક એવા ભારતની વાર્તા લાગે છે જે હવે અસ્તિત્વમાં જ નથી. પણ આ ઘટના હમણાં, 2019માં અને ફરી 2024માં બની છે. એવા સમયે જ્યારે ભાજપ એક પછી એક ચૂંટણીમાં વિપક્ષનો સફાયો કરી રહ્યું હતું, અને રાજકારણ પૈસાના બેફામ દેખાડા વગર જીતી ન શકાય એવી રમત બની ગયું હતું. ત્યારે 48 વર્ષીય નિકોલે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) વતી લડ્યા અને ખૂબ જ સરળતાથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને એ પણ એવા રાજ્યમાં જ્યાં 93 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. મહારાષ્ટ્ર કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન [ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ] (GSDP)ની દૃષ્ટિએ દેશનું સૌથી ધનિક રાજ્ય ગણાય છે.
ડહાણુ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલા વાકી ગામમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતાં મજૂર માતા-પિતાને ત્યાં જન્મેલા નિકોલે, મહારાષ્ટ્રના સૌથી ગરીબ ધારાસભ્ય છે. આ એ જ રાજ્ય જે દેશમાં ચૂંટણીઓ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા માટે જાણીતું છે. નિકોલે મતદાન પહેલાં ન તો પૈસા વહેંચી શકે છે, ન તો પોતાનો પ્રચાર કરવા માટે કોઈ મોટી સોશિયલ મીડિયા ટીમ રાખી શકે છે. તેમની ખરી મૂડી જમીન પર લોકોની વચ્ચે રહેવામાં, પાયાનાં આંદોલનોમાં સક્રિય ભાગ લેવામાં અને સામાન્ય લોકો, ખાસ કરીને આદિવાસી ખેડૂતો અને મજૂરો માટે સરળતાથી ઉપલબ્ધ રહેવામાં છે.









