જ્યારે નારાયણ ગાયકવાડ તેમના ખેતરમાં ઉગતા મુઠ્ઠીભર એરંડાના છોડ જુએ છે, ત્યારે તેઓ તેમના કોલ્હાપુરી ચંપલને યાદ કરે છે − જે છેલ્લે 20 વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાયાં હતાં. તેલ અને આ પ્રદેશના પ્રખ્યાત પગરખાં વચ્ચેના ગાઢ જોડાણને દર્શાવતાં 77 વર્ષીય ખેડૂત કહે છે, “અમે કોલ્હાપુરી ચંપલમાં એરંડિયું લગાવતા હતા. તેનાથી તેનું આયુષ્ય વધારવામાં મદદ મળતી હતી.”
કોલ્હાપુર જિલ્લામાં એરંડિયું મુખ્યત્વે કોલ્હાપુરની ચંપલને ઊંજણ કરવા માટે કાઢવામાં આવે છે. ભેંસ અથવા ગાયના ચામડામાંથી બનાવવામાં આવતાં આ પગરખાંની નરમાઈ અને આકારને જાળવી રાખવા માટે તેને ઊંજણ કરવામાં આવતું હતું, અને આ માટે પસંદગીનું તેલ એરંડિયું હતું.
આ છોડ મૂળ કોલ્હાપુરમાં ન ઉગતો હોવા છતાં, એરંડા (રિસિનસ કમ્યુનિસ) આ પ્રદેશનો લોકપ્રિય પાક હતો. લીલા પાંદડાવાળા આ જાડા દાંડા વાળા છોડને આખા વર્ષમાં ગમે ત્યારે ઉગાડી શકાય છે. ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કરતો દેશ છે, જેણે 2021-22માં અંદાજે 16.5 લાખ ટન એરંડાનું ઉત્પાદન કર્યું હતું. ભારતમાં એરંડાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને રાજસ્થાન છે.
નારાયણ કહે છે, “માજે વડીલ 96 વર્ષ જાગલે [મારા પિતા 96 વર્ષ સુધી જીવ્યા હતા] − અને તેમણે દર વર્ષે એરંડી (એરંડા)નું વાવેતર કર્યું હતું.” નારાયણે પણ આ પરંપરા ચાલુ રાખી છે અને વર્ષ-દર-વર્ષે તેમના 3.25 એકરના ખેતરમાં એરંડાનું વાવેતર કર્યે જાય છે. તેઓ માને છે કે તેમનો પરિવાર લગભગ 150 વર્ષથી એરંડા ઉગાડી રહ્યો છે. નારાયણ અખબારમાં સુરક્ષિત રીતે વીંટાળેલા બીજ તરફ ધ્યાન દોરતાં ઉમેરે છે, “અમે એરંડીના બીન આકારના આ સ્વદેશી બીજને સાચવી રાખ્યા છે. તેમનો ઇતિહાસ ઓછામાં ઓછી એક સદી જૂનો છે. ફક્ત બાઈકો આણી મી શેવકીણ [હવે માત્ર હું અને મારી પત્ની જ તેની સંભાળ રાખીએ છીએ].”
નારાયણ અને તેમનાં 66 વર્ષીય પત્ની કુસુમ પણ તેઓ ઉગાડતા એરંડામાંથી જાતે જ તેલ કાઢે છે. આસપાસ તેલની મિલોનો ફેલાવો હોવા છતાં, તેઓ મહેનત માગી લેતી હાથથી તેલ કાઢવાની પ્રક્રિયાને વળગી રહ્યાં છે. નારાયણ કહે છે, “પહેલાં અમે દર ત્રણ મહિને એક વાર તેલ કાઢતા હતા.”



















