વર્ષ 2022 માં દયાનિતા સિંહે પારીના સહયોગથી દયાનિતા સિંઘ-પારી દસ્તાવેજી ફોટોગ્રાફી પુરસ્કારની સ્થાપના કરી હતી. તે પુરસ્કાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના એમ. પલની કુમારને મળ્યો હતો.
આ વર્ષનો દયાનિતા સિંહ-પારી દસ્તાવેજી ફોટોગ્રાફી પુરસ્કાર તેમના દ્વારા પસંદ કરાયેલા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઇન્ડિયાના બીજા પ્રતિભાશાળી ફોટોગ્રાફર આયનાને ફાળે જાય છે.
આયનાને માટે ફોટોગ્રાફી એ જે વાસ્તવિકતાઓને તેમણે અન્યથા ભૂલી જવાનું પસંદ કર્યું હોત તેને પોતાની યાદમાં જીવંત રાખવાનો એક માર્ગ હતો. આંતરિક સ્તરે જે પ્રતિકૂળતાઓનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવા માટેનું, અનુભવોમાંથી શીખવા માટેનું સાધન જણાતું હોય તે ઘણા લોકોની વણકહી વાર્તાઓકહેવા માટે વપરાતું રાજકીય ઉપકરણ પણ હોઈ શકે તે તેમને સમજાયું. તેમણે સબેસ્ટિઆઓ સોલ્ગાડો, વિવિયન માયર, શંકર સરકાર, પલની કુમાર અને બીજા ફોટોગ્રાફર્સનું કામ જોયું ત્યારે તેમને આ અનુભૂતિ થઈ. કોવિડ-19 મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે પારી સાથે કામ કરતી વખતે એ સભાનતા વધુ બળવત્તર થઈ.
કોવિડ-19 મહામારી દરમિયાન કામાઠીપુરાના દેહ વ્યાપારનો વ્યવસાય કરનારાઓ અને આરોગ્ય સંભાળ વિના ગામડાના સ્થળાંતરિતોના ખૂબ જ ભાવનાત્મક ફોટા તેમના લેન્સે કેદ કર્યા છે. આયનાની કુલ લગભગ 23 ફોટો સ્ટોરી મહાનગરના ઉપેક્ષિત ખૂણે રહેતા પાત્રોનું આશ્ચર્યજનક મિશ્રણ આપણી સામે ખડું કરે છે - મુંબઈ લોકલમાં એક રાજસ્થાની સ્થળાંતરિત સંગીતકાર, શહેરના ટેક્સી ડ્રાઇવરો, ગેટવે ઓફ ઈન્ડિયાના ફોટોગ્રાફરો, ગધેડીનું દૂધ વેચનાર, મુંબઈના માર્ગો પર નાચતા અને પોતાની જાતને ચાબુકથી ફટકારતા કર્ણાટકના એક સ્થળાંતરિત. આ વાર્તાઓમાં શહેરમાં આવીને વસેલા ગ્રામીણોની વાત તેઓ જે સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે રજૂ કરે છે તેવું બહુ ઓછા લોકો કરી શકે.















