એક લાકડાની પ્રાચીન પલાણ, એક જૂની લૂમ, લાકડાની પોલો મેલેટ (પોલોની રમતમાં વપરાતી મોગરીવાળી લાકડી), ઘાસના ચંપલ, ચાંદીના જૂના ઘરેણાં, શિના કવિતાની એક જર્જરિત થઈ ગયેલી હસ્તપ્રત, લગ્નમાં મહિલાઓ માટે આભૂષણ તરીકે વપરાતા પરંપરાગત કાંસકા અને બીજું ઘણું બધું. બશીર અહમદ ટેરૂએ તેમના મ્યુઝિયમ (સંગ્રહાલય) માં પ્રદર્શિત કરેલી રોજિંદા જીવનની આ કેટલીક પ્રાચીન વસ્તુઓ છે.
બશીર દર્દ-શિન જનજાતિના છે જે મોટે ભાગે ગુરેઝ અને દ્રાસમાં રહે છે. છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર ગુરેઝ ખીણમાંથી લોકો કિંમતી વારસાગત વસ્તુઓ અને રોજિંદા ઉપયોગની બીજી જૂની વસ્તુઓ તેમના દ્વારા સંચાલિત દર્દશિન મ્યુઝિયમને અને દાવરમાં આવેલા ઘરોને સોંપી રહ્યા છે.
તેઓ યાદ કરે છે, “મેં લોકોને તેમના ઘરમાંથી પ્રાચીન વસ્તુઓ ફેંકી દેતા, જૂના કપડાં બાળી નાખતા, હવે ઉપયોગમાં ન લેવાતા ખેતીના ઓજારો ફેંકી દેતા જોયા છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુઓનો કોઈ ઉપયોગ નથી." જે પહેલા જૂનું થઈ ગયેલું માનીને ફેંકી દેવામાં આવતું હતું અથવા તો બાળી નાખવામાં આવતું હતું તેને હવે બશીરના મ્યુઝિયમમાં હુંફાળું ઘર મળી ગયું છે.
બશીર માને છે કે રાજ્ય આરોગ્યસંભાળ કાર્યકર તરીકેની તેમની નોકરીએ તેમને તેમના લોકોના ઇતિહાસના આ મ્યુઝિયમને ક્યુરેટ કરવામાં મદદ કરી છે. 44 વર્ષના આ સરકારી કર્મચારી કહે છે કે લોકો તેમના પર વિશ્વાસ કરે છે, અને તેના કારણે મ્યુઝિયમને ક્યુરેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. અહીં કાશ્મીરની ગુરેઝ ખીણમાં શિયાળાનો બરફ વર્ષના છ મહિના માટે રહેવાસીઓનો (બહારની દુનિયા સાથેનો) સંપર્ક તોડી નાખે છે, અને સરકારી આરોગ્યસંભાળ સુવિધાઓ વાસ્તવમાં નજીવી હોય છે. બશીર જેવા સમુદાય આરોગ્ય કાર્યકરોનું કામ મહત્વપૂર્ણ છે, અને લોકોનો તેમના પર સંપૂર્ણ વિશ્વાસ છે.


















