વરસાદની રીત પણ બદલાઈ ગઈ છે. “હું અહીં ૩૦ વર્ષથી રહું છું પણ મેં આવો વરસાદ પહેલાં ક્યારેય નથી જોયો. તે એકસામટો તૂટી પડે છે – ભારે અને અવિરત. તે દર વર્ષે અમને માળિનની યાદ અપાવે છે.”
આ ખતરો કાલ્પનિક જરાય નથી. જેમ જેમ વાતાવરણ ગરમ થઈ રહ્યું છે, તેમ તેમ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. પુણેની ગોખલે ઇન્સ્ટિટ્યૂટમાં સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટર ડૉ. ગુરુદાસ નુલકર કહે છે, “વરસાદનું પ્રમાણ અને વરસાદનો સમય બદલાઈ ગયો છે. જે વરસાદ પહેલાં ત્રણ મહિનામાં વહેંચાઈને પડતો હતો, તે હવે માત્ર બે અઠવાડિયામાં જ પડી જાય છે.” તેઓ આગળ સમજાવે છે કે વરસાદની બદલાતી ભાત અને અનિયંત્રિત બાંધકામ ભૂસ્ખલનના વધતા જોખમનાં મુખ્ય કારણો છે. (વાંચો: થાણેમાં, વરસાદ બેફામ બન્યો છે)
પસારવાડીના ઢોળાવ પર થોડે નીચે, ફસાબાઈના પાડોશી જાવજી બાલચિમ ઘરોની પાછળ પડેલા મોટા પથ્થરો તરફ ઈશારો કરે છે, જેમાંથી કેટલાક જાવજીના ઘૂંટણ સુધી અને કેટલાક તેમની જાંઘ સુધી ઊંચા છે. આ 80 વર્ષીય ખેડૂત કહે છે, “આ પથ્થરો ગયા વર્ષે જ નીચે આવ્યા હતા. નાના પથ્થરો ઝાડમાં ફસાઈ ગયા અને આ મોટા પથ્થરો નીચે આવી ગયા. હજુ સુધી તેમણે કોઈનું ઘર તોડ્યું નથી.”
પસારવાડીનાં ઘરો, હલકાં અને માટી-ઈંટનાં બનેલાં છે. તે માળિનમાં એક સમયે ઊભેલાં નબળાં મકાનો જેવાં જ દેખાય છે. એક દાયકા પછી પણ, અહીંના પરિવારો પાસે કોઈ મજબૂત બાંધકામ નથી, અને તેઓ હવે પહાડની બાજુએ લગાવેલી લાકડાની વાડ પર આધાર રાખે છે, જે પડતા પથ્થરોને રોકવાનો એક મરણતોલ પ્રયાસ છે.
જાવજી કહે છે, “પહેલાં આવું નહોતું. પણ જ્યારથી રસ્તાનું કામ શરૂ થયું છે, ત્યારથી આખો ઢોળાવ પોચો થઈ ગયો હોય તેવું લાગે છે. તેઓ ખોદકામ અને માટી નાખવાનું ચાલુ રાખે છે. અમે આખી જિંદગી અહીં વિતાવી છીએ. હવે અમને અમારા ઘરમાં પણ સુરક્ષિત નથી લાગતું.” જાવજી અને તેમનાં પત્ની યમુનાબાઈ તેમના એક ગુંઠા (0.025 એકર) કરતાં પણ ઓછા ખેતરમાં 2-3 ક્વિન્ટલ ચોખા ઉગાડે છે. તેઓ ખેતમજૂરી અને પુણેથી તેમના પુત્રો દ્વારા મોકલવામાં આવતા કેટલાક પૈસાથી તેમની આવકને ટેકો આપે છે.
યમુનાબાઈ બાલચિમ ધીમેથી બોલે છે. “અમારાં બાળકો હવે પુણેમાં રહે છે. તેઓ કહે છે કે તિરાડો અને ડરને કારણે તેઓ પારત આવવા નથી માંગતાં. આ બે ઓરડા [ઘરમાં] તેમના માટે બનાવ્યા હતા, પણ હવે ફક્ત અમે જ છીએ, વૃદ્ધ અને એકલાં.”