તેઓ પોતાની ખખડી ગયેલી વ્હીલચેરને નજીક ખેંચે છે, અને હોસ્પિટલના એ જૂના પલંગની સામે ગોઠવે છે, જેમાં તે છેલ્લા કેટલાક વખતથી એકરીતે બંધાયેલા છે. તેમનો ડાબો હાથ છતના લાકડાના મોભેથી લટકતા એક જાડા કાપડને જોરથી પકડે છે. જમણા હાથે એમના શરીરને પલંગથી દૂર ધકેલતા તેઓ હળવેકથી વ્હીલચેરમાં સરકી જાય છે. પછી, એક પછી એક પગને બંને હાથેથી પકડીને વારાફરતી નીચેની તરફ ખેંચીને ગોઠવે છે ખુરશી પરના ટેકા ઉપર. જે ચપળતાથી તેઓ આ બધું કરે છે, તે જોઈને આપણને એમ લાગ્યા વગર ના રહે કે આ ક્રિયા તેમણે પહેલાં હજારો વાર કરી હોવી જોઈએ. અને તે પણ એ જ સહજતાથી, જે સાથે એક સમયે તેઓ બિલિગિરિરંગન હિલ્સનાં જંગલોના ઊંચાં ઝાડ પર ચડી જતા હતા. સિવાય કે જયારે...


Chamarajanagar, Karnataka
|THU, MAR 19, 2026
બીઆર હીલ્સનું પંખ વિહોણું પંખી
કર્ણાટકની બીઆર હિલ્સનાં ઊંચાં વૃક્ષો પરથી મધ એકઠું કરતા એક સોલિગા આદિવાસી યુવાન સાથે એક ભયાનક અકસ્માત સર્જાયો અને હવે તેઓ પોતાના ખોવાયેલા ગીતની શોધમાં છે
Author
Editor
Photo Editor
Translator

M. Palani Kumar
“સાંજના લગભગ છ વાગ્યાનો સમય હતો. વરસાદ વરસી રહ્યો હતો. ઝાડની છાલ થોડી લપસણી હતી. તારે મરા [ટર્મિનીલિઆ બેલ્લિરીકા] પર એક મોટો મધપૂડો હતો. તેને કાપવા માટે, હું તેની બરાબર બાજુમાં આવેલા હોન્ને મરા [પ્ટેરોકાર્રપસ માર્સુપિયમ] પર ચડ્યો હતો. આ બધાં મોટાં ઝાડ છે. ખૂબ ઊંચાં ઝાડ.” અરુણ કુમાર જે ઝાડની વાત કરી રહ્યા છે તે 130 ફૂટ જેટલાં ઊંચાં હોઈ શકે છે.
“મારા હાથમાં ધુમાડો કરતી મશાલ હતી, પણ મધમાખીઓ મને ડંખ મારી રહી હતી, અને મારે જલદી નીચે ઉતરવું હતું. અચાનક, મારો પગ લપસ્યો અને હું નીચે પડ્યો, 25 ફૂટ નીચે જમીન પર, પીઠના બળે.” તેઓ 12 મે, 2024ની એ ભયાનક સાંજની વાત કરી રહ્યા છે − એ દિવસ જ્યારે તેઓ એક છેલ્લી વાર પોતાના પગ પર ઊભા હતા.
અરુણના હાથ તેમની જૂની ખુરશીના પૈડાંને આમતેમ ઘૂમાવતાં તેને 8 x 10 ફૂટની તેમની પતરાની ઓરડીના નાના દરવાજામાંથી બહાર કાઢે છે. આ ઓરડામાં દરવાજામાંથી આવતા થોડાઘણા અજવાળા સિવાય ઘોર અંધકાર છવાયેલો રહે છે. ઈંટ અને માટીના બનેલા એ ઘર કે જેમાં એમનો બાકીનો પરિવાર રહે છે એની એક બાજુ, લગભગ છુપાયેલી હોય એમ આ પતરાંની ઓરડી ઊભી છે. બીજી બાજુ થાંભલા પર ઊભા કરેલાં ગોખલાં જેવા ઘરમાં થોડાં કબૂતરના રહે છે જેમની સારસંભાળ એમના પિતા કરે છે.

Pratishtha Pandya

M. Palani Kumar
24 વર્ષના અરુણ કહે છે, “મદદ કરવાવાળું કોઈ નથી. સવારે હું જાતે જ આ ઓરડીમાંથી બહાર નીકળું છું અને તડકામાં બેસું છું,” તેઓ ખુરશીને તેમની ઓરડી પાછળની નાનકડી ખુલ્લી જગ્યા તરફ ફેરવે છે. આસપાસના સિલ્વર ઓકના ઝાડની ડાળીઓમાંથી સૂરજ હમણાં જ ડોકાયો છે.
સામાન્ય રીતે, વર્ષના આ સમયે, અરુણે પરિવારને આ ઝાડની ઉપરની ડાળીઓ કાપવામાં મદદ કરી હોત જેથી તેમના કોફીના છોડને પૂરતો તડકો મળી રહે. પણ આ વર્ષે તેઓ મજૂરો પર નિર્ભર છે. મજૂરી મોંઘી હોવાથી, વૃક્ષો બેફામ વધી રહ્યાં છે.
અરુણ વહી આવતા સૂર્યના હૂંફાળા તડકાના પ્રકાશપુંજની વચમાં આવીને ગોઠવાય છે.
તેઓ કહે છે, “હું ઋતુ દરમિયાન થોડી કમાણી કરવા માટે મધ ઉતારતો હતો. આ કામ માંડ પાંચ-છ અઠવાડિયાં ચાલે છે, એપ્રિલ અને જૂન મહિનાની વચ્ચે. ઉનાળામાં બહાર કોઈ કામ નહોતું મળતું. ઘરે પણ પૈસાની તંગી હતી. એટલે, અમે ચાર-પાંચ મિત્રોએ ભેગા મળીને એક ટોળકી બનાવી અને થોડી આવક માટે આ કામ શરૂ કર્યું.” એ નાનકડી રકમથી તેમના ઘરનું ગાડું ગબડતું હતું.

Courtesy: Arun
અરુણ કહે છે, “મને મારા મિત્રો સાથે રખડવું બહુ ગમતું, પણ વર્ગમાં શું ચાલી રહ્યું છે તેમાં હું બહુ ધ્યાન નહોતું આપતો. મેં ધોરણ 7માં ભણવાનું છોડી દીધું હતું. હું બીજા છોકરાઓને જોઈને ઝાડ પર ચડવાનું અને મધ ઉતારવાનું શીખ્યો. શરૂઆતમાં ડર લાગતો હતો, પણ પછી મને એ ફાવી ગયું. લોકો સામાન્ય રીતે જેનુ કુય્યો હાડુ [મધ ભેગું કરવાનું ગીત] ગાતાં ગાતાં ઝાડ તરફ જાય છે. હું એ ગીત ક્યારેય નહોતો શીખ્યો.” સોલિગા સમુદાયના લોકો પરંપરાગત રીતે મધ ઉતારવામાં કુશળ હોય છે. પણ અરુણના પિતા, 53 વર્ષીય એમ. સન્નરંગે ગૌડા, આ કામમાં લાંબા સમય સુધી જોડાયેલા નહોતા.
ગૌડા ચામરાજનગર જિલ્લામાં એક ખેડૂત અને સામાજિક કાર્યકર છે. 1970ના દાયકામાં, સરકારે સોલિગા આદિવાસીઓને જંગલની અંદર પોડુ (નાના વસવાટ)માં સ્થાયી થવા અને સ્થળાંતરિત ખેતી છોડી દેવા માટે દબાણ કર્યું હતું. તેમનો પરિવાર 1974થી યળંદુર તાલુકાના મુત્તુગદગદ્દુ પોડુમાં તેમને મળેલી બે એકર જમીન પર ખેતી કરતો આવ્યો છે.

Courtesy: Arun
ગૌડા કહે છે, “અમે અવરેકાઈ (વાલ), જોળા (જુવાર), તોગરી (તુવેર), રાગી (બાજરી) જેવા પાક ઉગાડતા હતા. પણ હાથી અને ભૂંડ એ પાકને બરબાદ કરી નાખતાં. એટલે, 1990ના દાયકામાં અમે કોફીની ખેતી તરફ વળ્યા.”
શાળા છોડ્યા પછી અરુણ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા − વાવણી, કાપણી, આસપાસની સફાઈ, નિંદામણ, કૉફીના બીજ તોડવાનું કામ. તેમણે બીજાં નાનાં-મોટાં કામ કરીને પૈસા કમાવવાનો પ્રયત્ન કર્યો. “મને જે પણ કામ મળ્યું તે મેં કર્યું, ઝાડ કાપવાનું, લાકડાં કાપવાનું, મધ ઉતારવાનું, પાચી (એક પ્રકારની વનસ્પતિ) ભેગી કરવાનું. કોઈક દિવસ મને 1,000 રૂપિયા પણ મળી જતા, પણ આવક ક્યારેય નિયમિત નહોતી.”
કાર્યકર અને આ સમુદાયના પ્રથમ PhD વિદ્વાન ડૉ. સી. માદેગૌડા કહે છે, “યુવાન સોલિગા લોકોને બહાર કામ નથી મળતું. તેમની પાસે બીજી કોઈ કુશળતા નથી, અને શિક્ષણ નોકરીની ખાતરી નથી આપતું,”
18 વર્ષની ઉંમરે, અરુણે સ્થળાંતર કરવાનું શરૂ કર્યું, પહેલાં બેંગ્લોરમાં બાંધકામ મજૂર તરીકે અને પછી કર્ણાટક અને કેરળમાં કૉફી અને મરીના વાવેતરમાં. તેઓ લણણી પછી માર્ચ-એપ્રિલમાં પાછા ફરતા.
આ મહિનાઓ તેમના ગામમાં મધ ભેગું કરવાની ઋતુના હોય છે.

M. Palani Kumar

M. Palani Kumar
અરુણ કહે છે, “દરેક ફેરામાં મધપૂડા મળે જ એવું જરૂરી નથી. ઋતુના દરેક દિવસે જંગલમાં પણ નથી જવાતું. મહિનામાં માંડ ચાર-પાંચ વાર જવાય છે. અમે સવારે 15 કિલોમીટર સુધીના આસપાના વિસ્તારમાં જેનુ ગુડુ (મધપૂડા) તપાસવા જતા, ઘરે પાછા આવતા, અને સાંજે મધ એકઠું કરવા પાછા જતા. પણ ઘણી વાર, અમે બે-ત્રણ દિવસનું ખાવાનું લઈને જંગલમાં ઊંડે સુધી જતા.”
તેમની કમાણી તેમને મળેલા મધપૂડાની સંખ્યા અને કદ પર આધાર રાખતી હતી. તેઓ એક ફેરામાં 60-70 કિલોગ્રામ મધ એકઠું કરી શકતા હતા. ઘરે પહોંચ્યા પછી, તેઓ તેને સ્વચ્છ કપડાની જાળીથી ગાળીને ડબ્બામાં ભરતા. આ મધ તેઓ એક એજન્ટને 200થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતા, અને પૈસા સરખે ભાગે વહેંચી લેતા.
અરુણ એ ગોઝારા દિવસને યાદ કરીને કહે છે, “મારા ત્રણ મિત્રો મારી સાથે હતા. પડ્યા પછી મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો. પણ હું પીઠના બળે જમીન પર પટકાયો હતો અને પીડા અસહ્ય હતી. મારાં હાડકાં ભાંગી ગયાં હતાં. હું જરા પણ હલી શકતો ન હતો. રાત પડી ગઈ હોવાથી મારા મિત્રો કલાકો સુધી મારી સાથે રહ્યા, જંગલી જાનવરોથી બચવા માટે તાપણું કર્યું. સવારે, ગામના લોકો આવ્યા અને પછી એમ્બ્યુલન્સ મને હોસ્પિટલ લઈ ગઈ.” એટલે કે, નજીકના વિવેકાનંદ ટ્રાઇબલ હેલ્થ સેન્ટર (VTHC)માં.

M. Palani Kumar
તેમના પિતા કહે છે, “એ સવારથી હોસ્પિટલના ધક્કા ચાલુ જ છે.” VTHCના ડૉક્ટરોએ જોયું કે અરુણે કમરથી નીચેના ભાગની બધી શક્તિ ગુમાવી દીધી હતી. તેમની કરોડરજ્જુને ગંભીર નુકસાન થયું હતું. એમ. સન્નરંગે ગૌડા કહે છે, “તેમણે અમને ચામરાજનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (CIMS)માં મોકલ્યા. ત્યાં, ડૉક્ટરોએ કહ્યું કે તેનું હાડકું ફસાઈ ગયું છે અને તેને ઓપરેશનની જરૂર છે. અને એક નસ પણ કપાઈ ગઈ હતી. હોસ્પિટલે રિપોર્ટ રાખી લીધા. અમને દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવ્યાં.”
તૂટેલી કરોડરજ્જુની નળીને ઠીક કરવા અને નસોને વધુ નુકસાન થતું અટકાવવા માટે CIMSમાં સર્જરી પછી, અરુણ VTHCમાં પાછા ફર્યા. ત્યાં, સ્ટાફે તેમના પરિવારના મુખ્ય સંભાળ રાખનારાઓને તાલીમ આપી, જેમાં અરુણનાં યુવાન પત્નીનો પણ સમાવેશ થતો હતો.

M. Palani Kumar

M. Palani Kumar
તેમના ભયાનક અકસ્માત સમયે તેમનાં લગ્નને માંડ છ મહિના થયા હતા. “તેની પત્ની તેની પૂરેપૂરી સંભાળ રાખતાં હતાં, પણ પછી...” અરુણનાં માતા, 45 વર્ષીય મસનમ્મા, એ વાક્ય પૂરું કરી શકતાં નથી. “અમે આખો દિવસ જંગલમાં હોઈએ છીએ. તે ઘરે રહે છે, મોબાઈલ જુએ છે. પહેલાંની જેમ હવે કોઈ મિત્રો તેને મળવા નથી આવતા. તે કંટાળી જાય છે, લાચારી અનુભવે છે. હું કંઈ નથી કરી શકતી. મને ચિંતા થાય છે. બસ એટલું જ,” તેઓ કહે છે.
અરુણ કહે છે, “ડૉક્ટરોએ મારાં માતાપિતાને શું કહ્યું એ મને ખબર નથી. મને તેમણે એટલું કહ્યું હતું કે હું મારા પગ પર ફરી ઊભો થઈ શકીશ. તેમણે મને ચાલવાનો પ્રયત્ન કરવાનું કહ્યું હતું. પણ કોઈ ટેકો નહોતો, એટલે મેં પ્રયત્ન જ નહોતો કર્યો. તેમની આંગળીઓ તેમની વ્હીલચેરના ડાબા હાથા પર પડેલી કેથેટર બેગની પ્લાસ્ટિકની નળી સાથે રમી રહી છે.
સર્જરી પછી તરત જ અરુણને પેશાબ રોકાઈ જવાની સમસ્યા થઈ. VTHCના ડૉક્ટરોના તેને હલ કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા. અરુણના પેટના નીચેના ભાગમાં દુઃખદાયક અને સ્પષ્ટપણે દેખાઈ આવે એવો સોજો હતો. જૂન 2024માં હોસ્પિટલના ધક્કાનો બીજો દોર શરૂ થયો. પહેલાં CIMS; પછી મૈસુરુની કે. આર. હોસ્પિટલના યુરોલોજિસ્ટ પાસે, જ્યાં તેમને વધુ તપાસ માટે દાખલ કરવામાં આવ્યા અને પાંચ દિવસ પછી રજા આપવામાં આવી.

M. Palani Kumar

Pratishtha Pandya
આ સમસ્યા જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન વારંવાર થતી રહી. દરેક વખતે, અરુણને મૈસુરુમાં યુરોલોજિસ્ટની દેખરેખ હેઠળ થોડા દિવસો માટે દાખલ કરવામાં આવતા. ઘણી વાર, તેમને ચેપ લાગતો જેના માટે એન્ટિબાયોટિક્સથી સારવારની જરૂર પડતી. ક્યારેક તેમનું બ્લડ પ્રેશર વધી જતું, જેના માટે ગભરામણ ઓછી કરવાની દવાઓ આપવી પડતી. તેમની સંભાળ રાખવી વધુ મુશ્કેલ બની ગઈ.
અરુણના પિતા કહે છે, “એક વાર પેશાબની સમસ્યા શરૂ થઈ, પછી અમારે મૈસુરુના ઘણા ધક્કા ખાવા પડ્યા. સરકારી હોસ્પિટલોમાં સારવાર મફત છે, પણ વાહનવાળા ચામરાજનગર પહોંચવાના 3,000 રૂપિયા અને મૈસુરુના 5,000 રૂપિયા લે છે. તેમાં ખાવા-પીવાનો અને રહેવાનો ખર્ચ ઉમેરો... દરેક ફેરામાં ઓછામાં ઓછા 10,000 રૂપિયાનો ખર્ચો થતો.”
ડૉ. માદેગૌડા કહે છે, “સરકાર અરુણ જેવા લોકો માટે કંઈ ખાસ કરતી નથી. વાઘના હુમલામાં કે હાથીના હુમલામાં લગભગ 20 લાખનું વળતર મળી શકે છે. લાર્જ એરિયા મલ્ટિપર્પઝ સોસાયટીઓ પણ ગંભીર અકસ્માતો અને આરોગ્ય સમસ્યાઓને આવરી લેતી વીમા પોલિસીઓ આપે છે. પણ જો તમે મધ ઉતારતી વખતે ઝાડ પરથી પડો તો કોઈ વીમો કે વળતર નથી મળતું.” બીઆર હિલ્સ સહિત સમગ્ર ભારતમાં આદિવાસી વનપેદાશ એકત્ર કરનારાઓ આ સમસ્યાઓનો સામનો કરે છે. “અરુણ પહેલાં, કેરેડિમ્બા પોડુમાં એક બીજો છોકરો ઝાડ પરથી પડ્યો હતો અને તેણે પોતાનો પગ ગુમાવ્યો હતો.” સહકારી મંડળી ક્યારેક વળતર તરીકે 2,000 - 3,000 રૂપિયા આપે છે, પણ એનાથી ગુજરાન ચલાવી શકાતું નથી.

Pratishtha Pandya
તેમના પિતા કહે છે, “ડૉક્ટરો [અરુણની સમસ્યાને] માત્ર આંશિક રીતે જ સુધારી શક્યા. કે.આર. હોસ્પિટલવાળા કહે છે કે તેમને મોટી હોસ્પિટલમાં સારવારની જરૂર છે. અમારી પાસે પૈસા નથી. હવે [VTHCના] એક ડૉક્ટર દર ત્રણ મહિને તેમનું કેથેટર બદલવા આવે છે, અને કોઈ ચાર્જ લેતા નથી. જ્યારે ગંભીર રીતે પેશાબ અટકી જાય, ત્યારે અમારે ચામરાજનગર જવું પડે છે.”
અરુણના દિવસોનો એ જાણીતો લય હવે સંપૂર્ણપણે ખોવાઈ ગયો છે.
તેઓ કહે છે, “હું સવારથી અહીં બેસી રહું છું, ક્યારેક મારી ખુરશીને મુખ્ય દરવાજા સુધી ખેંચી જાઉં છું. અથવા થોડી વાર તડકામાં બેસું છું. પછી હું ઓરડીમાં પાછો આવું છું. પહેલાં, બધા [મુખ્ય ઘરમાં] સાથે રહેતા હતા. ઈજા પછી - કોઈ નહીં. હું મોબાઈલમાં કંઈક ને કંઈક જોયા કરું છું. આ ઓરડી પહેલાં બનાવેલી હતી. હું અહીં રહેવા આવી ગયો, એમ વિચારીને કે હરવા-ફરવામાં સરળતા રહેશે. પણ કોઈ સાથ આપવાવાળું નથી. મને મારી આ હાલત ગમતી નથી.”
અરુણ કહે છે, “મારી પત્ની પણ મને છોડીને જતી રહી. તે મારી સંભાળ રાખતી હતી. પણ જ્યારે પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થયો, ત્યારે તે જતી રહી. એક વાર તેણે મને ફોન કરીને કહ્યું, ‘તમે સાજા થઈ જશો એટલે હું પાછી આવીશ.’ તેને ગયાને ત્રણ મહિના થઈ ગયા છે.” અરુણનો અવાજ પણ તેમના શરીર જેવો જ નરમ અને નાજુક છે.

M. Palani Kumar

M. Palani Kumar
અરુણનાં માતા કહે છે, “હું તેમને સવારનો નાસ્તો અને રાતનું જમવાનું આપું છું. હું તેમને નવડાવું પણ છું. જો તેમને શૌચાલય જવું હોય તો તેમના પિતા સંભાળી લે છે.” હું તેમની ઓરડીમાં એડલ્ટ ડાયપરની એક થેલી લટકતી જોઉં છું. તેમના પિતા કહે છે, “અમે દર મહિને તેના પર 1,500 રૂપિયા ખર્ચીએ છીએ.”
“તેમની બહેનો દિવસમાં 5-10 મિનિટ તેમની સાથે વાત કરે છે, તેમને કૉલેજનું કામ હોય છે.” તેમનાં માતા થોડી વાર અટકે છે અને પછી કહે છે: “અમે બસ એટલું જ ઇચ્છીએ છીએ કે તેઓ થોડું ચાલી શકે અને પોતાની રીતે હરીફરી શકે.”
“એના માટે અમારે મોટી હોસ્પિટલની જરૂર છે,” તેમના પિતા ઝડપથી કહે છે.
“હવે હું તેમને દાખલ નહીં કરું,” એમના મા થોડા કઠોર સ્વરે કહે છે. “છેલ્લી વાર અમે તેમને દાખલ કર્યા હતા ત્યારે, કંઈ બદલાયું નહોતું. હું એ બધું ફરીથી કરવા તૈયાર નથી.”
“મારી પત્નીને હોસ્પિટલો ગમતી નથી, એટલે તેઓ...” ગૌડા સમજાવવાનું શરૂ કરે છે.

M. Palani Kumar

M. Palani Kumar
તેઓ વાત પૂરી કરે એ પહેલાં જ મસનમ્મા વળતો જવાબ આપે છે, “ત્યાં તેમની સંભાળ કોણ રાખશે? કોઈ નહીં. જો અમે જઈએ, તો અહીં આ બધું સંભાળનારું કોઈ નથી. અમે આ કરી શકીએ તેમ નથી. અમારા માટે તે મુશ્કેલ છે.” અને તેઓ અચાનક ઊભા થઈને વાવેતરનું કામ સંભાળવા ચાલ્યાં જાય છે. જાણે પોતાના કામમાં, પોતાના દુઃખનો ઈલાજ શોધી રહ્યાં ના હોય!
પરંતુ અરુણ પાછા કામે વળગી શકે એમ નથી. તેમણે તો રાહ જોવી રહી. કોઈ તેમની સંભાળ લે તેની. સમય પસાર થાય તેની.

M. Palani Kumar

M. Palani Kumar

M. Palani Kumar
જોતજોતામાં ફરી આવી પહોંચશે માર્ચ મહિનો, અને બેસશે જાંબુડાનાં ઝાડ મોહર ફરીથી. તેમનાં સુગંધિત, આછાં પીળાં ફૂલોનો રસ ચૂસવા ટેકરીઓ પર ઉમટી પડશે યાયાવર ઇન્ડિયન રોક બી (ભમરી મધમાખી). બીઆર હિલ્સનાં જંગલોમાં ઉતરશે મધ ઉતારવાની વધુ એક ઋતુ. અરુણના યુવાન મિત્રો ઊંચાં ઝાડ તરફ ફરી એક વાર કૂચ કરશે. અને ફરી એક વાર, જંગલમાં ગુંજી ઉઠશે મંત્રમુગ્ધ કરતાં સૂર જેનુ કુય્યો હાડુના :
બોલાવો, બોલાવો એને, ઓ હાક નાખનારા...
લીલેરા જંગલના એ માણસને બોલાવો...
આ લટકતા મધપૂડામાં મધ છે મીઠું...
આ લટકતા મધપૂડામાં મધ છે મીઠું...
લટકતો મધપૂડો, એનું ઘટ્ટ મધ મધમીઠું ...
લટકતો મધપૂડો, એનું ઘટ્ટ મધ મધમીઠું ...
બોલાવો, બોલાવો એને, ઓ હાક નાખનારા...
અરુણને આ ગીત ત્યારે પણ નહોતું આવડતું; અને હવે તેઓ એ ગાવાના નથી ...

M. Palani Kumar

M. Palani Kumar

M. Palani Kumar

M. Palani Kumar
લેખિકા અરુણ અને તેમના પરિવાર, અને વિવેકાનંદ ગિરિજન કલ્યાણ કેન્દ્ર બીઆર હિલ્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ, બેંગલોરના ડૉ. તાન્યા શેષાદ્રી, ડૉ. સંગીતા વી., સોલિગા સમુદાયના કાર્યકરો કરણ કેથેગૌડા, તેમજ મહાદેવમ્મા કુંબેગૌડા, અને ડૉ. પ્રથમેશનો આ વાર્તા લખવામાં તેમના અમૂલ્ય સહયોગ બદલ આભાર માને છે. તેઓ વાર્તા લખવાના વિવિધ તબક્કે અનુવાદમાં મદદ કરવા બદલ ડૉ. શોભના કિરણ, શંકર કેંચનુર અને દીપાનો પણ આભાર માને છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/the-broken-winged-bird-of-br-hills-guj

