NEETની પરીક્ષામાં થયેલી મોટા પાયે ગેરરીતિઓથી લાખો વિદ્યાર્થીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જેઓ પછાત અને વંચિત પરિવારોમાંથી આવે છે. કેટલાક માટે, તો આ માત્ર તેમના અભ્યાસનો જ નહીં, પરંતુ તેમના જીવનનો પણ અંતિમ અધ્યાય બની ગયો
સના શેખનું એક સપનું હતું. 19 વર્ષીય સના હોસ્પિટલ ખોલીને તેનું નામ તેમના પિતાના નામ પર જાફર હુસૈન પર રાખવા માંગતાં હતાં.
પોતાના વ્યવસાયમાં ભારે નુકસાન વેઠ્યા પછી, 50 વર્ષીય હુસૈન આશરે 12 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશના પોતાના ગામ પ્રોદ્દાતુરથી રોજગાર માટે કુવૈત ગયા હતા.
પોતાની દીકરીઓને સારું શિક્ષણ આપવાની ઇચ્છા સાથે, તેમનાં પત્ની, 40 વર્ષીય હબીબુન નિસા શેખ, પોતાની ત્રણ દીકરીઓ સાથે હૈદરાબાદ રહેવાં આવી ગયાં. તેઓ ત્યાં પોતાની માતાના ઘરની બાજુના જ એક એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં.
હબીબુન નિસા કહે છે, “સના તેમના પિતાની ખૂબ જ નજીક હતી. બંને દરરોજ સવારે એકબીજા સાથે વાત કરતાં હતાં. સના જાણતી હતી કે તેમના પિતાએ કેટલાં બલિદાન આપ્યાં છે. નુકસાન વેઠ્યા પછી તેમણે દૂર જવું પડ્યું હતું, તેથી તેઓ પોતાની સફળતા તેમને સમર્પિત કરવા માંગતાં હતાં.”
3 મે, 2026ના રોજ, જ્યારે સના પરીક્ષા ખંડમાંથી બહાર આવ્યાં, ત્યારે તેમણે સૌથી પહેલો ફોન કુવૈતમાં રહેતા તેમના પિતાને કર્યો. હુસૈન કહે છે, “તેણે ખૂબ જ ઉત્સાહ અને ખુશીથી મને કહ્યું કે તેનું પેપર ખૂબ જ સારું ગયું છે. મેં તેને કહ્યું કે તે તેની માતા સાથે ઉજવણી કરે અથવા કોઈ હોટલમાં જઈને જમી આવે.”




















