છોટુ યાદવ કહે છે, "લોકો માને છે કે અમે એક પરીક્ષા કે એક નોકરી માટે [આ કૂચમાં જોડાવા] આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કારણ કે અમારું ભવિષ્ય પણ મહત્વનું છે એ માનવું દર વર્ષે વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે."
27 વર્ષના આ યુવાને ટ્રેનના ભીડભાડવાળા જનરલ ડબ્બામાં બિહારના સિવનથી દિલ્હી સુધીની બે દિવસની મુસાફરી કરી છે. છોટુ કહે છે, "આપણા ગામડાઓમાં, યુવાનો કાં તો સ્થળાંતર કરવા મજબૂર બને છે અથવા તો એ તકોની રાહ જોતા બેસી રહે છે જે ક્યારેય આવતી જ નથી."
ભારતના યુવાનોની ચિંતાઓને સીધી સંસદમાં, જ્યાં 20 મી જુલાઈ, 2026 થી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યાં લઈ જવાની કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) ની હાકલથી "ચલો સંસદ [સંસદ ભણી કૂચ]!" ની શરૂઆત થઈ હતી.
આ વિરોધ હવે સીજેપીથી આગળ વધીને દેશભરના શહેરોમાં ફેલાઈ ગયેલા આંદોલનમાં ફેરવાઈ ગયો છે.
વારંવાર પરીક્ષાના પેપર લીક થવાને કારણે શરૂ થયેલું આ આંદોલન ફક્ત આ મુદ્દા સુધી સીમિત ન રહેતા તે બેરોજગારી, સરકારી ભરતીમાં વિલંબ અને આંદોલનકારીઓ જેને જાહેર સંસ્થાઓ, વ્યાપક પ્રણાલી અને શાસન વ્યવસ્થા પ્રત્યે વધતા જતા અવિશ્વાસના સંકટ તરીકે વર્ણવે છે તેની વિરુદ્ધ એક વ્યાપક ઝુંબેશ બની
ગયું. આ આંદોલન ઘટતી જતી તકો, ગામડાઓમાંથી વધતા જતા સ્થળાંતર અને યુવાનોને, ખાસ કરીને ગ્રામીણ ભારતના યુવાનોને, તેમના ભવિષ્યને આકાર આપતા નિર્ણયોથી દૂર રાખવામાં આવી રહયા છે એવી લાગણી અંગે હતાશા વ્યક્ત કરવા માટેનો એક મંચ બની ગયું.
પાલીની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મેડિસિનના છેલ્લા વર્ષના વિદ્યાર્થી 25 વર્ષના ધીરમ કહે છે, "હું દિલ્હી આવ્યો કારણ કે હું નથી ઈચ્છતો કે મારા જેવા ગામડાના યુવાનોને ભવિષ્ય પરથી ભરોસો ઊઠી જાય." તેઓ તેમના મિત્ર વિનયન શાખાના વિદ્યાર્થી 24 વર્ષના આશુ રામ સાથે દિલ્હી આવ્યા. 15 કલાકની આખી રાતની મુસાફરી પછી આ બંને 19 મી જુલાઈના રોજ બપોરે દિલ્હી પહોંચ્યા.


























