અમે નવાનગરના ગોરી રાજ
અચકોમચકો કાં રે અલી ?
અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકોમચકો કાં રે અલી ?
તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?
અમને શામળી કન્યા ગમશે રાજ
અચકોમચકો કાં રે અલી
લગ્ન પ્રસંગોમાં ગવાતા આ ગુજરાતી લોકગીતને ૧૯૭૦ના દાયકાની સોન કંસારી અને રખાયત બાબરિયાની લોકપ્રિય કરુણ પ્રેમકથા પર આધારિત ગુજરાતી ફિલ્મ 'સોન કંસારી' એ લોકપ્રિય બનાવ્યું હતું. સ્ત્રી અને પુરુષ નર્તકોના બે જૂથ વચ્ચે વારાફરતી સંગીતમય સવાલ જવાબના રૂપમાં રજૂ કરાયેલ, આ ગીત સુંદરતા, ઇચ્છનીયતા અને લગ્ન વિષયના પરંપરાગત વિચારોની જ વાત કરે છે. પરંતુ અહીં પ્રસ્તુત ગીત લોકગીતોની શૈલીના સ્વભાવ મુજબ પરંપરાગત લિંગ ભૂમિકાઓમાં ઉથલપાથલ કરી રહ્યું છે. અહીંયા જાગૃત ગામડાની સ્ત્રીઓ પોતાના હક માટે દાવો કરે છે, તેમના વિવિધ અધિકારોની માંગ કરે છે. ગૌરવ અને આદર સાથે જીવવા માટે, મિલકત અને જમીનની માલિકી મેળવવા માટે. સાંસ્કૃતિક ધરોહરને સંભાળતી વખતે તેઓ તેમના ભૌતિક વારસાનો દાવો કરવાનું તેઓ ભૂલતી નથી.
આપણે આજસુધીના વિશ્વના ઈતિહાસમાં જોયું છે કે પ્રતિરોધ સાથે સંકળાયેલા ગીતોએ શોષિતોની આઝાદીની શોધમાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે. નંદુબા જાડેજા અને અન્ય મહિલાઓ દ્વારા રજૂ કરાયેલું આ ગીત 2017માં કચ્છ મહિલા વિકાસ સંગઠન જે મહિલાઓ સાથે કામ કરી રહ્યું હતું તેમનામાં નવી જાગૃતિનો માર્ગ કરી આપવામાં મદદરૂપ થયું હતું.


