…મોનયુલ સોલે ગ્યા લો
મોનયુલ સોલે ગ્યા લો
[...અમર હો મોનપા ભૂમિ
અમર હો મૉન્યુલ]
શાળાની પ્રાર્થનાસભામાં આ છેલ્લું ગીત છે જેને સાંભળીને મારા મનમાં ઘણા પ્રશ્નો થાય છે. એટલા માટે નહીં કે તે અજાણ્યું છે અથવા તો અથવા તો એ જે ભાષામાં ગવાયું છે એને હું જાણતી નથી, પરંતુ એટલા માટે પણ કે આ હિમાલયની ખીણમાં સ્થાનિક લોકો જે ભાષા બોલતા મેં સાંભળ્યા છે તેના કરતાં પણ આનો ધ્વનિ ઘણો અલગ છે. હું પશ્ચિમ કામેંગ જિલ્લાના ચુગ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મોનપા લોકોના જીવનનું દસ્તાવેજીકરણ કરી રહી છું.
જુલાઈ મહિનાના અંતમાં, ગુરુવારની વહેલી સવાર છે. હું ત્યાં છું જે અરુણાચલ પ્રદેશનું સૌથી રમણીય ગામ માનવામાં આવે છે. સરકારી શાળાના શિક્ષક નવાંગ ત્સેરિંગની બાઇક પર પાછળ બેસીને, હું ચુગથી લગભગ 6 કિલોમીટર દૂર રામા કેમ્પમાં આવેલી પી.એમ. શ્રી સરકારી માધ્યમિક શાળામાં પહોંચી છું. આસપાસનાં ગામડાંનાં ઘણા બાળકો દરરોજ સવારે ચાલીને આ શાળાએ આવે છે.
સવારના 9 વાગ્યા છે, સભાનો સમય છે અને હું દિવાલની બને તેટલી નજીક રહેવાનો પ્રયાસ કરી રહી છું, જે મંચ પરથી કાર્યક્રમનું નેતૃત્વ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓની બરાબર પાછળ છે. મારી સામે લીલાછમ પહાડો, આસમાની રંગનું આકાશ અને સફેદ ચોખ્ખાં વાદળો છે, જે વિદ્યાર્થીઓના ગણવેશના રંગો સાથે મેળ ખાય છે. તેમાંથી 260 વિદ્યાર્થીઓ હવે સુઘડ હરોળમાં ગોઠવાઈ ગયા છે.





