સંભલ નગરની પડોશમાં, હાડકા અને શિંગડામાંથી બનતી વિવિધ વસ્તુઓ જેમ કે બટન, બીયર ટમ્બલર, ઘર સજાવટની વસ્તુઓ અને રસોઈના વાસણો માટે પ્રખ્યાત સરાઈ તરીનમાં મોહમ્મદ ઈસ્લામની નાનકડી, ભાડાની દુકાન પર ગ્રાહકોનો પ્રવાહ સતત ચાલુ રહે છે. ત્યાં પીપરમીટ લેવા આવેલા બાળકો છે અને દૈનિક રાશન લઈ રહેલા પુખ્ત વયના લોકો છે. ઉપરાંત ઈસ્લામ બેઠા છે તેની ઉપર હાથેથી ચીતરેલા પાટિયા પર લખ્યા પ્રમાણેનો બારીક દાંતનો કાંસકો - સિંગ કી કંગી [ભેંસના શિંગડામાંથી બનેલા કાંસકા] ખરીદવા માગતા કેટલાક વૃદ્ધ પુરુષો છે.
60 વર્ષના ઈસ્લામ સરાઈ તરીનમાં શિંગડામાંથી કાંસકા બનાવવામાં કુશળ છેલ્લા કારીગરોમાંના એક છે. તેમના લાંબા સમયના સાથી, ઉંમરના 70 ના દાયકાના અંતમાં પહોંચેલા મકસૂદ ખાન આ કાંસકા પૂરા પાડનાર બાકી રહેલા થોડા વિક્રેતાઓમાંના એક છે.
ઈસ્લામ હુક્કાનો કશ લેતા કહે છે, "આ કલાના ગુજરી ગયેલા કારીગરો કલાને પોતાની સાથે લઈ ગયા છે - તેને પુનર્જીવિત કરનાર કોઈ નથી. તમે આખાય સરાઈ તરીનમાં ફરી વળો પરંતુ જો તમે શિંગડામાંથી કાંસકા બનાવનાર કારીગરને શોધતા હશો તો બધા તમને મારી પાસે જ મોકલશે."
2022 માં આ કલાને જ્યોગ્રાફિક ઈન્ડિકેશન (જીઆઈ) ટેગ (ભૌગોલિક સંકેત) આપવામાં આવ્યો હતો, જીઆઈ ટેગ એ બૌદ્ધિક સંપદા સંરક્ષણનું એક સ્વરૂપ છે જે ઉત્પાદનોને તેમના મૂળ સ્થાનના આધારે અલગ પાડવામાં મદદ કરે છે. ઉત્તર પ્રદેશ સરકારની હસ્તકલા માટેની વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ (એક જિલ્લો, એક ઉત્પાદન) યોજના હેઠળ પણ શિંગડા અને હાડકામાંથી ઉત્પાદનો બનાવવાની હસ્તકલાને સંભલની વિશેષ કલા તરીકે પ્રોત્સાહન આપવામાં આવે છે.
ઈસ્લામ રમતિયાળ રીતે એક સામાન્ય વાક્ય ટાંકે છે, "જિસકે સર પર બાલ, ઉસકી કંગી [જેને વાળ હોય તેને કાંસકો જોઈએ]. એક સમય હતો જ્યારે કાંસકા દરેક જગ્યાએ જોવા મળતા - દરેકેદરેક શેરીને ખૂણે અને દરેકેદરેક ચાર રસ્તે."
તેમની દુકાન - જે તેમની વર્કશોપ પણ છે - તે દર મહિને 2000 રુપિયાના ભાડે રાખેલ છે, તેઓ ક્યારેક દુકાનદારની તો ક્યારેક કારીગરની એમ બંને ભૂમિકા સતત અદલબદલ કરતા રહે છે. હાલ તેમની સામે તેમની હસ્તકલાના સાધનો ફેલાયેલા છે: અનેક પ્રકારની આરી (કરવત), રેઈત (ટાંકણું ફરસી), છિલ્લી (સ્ક્રેપર), રેગમાલની શીટ (કાચપેપર), અને અડ્ડા (લાકડાનું પાટિયું) જે કાંસકા ગોઠવવા માટે વપરાય છે.




























