સેબંતી રાયના ખભાઓમાં રહેલી અસમાનતા સૌપ્રથમ તેમના નૃત્ય શિક્ષકના ધ્યાનમાં આવી હતી. એક ઉભરતી નૃત્યાંગના તરીકે તેમના નૃત્યની મુદ્રાઓમાં કંઈક ખામી જણાતી હતી. થોડા સમય પછી, 13 વર્ષની વયે, તેમને સ્કોલિયોસિસ (પાર્શ્ર્વખૂંધ) હોવાનું નિદાન થયું. સેબંતી હસતાં હસતાં તે દિવસોને યાદ કરતાં કહે છે, “શરૂઆતમાં તો હું આ નિદાનથી અજીબ રીતે ખુશ હતી, કારણ કે મારા બાળપણના આદર્શ, હૃતિક રોશન [એક પ્રખ્યાત ફિલ્મ સ્ટાર જે તેમના નૃત્ય કૌશલ્ય માટે જાણીતા છે]નેપણ આ જ બીમારી હતી.”
જ્યારે હૃતિક રોશન 21 વર્ષના હતા ત્યારે તેમને સ્કોલિયોસિસ હોવાનું નિદાન થયું હતું, અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ક્યારેય નૃત્ય નહીં કરી શકે. સ્કોલિયોસિસમાં કરોડરજ્જુ એક બાજુ વળી જાય છે. આમ તો દરેક વ્યક્તિની કરોડરજ્જુમાં કુદરતી વળાંક હોય જ છે, પરંતુ આ રોગથી પીડિત બાળકો અને કિશોરોમાં, કરોડરજ્જુ – અથવા તેના કેટલાક ભાગો – અસામાન્ય રીતે ‘S' કે ‘C' આકારમાં વળી જાય છે.
કિશોરાવસ્થામાં, સેબંતી એડોલેસન્ટ ઇડિયોપેથિક સ્કોલિયોસિસ (AIS)ની સર્જરી કરાવવા માટે દક્ષિણ 24 પરગણામાં આવેલા પોતાના ઘરેથી કોલકાતા ગયાં. આ પ્રક્રિયામાં, તેમની કરોડરજ્જુને સીધી કરવા માટે તેમની પીઠમાં બે સળિયા અને 14 સ્ક્રૂ નાખવામાં આવ્યા હતા.
12 વર્ષ પછી, તેઓ કહે છે, “હવે મને કંઈ જ તકલીફ નથી.” તેઓ વાત કરતાં કરતાં સ્મિત સાથે ઉમેરે છે, “જીવન એકદમ સામાન્ય છે. મેં સ્કોલિયોસિસ સાથે જીવતાં શીખી લીધું અને ફરીથી સામાન્ય જીવન જીવવા લાગી છું.” અમે પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર નામના એક શહેરમાં તેમના દાદાના ઘરની છત પર બેઠા છીએ, જ્યાંથી હુગલી નદી બંગાળની ખાડીમાં ભળતા પહેલાં પસાર થાય છે.
સ્કોલિયોસિસને કારણે સેબંતીની ચાલ બદલાઈ ગઈ, પરંતુ લાખો અન્ય દર્દીઓ માટે, આ રોગ અત્યંત પીડાદાયક, લાચાર બનાવનારો અને હૃદયની સમસ્યાઓ તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર મુશ્કેલીઓ નોંતરી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દર્દીઓ માટે તો, સાચું નિદાન કરાવવું એ જ પહેલું અને સૌથી મોટું પગથિયું બની જાય છે.


















