યેમા સોંગલ આ પત્રકારને પોતાના કસ્બાનો પરિચય કરાવે છે ત્યારે તેમના ચહેરા પર સતત સ્મિત રમતું રહે છે, "હું અહીં જન્મ્યો હતો.આ જંગલોમાં, આ ડોંગર [પર્વત] માં ભટકીને હું મોટો થયો છું," ગાઢ લીલી સહ્યાદ્રી પર્વતમાળાથી ઘેરાયેલા લાલ માટીના ટાઇલ્સની છતવાળા ઘરો - પ્રકૃતિ અને માનવ વસાહતનું નિર્મળ મિશ્રણ. તેઓ તેનાથી અજાણ છે, પરંતુ તે જૈવ વિવિધતાના વિશ્વના આઠ "હોટેસ્ટ હોટસ્પોટ" માંના એકનો એક ભાગ પણ છે.
કમનસીબે, તેમાંથી લગભગ 280 હેક્ટર ટૂંક સમયમાં જ પાણીમાં ગરકાવ થઈ જશે.
યેમા મહારાષ્ટ્રના (કાળભોંડે ગામ ગ્રામ પંચાયત હેઠળના) લાડેવાડી કસ્બામાં પોતાના ઘરની સામેના આંગણામાં ઉભા રહીને એક ટેકરી તરફ ઈશારો કરતા કહે છે, "અમારું ખેતર પેલા ડોંગર પાછળ છે." વરઈ (મોરૈયો) ઉગાડવા માટે તેમના નાનકડા ખેતરની દરેક સફર એ તેમના અને તેમના પત્ની સુલી માટે એક કલાકનું ચઢાણ છે - તેઓ બંને ઉંમરના 70 ના દાયકામાં પહોંચેલા આદિવાસીઓ છે. "આ ચોમાસાની ખેતી છે. અમને 5-6 બોરી [ક્વિન્ટલ] મળે છે." આ એક એકરથીય નાના આ ખેતરની કુલ ઉપજ છે જેના સહારે પરિવારના 15 સભ્યો - યેમા, સુલી, તેમના ચાર દીકરાઓ, ત્રણ પુત્રવધૂઓ અને છ પૌત્રો - નું ગુજરાન ચાલે છે - એક વર્ષ પછી બીજો પાક ન થાય ત્યાં સુધી. આ પરિવાર (ગુજરાન ચલાવવા માટે) ખેતર જેટલો જ આધાર જંગલ પર પણ રાખે છે.
તેઓ ઉમેરે છે, “જંગલ પણ અમારી જરૂરિયાતો પૂરી કરે છે - ફળો, રાન કંદ [જંગલી કંદ], શાકભાજી, શરદી, તાવ, ઘૂંટણના દુખાવાની સારવાર માટે ઔષધીય છોડ.” મા ઠાકુર અનુસૂચિત જનજાતિના યેમા અને 97 પરિવારોના તેમના સમુદાય માટે અહીં થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં તેમનું જીવન ટકાવી રાખવા માટે જંગલ જરૂરી છે. “અમે વૃક્ષો કાપતા નથી. બળતણ માટે અમે પડી ગયેલી ડાળીઓ એકઠી કરીએ છીએ. અમે માટી, ઇંટો અને જંગલના લાકડાથી પાકા ઘરો બનાવીએ છીએ; તે દાયકાઓ સુધી ટકી રહે છે.”




















