"અમે અમારી આખી જિંદગી દસ્તાવેજો રજૂ કરવામાં અને સરકાર અને સાથી નાગરિકો આગળ અમે અહીંના બીજા કોઈની પણ જેમ આ જ દેશના નાગરિકો છીએ એમ સાબિત કરવામાં જ વિતાવી છે."
બહારુલ ઇસ્લામ કચરો અલગ કરવામાં વ્યસ્ત છે. તેઓ પ્લાસ્ટિકની બાટલીઓ, ભીનો કચરો, પૂંઠા અને થર્મોકોલ બધાના અલગ-અલગ ઢગલાઓ કરે છે, દરેકને પ્લાસ્ટિકની અલગ-અલગ બોરીઓમાં નાખે છે. 35 વર્ષના બહારુલ આસામના બારપેટા, બોંગાઈગાંવ અને ગોલપારા જિલ્લાના 13 સ્થળાંતરિત પરિવારોનો ભાગ છે. તેઓ બધા હરિયાણાના અસાવરપુર નગરમાં જમીનના એક પ્લોટ પર એકસાથે રહે છે, અને કચરો વીણવો અને અલગ કરવો એ તેમની આજીવિકાનું સાધન છે.
બહારુલ કહે છે, "અહીંયા હોય કે પછી આસામમાં બંને જગ્યાએ લોકો હંમેશા અમારી ઓળખ પર સવાલ ઉઠાવે છે." તેઓ કહે છે કે અધિકારીઓ અવારનવાર તેમની ઝૂંપડપટ્ટીમાં આવીને દરેક જણની પાસેથી દસ્તાવેજોની માગણી કરતા રહે છે. તેઓ ઉમેરે છે, “અમે કચરો વીણવા જઈએ ત્યારે લોકો અમને પૂછે છે કે અમે ક્યાંના છીએ. આસામ સાંભળીને તેઓ માની લે છે કે અમે બાંગ્લાદેશી છીએ." તેઓ ઉમેરે છે કે અમારો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી એની ખાતરી કરવા પોલીસ ઘણી વાર અમને આસામથી પોલીસ વેરિફિકેશન લઈ આવવાનું કહે છે. બહારુલ કહે છે, "અમે શું કહીએ છીએ એનાથી કોઈ ફરક પડતો નથી." તેઓ આસામમાં નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ (એનઆરસી) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેનાથી વાકેફ છે પરંતુ તેઓ કહે છે કે તેઓ એ બાબતે ચિંતિત નથી કારણ કે તેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો છે.
એ જ કમ્પાઉન્ડમાં રહેતા ભાઈઓ રિયાઝ અને નૂર ઈસ્લામનું કહેવું છે કે બ્રહ્મપુત્રા નજીક આવેલી તેમની જમીનમાં સતત (પૂરના) પાણી ભરાતા ખેતી પર આધાર રાખવાનું અશક્ય બની જતા તેઓએ આસામ છોડી દીધું હતું. આ તરફ બરપેટામાં તેમના માતાપિતા 800 ચોરસ ફૂટ જમીન પર ખેતી કરે છે, જ્યાં તેઓ લીલા મરચાં, ટામેટાં અને બીજા શાકભાજીની ખેતી કરે છે. આ ભાઈઓ કહે છે, “ભારે વરસાદ દરમિયાન નદીનું પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય છે, અને અમારે ઘર છોડીને ત્યાંથી નીકળી જવું પડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અમે કેળાના ઝાડના થડિયાનો ઉપયોગ કરીએ છીએ." નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી) અનુસાર 1998 અને 2015 વચ્ચે આસામ રાજ્યમાં લગભગ 28.75 ટકા જમીન પૂરથી અસરગ્રસ્ત થઈ છે.














