નોંધ: આ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિ પરની લેખ શ્રેણીનો પ્રથમ ભાગ છે.
મલાજપુર નામના એક નાનકડા ખેતીપ્રધાન ગામમાં, બે કિશોરીઓ – 17 વર્ષીય સવી ધુર્વે અને 16 વર્ષીય આશા કોર્કુ (નામ બદલેલ) – વચ્ચે એક અનોખી દોસ્તી બંધાઈ છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં અહીંના મંદિરના મેળામાં મળ્યાં હતાં, જ્યાં બંનેના પરિવારો તેમને વળગાડ ઉતારવાની વિધિ માટે લાવ્યા હતા. આ બંને કિશોરીઓ અને તેમના પરિવારો માને છે કે તેમના પર કોઈ ભૂત-પ્રેતનો ઓછાયો છે.
સવી પોતાની સ્થિતિ સમજાવતાં કહે છે, “મને જાણે કોઈ રૂમમાં આમતેમ ફંગોળતું હોય એવું લાગતું અને હું વારંવાર બેભાન થઈ જતી. મારું શરીર દર્દથી વળી જતું અને જ્યારે હું ભાનમાં આવતી, ત્યારે મને કશું જ યાદ ન રહેતું.” સવી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ આશા વચ્ચે બોલી ઉઠે છે, “મારી સાથે પણ એવું જ થતું. મને પણ કશું યાદ ન રહેતું.”
તેઓ એકબીજા સામે જુએ છે અને ખડખડાટ હસી પડે છે – કોઈ કારણ વગર, બસ એમ જ. આ એ જ જાણીતી પ્રેમભરી-ઊર્જા હતી જે પાક્કા દોસ્ત હોય તેવા કિશોરોમાં જોવા મળે છે. આ બંને છોકરીઓ લગભગ એક મહિનાથી મંદિરના પરિસરમાં જ રહી છે. આ સમય દરમિયાન, તેઓ એકબીજાનો પડછાયો બની ગઈ છે – આરતી વખતે ખભેખભો મિલાવીને બેસવું, ગર્ભગૃહમાં દેવતાની પ્રદક્ષિણા કરતી વખતે કાનમાં ગમ્મત કરવી, અને એકબીજાનાં વાક્યો પૂરા કરતાં વાતો કરવી.
સવી પ્રેમથી આશા સામે જોઈને કહે છે, “એના પર જલદી અસર થઈ જાય છે...”
“– હું સમજાવી નથી શકતી કે –”
“– તમે આરતી વખતે જોજો –”
“– પણ હવે મને ઘણો ફરક છે –” આશા વાત પૂરી કરે છે, જાણે કહેવા માંગતી હોય કે મંદિરમાં વિતાવેલા એક મહિનાથી તેની સ્થિતિ સુધરી છે.
મલાજપુરનો ભૂત મેળો – જે સ્થાનિક રીતે ‘ભૂતોં કા મેલા’ તરીકે ઓળખાય છે – એ સદીઓ જૂની વાર્ષિક પરંપરા છે. તે માઘ પૂર્ણિમા (જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન આવતી પૂનમ) પર શરૂ થાય છે અને વસંત પંચમી (વસંતઋતુના આગમન) પર સમાપ્ત થાય છે. બેતુલ જિલ્લાના ચિચોલી બ્લોકમાં યોજાતો આ મેળો ગુરુસાહેબ બાબા અથવા દેવજી મહારાજ નામના એક સંતની સમાધિની આસપાસ ભરાય છે. એવું માનવામાં આવે છે કે તેમની પાસે ભૂત-પ્રેતથી ‘વળગેલા’ લોકોને સાજા કરવાની દિવ્ય શક્તિઓ હતી. અહીંના ગ્રામજનો માને છે કે દુષ્ટ આત્માઓ મંદિર પરિસરમાં આવેલા વડના ઝાડનાં પાંદડાંમાં કેદ થઈ જાય છે. આ મેળો મધ્યપ્રદેશ તેમજ પડોશી રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાનમાંથી હજારો શ્રદ્ધાળુઓને આકર્ષે છે.












