“કૌડી, કૌડી, કૌડી, કબડ્ડી, કબડ્ડી, કબડ્ડી….”
માટીના કુંડાળામાં અવાજો વધુ ને વધુ મોટા થઈ રહ્યા હતા – આ એ જગ્યા હતી જે રેડર્સ (ધાડ પાડનારા) અને સ્ટોપર્સ (રોકનારા) વચ્ચેના જંગનું મેદાન બની હતી. આ સ્થળ હતું દિલ્હીની બહાર સિંઘુ અને ટિકરી બોર્ડર પર ચાલી રહેલું 2020-2021નો ખેડૂત આંદોલન. અહીં કબડ્ડીની કોમેન્ટ્રી પ્રતિકારના નારાઓ અને ભાષણો સાથે ભળી ગઈ હતી, જ્યાં લાખો ખેડૂતો અને ખેતમજૂરો ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાયા ત્યાં સુધી વિરોધમાં અડીખમ ઊભા હતા.
સપ્ટેમ્બર 2021માં અઠવાડિયા સુધી ચાલેલી આ ટુર્નામેન્ટના અંતે, એક નવા ખેલાડીનો ઉદય થયો: હરિયાણાના રોહતકના શીલુ બલહારા. તેઓ આગળ જતાં પંજાબના કબડ્ડી સ્ટાર્સની હરોળમાં જોડાઈ ગયા, જ્યાં ઓછી આવક ધરાવતા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના યુવાનો આજે મજબૂત આર્થિક આધાર મેળવી રહ્યા છે.
પંજાબનાં ગામડાંના છોકરાઓ જે રમતો સૌથી પહેલાં શીખે છે તેમાંની એક છે સર્કલ-સ્ટાઇલ કબડ્ડી. તેની લોકપ્રિયતા તેની સાદગીમાં છુપાયેલી છે. તેમાં કોઈ સાધનસામગ્રીની જરૂર પડતી નથી – ઘણી વાર તો ખેલાડીઓ બૂટ પણ પહેરતા નથી. નિયમો સાવ સરળ છે, અને આ રમત માટી પર રમાય છે.
આ રમત શારીરિક રીતે ખૂબ જ મહેનત માંગી લે તેવી છે, અને આ જ વાત એવા યુવાનો માટે એક વધારાનું આકર્ષણ બને છે જેઓ કસાયેલું અને મજબૂત શરીર બનાવવામાં ગૌરવ અનુભવે છે. આ રમત — જે પંજાબ-સ્ટાઇલ કબડ્ડી તરીકે પણ ઓળખાય છે — મેળા, સામુદાયિક મેળાવડા અને સ્થાનિક ટુર્નામેન્ટમાં રમાય છે.
પંજાબમાં કબડ્ડીની સિઝન ખેતીના કામકાજની સાથે જ ચાલે છે. તે વાવણી પછી ઑક્ટોબરમાં શરૂ થાય છે અને લણણીના સમય, એટલે કે એપ્રિલ સુધી ચાલે છે.




















