માનોર ફાટા (જંક્શન) પર કડકડતી ઠંડીની સવાર છે અને ખેડૂતો હોલવાઈ રહેલા તાપણાની રાખની આસપાસ વીંટળાઈને બેઠા છે. આગલી રાતે હાડ થીજવી દે તેવી ઠંડી હતી, અને આ વહેલી સવાર પણ કંઈ ઓછી ઠંડી નથી. લક્ષ્મી દત્તુ બોબા તેનું વર્ણન કરતાં કહે છે, “જાણે ઉપરથી વરસાદ વરસી રહ્યો હોય અને કોઈ અમારા શરીર પર ટાઢું પાણી રેડી રહ્યું હોય તેવું હતું.”
ઠંડી તો આકરી હતી જ, પણ એથીય વધુ આકરી હતી 46 વર્ષીય આદિવાસી ખેડૂતના રોષની જ્વાળા -- જમીન, પાણી અને સૌથી અગત્યનું, મજૂરીકામના પ્રશ્નોને લઈને. તેમના જેવાં હજારો સ્ત્રી-પુરુષો પોતાના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે પાલઘર જિલ્લા કલેક્ટર કચેરી સુધી ચાલીને આવ્યા હતા. આ પ્રશ્નો હતા: તેમની જમીનના પ્લોટને નિયમિત કરવા, પીવાલાયક શુદ્ધ પાણી અને ખાસ કરીને મજૂરીકામની ઉપલબ્ધતા. આ એવા મુદ્દાઓ છે જે તેમના ગૌરવપૂર્ણ જીવનનો આધાર છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MNREGA)નો ઉલ્લેખ કરતાં ગુસ્સે ભરાયેલાં લક્ષ્મી કહે છે, “આખા વરસની તો વાત જ જવા દો, અમને રોજગાર હામી યોજના હેઠળ એક દિવસ માટે પણ કામ નથી મળતું.” કેન્દ્ર સરકારે તાજેતરમાં તેમાં માળખાકીય ફેરફારો કર્યા છે અને તેનું નામ બદલીને વિકસિત ભારત − જી રામ જી એક્ટ (VB-G RAM G) રાખ્યું છે, જેમાં કામની કાનૂની ગેરંટીમાંથી ફરી જઈને આ કાર્યક્રમ માટેના બજેટની ફાળવણીનો મોટો બોજ રાજ્યની સરકારો પર નાખી દીધો છે.
સી.પી.આઈ. (એમ) અને અખિલ ભારતીય કિસાન સભાના મહારાષ્ટ્ર એકમ દ્વારા આયોજિત આ વિરોધ કૂચમાં હજારો લોકો જોડાયા હતા. તેમની મુખ્ય માંગણીઓમાં વર્ષમાં 200 દિવસની રોજગારીની બાંયધરી અને ઓછામાં ઓછું રૂપિયા 600નું લઘુતમ વેતન શામેલ હતું. 19 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થયેલી આ કૂચ 21 જાન્યુઆરીએ જિલ્લા કલેક્ટર દ્વારા દરેક માંગણી પર વચનો મળ્યા બાદ સમાપ્ત થઈ હતી.












