54 વર્ષના કિરણ ગાહલા અને તેમના જેવા બીજા ઘણા આદિવાસી ખેડૂતો માટે આ પરિસ્થિતિ નવી નથી.
19 મી જાન્યુઆરી, 2026 ના રોજ તેઓ પાલઘર જિલ્લાના દોલ્હારી બુદ્રુક ગામમાં તેમના નાના ઘરમાંથી લાલ ટી-શર્ટ અને સ્કાર્ફ પહેરીને બહાર નીકળ્યા. બીજા આદિવાસી ખેડૂતોના ટોળા સાથે ત્યાં રાહ જોઈને ઊભેલ ટેમ્પો-ટ્રકમાં બેસીને તેઓ ચારોટિ ગામ જવા નીકળ્યા. ઓલ ઇન્ડિયા કિસાન સભા, મહારાષ્ટ્ર દ્વારા આયોજિત બીજી એક વિશાળ રેલી અહીંથી શરુ થવાની હતી.
અહીં હજારો ખેડૂતો છે, પ્રસાર માધ્યમોના અહેવાલો અને એઆઇકેએસના અનુમાનો મુજબ કદાચ 50,000 કે તેથી વધુ. તેઓ મુખ્યત્વે પાલઘર જિલ્લાના આદિવાસી સમુદાયોમાંથી આવે છે. જમીનના અધિકારોના બહેતર અમલીકરણની, મનરેગાને પૂર્વવત અમલી બનાવવાની, વાઢવણ બંદર યોજના રદ કરવાની અને પીવાના અને સિંચાઈના હેતુઓ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સહિતની બીજી માગણીઓ સાથે તેઓ કલેક્ટર કચેરીએ જવા પગપાળા નીકળ્યા હતા.











