સુડલઈ કાલી અથવા કબ્રસ્તાનની દેવીને ભોગ ધરવા માટેના બલિ કૂકડાનો પોતાના દાંત વડે કાપી ફેંક્યા બાદ તેઓ તોરપ્પ (બકરીના ફેફસા) ને પોતાના દાંત વડે પકડી લે છે અને પોતાના ડાબા હાથમાં પકડેલું દાતરડું ઘુમાવતા તાલબદ્ધ રીતે ચાલે છે. કાળી સાડી પહેરીને ઐશ્વર્યા દેવીપુટ પૂંગાવણત અમ્મન મંદિરથી તિરુવળમ શહેરની પોણ્ણઈ નદી સુધી જતા વ્યસ્ત રસ્તા પર પંબઈ અને પરઈ ઢોલના અવાજો પર નૃત્ય કરે છે. પોતે જે જુલુસને દોરી રહ્યા છે તે નદીના સુકાઈ ગયેલા પટમાં પહોંચે છે ત્યારે થાકેલા તિરુણંગઈ (તમિળમાં પરલૈંગિક મહિલા) પડી જાય છે. 37 વર્ષનાઐશ્વર્યા પોતાની એક નાટક કંપની ભલે ચલાવતા હોય આ માત્ર એક 'નાટક' નથી. મંચ પર નાટક કરવાને હજી કલાકોની વાર છે, દિવસના અંતે કરવાનું છે એ.
તેઓ તમિળનાડુના વેલ્લૂર જિલ્લાના આ ગામમાં દલિત સમુદાયો દ્વારા તમિળ મહિના માસી (માર્ચ) ની અમાવસ્યા (અમાવસાઈ) દરમિયાન ઉજવવામાં આવતા વાર્ષિક ઉત્સવ મયાણ કોલ્લઈ (કબ્રસ્તાન લૂંટ ઉત્સવ) માં છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ ચક્કિલિયર સમુદાયના ઐશ્વર્યા છેલ્લા બે દાયકાથી આ મંદિર ઉત્સવમાં ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે.
પછીથી તેઓ કહે છે, "ઉન્માદમાં નાચતી હતી તે હું નહોતી. મને તે બિલકુલ યાદ નથી. તે અમ્મન હતી જેણે મારો કબજો લઈ લીધો હતો." કાલીના સ્વરૂપ તરીકે જોવામાં આવતી અમ્મન તેમના સમુદાય દ્વારા પૂજાતી લોક દેવી છે. ધાર્મિક વિધિઓ પૂરી થયા પછી છેલ્લો ખેલ રાત્રે 10 વાગ્યે શરૂ થશે.
રાતનું દ્રશ્ય અલગ જ હોય છે. રસ્તાની વચ્ચે 10 x 12 ફીટ ઊંચા મંચ પર ચાલતી વખતે ઐશ્વર્યાએ પોતાની તાકાત ફરીથી મેળવી હોય તેવું લાગે છે. તેઓ ઉત્સવના આયોજકોને બેનર ક્યાં મૂકવું તે અંગે સૂચનાઓ આપી રહ્યા છે, 500-વોટની બે લાઇટ મૂકવા માટે યોગ્ય જગ્યા નક્કી કરી રહ્યા છે. તેઓ આદેશ આપે છે, "તે બે લાઇટ મંચ તરફ, થોડી વધુ ત્રાંસી, બાંધો." તેઓ સ્ટેજ મેનેજર, કોસ્ચ્યુમ ડિઝાઇનર, લાઇટ ડિઝાઇનર, દિગ્દર્શક, નાટ્યકાર અને આ નાટક મંડળીના વડા છે. એકલે હાથે અનેક જવાબદારીઓ સાંભળી શકે એવા કુશળ મહિલા ઐશ્વર્યા અશોક નાડગ (નાટક) મંડ્રમ નામની એક નાટક કંપની ચલાવે છે. મંચ પર મૂકવામાં આવેલા કાપડના બેનર પર આ નામ ઘાટા અક્ષરોમાં લખાયેલું છે.



