ગજાનંદ સહરિયાએ તેઓ જમીનમાલિક છે તેવું પહેલી વાર ત્યારે સાંભળ્યું કે જ્યારે કેટલાક માણસો તેમના કાચા ઘરે આવીને તેમની જમીન વેચવા માટે પૂછવા લાગ્યા. કલોની ગામના આદિવાસી ફળિયા, મુંડેયારના રહેવાસી ગજાનંદ કહે છે, “તેમણે મને કહ્યું કે 10 વીઘા [આશરે છ એકર] જમીન મારા નામે છે. હું તે જમીન [લગભગ બે કિલોમીટર દૂર] જોવા ગયો. ત્યાં ચારેબાજુ ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં. ત્યાં મેં કે બીજા કોઈએ ક્યારેય ખેતી કરી ન હતી.”
35 વર્ષીય સહરિયા આદિવાસી ગજાનંદને પોતાના આ અચાનક મળી ગયેલા માલિકપણા પર વિશ્વાસ નહોતો થતો, પણ તેનાથી જે પૈસા મળવાના હતા તેની ખુશી પણ હતી. તેઓ મહિનામાં માંડ ચાર-પાંચ દિવસ રોજના લગભગ 200 રૂપિયાની મજૂરી મેળવી શકે છે; તેઓ કામ માટે બહાર ગામ પણ જાય છે. ગજાનંદનો 15 સભ્યોનો સંયુક્ત પરિવાર મોટાભાગે શાહબાદના જંગલમાંથી મળતી ગૌણ વન પેદાશો (NTFP) પર નિર્ભર છે. તેઓ એકીશ્વાસે ગણાવે છે, “અમે મહુડા, ટેંડુ, બળતણ માટેનાં લાકડાં, આચાર, આમળાં લાવીએ છીએ. આનાથી અમારું ગાડું ગબડતું રહે છે.” આમાંથી તેમને મહિને થોડા હજાર રૂપિયાની કમાણી થાય છે.
જે જંગલ પર તેઓ નિર્ભર છે તે પૂર્વ રાજસ્થાનનું શાહબાદ તળેટીનું જંગલ છે, જે 179 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ જંગલ દુર્લભ છોડ, વૃક્ષો અને વન્યજીવોથી ભરપૂર છે. તાજેતરમાં 2022માં, વન વિભાગે તેના પારિસ્થિતિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને સંરક્ષણ અનામત તરીકે જાહેર કર્યું હતું. કરન્યા [સ્ટેરક્યુલિયા યુરેન્સ] જેવું વૃક્ષ શાહબાદ જેવાં જૂજ જંગલોમાં જ જોવા મળે છે, અને અહીં સેંકડો ઔષધીય વનસ્પતિઓ પણ છે.
આ જંગલ અનુસૂચિ I હેઠળ આવતાં પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે અને તેમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ તેમના શિકાર પર પ્રતિબંધ છે. તેમની યાદીમાં બંગાળી અને સોનેરી શિયાળ, ભારતીય વરુ, દીપડો (પેન્થેરા પાર્ડસ), ભારતીય રાખોડી નોળિયું, પટ્ટાવાળી ઝરખ (હાયેના હાયેના), બડગર, વણિયર, સ્લોથ રીંછ, લાલ માથાવાળું ગીધ, ભારતીય મોર અને અન્ય ઘણા જીવોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, તે કુનો નેશનલ પાર્કથી એક કલાકથી પણ ઓછા અંતરે આવેલું છે, અને કુનોને ચિત્તાના બીજા ઘર, મધ્યપ્રદેશના ગાંધી સાગર સાથે જોડતા સૂચિત કોરિડોરના માર્ગમાં આવે છે. ચિત્તાઓ જે ઝડપે મરી રહ્યા છે, તે જોતાં અધિકારીઓને આશા છે કે આ કોરિડોરથી મદદ મળશે.
જૂન મહિનામાં આખું અઠવાડિયું વરસાદ વરસ્યો છે. જંગલની જમીન નાનાં-નાનાં ઝરણાંઓથી છલકાઈ રહી છે, જે આગળ જઈને મોટા પ્રવાહોમાં ભળી જાય છે. આ બધું પાણી કુંદા ખો ધોધ તરફ વહી રહ્યું છે, જે 100 ફૂટ નીચે એક ઊંડી ખીણમાં ડહોળા પાણીની નદી ઠાલવી રહ્યો છે. નીચે કુનો નદી સાપની જેમ વાંકીચૂકી વહે છે. આટલો વરસાદ પડવા છતાં, અહીં ગામલોકોને ગૌણ વન પેદાશો શોધતા જોઈ શકાય છે.



















