અસિત પ્રમાણિક એક જૂના નાટકની સ્ક્રિપ્ટ હાથમાં પકડીને કહે છે, “ઇચ્છે કુસુમ નાટકમાં, મારી ભૂમિકા એક વણકરની હતી… જે હું વાસ્તવિક જીવનમાંય છું.” તેમના ઘરે એક રંગ ઉડી ગયેલા લોખંડના કબાટમાં ફંફોસીને તેઓ ઘણા નાટકોની કાળજીપૂર્વક સાચવેલી સ્ક્રિપ્ટોની નકલો શોધી કાઢી છે.
અસિત દા નદિયા જિલ્લાના શાંતિપુર હેન્ડલૂમ ક્લસ્ટરના અસંખ્ય વણકરોમાંના એક છે, જે તેની અનન્ય શાંતિપુરી તાંગૈલ અને જામદાની હેન્ડલૂમ સાડીઓ માટે પ્રખ્યાત છે. આ અનુભવી વણકરનો થિયેટર પ્રત્યેનો પ્રેમ તેમના સાળ પરના શ્રમથી જરાય ઉતરતો નથી. તાંત-ઘર (સાળ માટેનો ઓરડો) અને રંગમંચ (સ્ટેજ) વચ્ચેના સતત તાણાવાણાએ આ કારીગર-કલાકારના છ દાયકાના જીવનમાં ઊંડી છાપ છોડી છે.
તેમના સૌપ્રથમ મોટા મંચ પ્રદર્શન વિશે વાત કરતાં, અસિત દાનો ચહેરો આનંદથી ચમકી ઉઠે છે. “નાટક શિયાલદા સ્ટેશનની આસપાસ ક્યાંક ભજવાયું હતું. તેમાં હું ન્યાયાધીશની ભૂમિકા ભજવી રહ્યો હતો, પરંતુ હકીકત તો એ છે કે હું ડરથી ધ્રૂજી રહ્યો હતો,” તેઓ દિલથી હસીને કહે છે, અને પહેલી વાર પ્રેક્ષકોનો સામનો કરવાનો તેમનો અનુભવ અમારી સાથે વહેંચે છે, તે પણ એક મોટા ડ્રામા ક્લબ માટે જાહેર સ્થળે.
એટલા જ ઉત્સાહથી અસિત દા અમને વણાટની દુનિયામાં તેમના પ્રવેશ વિશે જણાવે છે: “હું પાંચમા ધોરણ સુધી ભણ્યો છું. નાના બાળકોથી લઈને ઘરના પુરુષો અને સ્ત્રીઓ સુધી, વણકરના પરિવારમાં દરેક જણ સાળના કામ સાથે સંબંધિત વિવિધ કાર્યોમાં સામેલ હોય છે.” સૂતર કાંતવું, તેને રંગવું, સ્પિનિંગ વ્હીલનો ઉપયોગ કરીને તેને ટ્યુબ ફરતે વીંટાળવું, પછી તે ટ્યુબમાંથી તેને ડ્રમમાં ફેરવવું અને અંતે તેને સાળ પર ગોઠવવું જેવાં કામ પરિવારના વિવિધ ઉંમરના સભ્યો દ્વારા કરવામાં આવે છે. તેઓ ઉમેરે છે, “અને બીજા કોઈ પણ તાંતી [વણકર] પરિવારની જેમ, અમારા ઘરમાં પણ, અમારે ખૂબ નાની ઉંમરથી આ કામમાં જોડાવું પડ્યું હતું.”








