સપ્ટેમ્બર 2025ના આખા મહિના દરમિયાન 24 વર્ષીય વીણા રાની ભાગ્યે જ સૂઈ શક્યાં. તેઓ કલાકો સુધી ખાટલા પર આંખો બંધ કરીને પડ્યાં રહેતાં અને ગયા મહિને આવેલા પૂરની યાદો તેમના મનમાં વારંવાર ઘૂમરાયા કરતી. એ પૂરે પંજાબના ફાઝિલ્કા જિલ્લાના વલ્લેશા ઉત્તાડ ગામમાં આવેલા તેમના પરિવારના ખેતરને પાણીમાં ગરકાવ કરી લીધું હતું અને તેમના ઘરમાં પણ પાણી ફરી વળ્યું હતું.
રાત્રે સૂતા પહેલાંની દવા ગળતાં વીણા કહે છે, “હવે મને પહેલાં કરતાં સારું છે.” ગામની બહાર ખેતરોની વચ્ચે આવેલું તેમનું ત્રણ રૂમનું પાકું મકાન સતલજ નદીની એક નાની શાખાની નજીક છે. તેમના ઘરેથી તે શાંત દેખાય છે, પરંતુ આ શાખા આઠ ફૂટ ઊંડી છે. તેની સામે પાર તેમનું ચાર એકરનું ખેતર આવેલું છે.
વીણાનાં બહેન, 26 વર્ષીય કૈલાશ રાની કહે છે, “તેણે હસવાનું જ બંધ કરી દીધું હતું.” તેમના પિતા, 52 વર્ષીય જરનૈલ સિંઘ, એ દિવસોને યાદ કરતાં કહે છે કે જો તેઓ વીણાને બેઠી થવા માટે જબરદસ્તી કરતા, તો તે રડવા લાગતી.
વીણા કહે છે, “મારા મનમાં બસ એક જ વિચાર ચાલ્યા કરતો કે હવે પાક જતો રહ્યો તો પૈસા ક્યાંથી આવશે, આ પાણી ક્યાં સુધી રહેશે, શું અમે આવતી મોસમમાં ઘઉં વાવી પણ શકીશું કે નહીં.” જ્યારે તેમનાં પ્રિયજનો પૂછતાં કે તેઓ આટલાં ચિંતિત કેમ છે, ત્યારે તેઓ તેમને સમજાવી શકતાં નહીં. “એવું લાગતું જાણે મારા માથા પર કોઈએ ભારે વજન મૂકી દીધું હોય.”
ગામમાં બધા પૂરને કારણે પરેશાન હતા, અને વીણાને લાગ્યું કે આ સમય પણ પસાર થઈ જશે.
પણ એવું ન થયું. જેમ જેમ તેઓ વધુને વધુ એકલવાયાં અને ઉદાસ રહેવાં લાગ્યાં, ત્યારે પરિવાર તેમને 50 કિલોમીટર દૂર અબોરમાં એક મનોચિકિત્સક પાસે લઈ ગયો, જ્યાં તેમને ડિપ્રેશન હોવાનું નિદાન થયું અને પાંચ મહિનાની દવાઓ આપવામાં આવી.
દવાખાને પણ તેઓ ડૂસકાં ભરી રહ્યાં હતાં. તેઓ કહે છે, “દિમાગ દી નસ્સા કમજોર હો ગઈ ને [મારા મગજની નસો નબળી પડી ગઈ છે].”
















