જ્યારે બજરંગ ગાયકવાડનું વજન પાંચ કિલો ઘટી ગયું, ત્યારે તેમને ખબર પડી કે હવે નુકસાન થઈ ચૂક્યું છે. તેઓ કહે છે, “પહેલાં, હું રોજ ભેંસનું છ લિટર દૂધ પીતો, 50 બદામ, 12 કેળાં અને બે ઇંડાં ખાતો – અને એકાંતરા દિવસે માંસ ખાતો.” હવે, તેઓ આ બધું સાત દિવસમાં અથવા ક્યારેક તેનાથી પણ વધુ સમયમાં ખાય છે – અને તેમનું વજન ઘટીને 61 કિલો થઈ ગયું છે
કોલ્હાપુર જિલ્લાના જુને પારગાંવ ગામના 25 વર્ષીય પહેલવાન બજરંગ કહે છે, “પહેલવાનનું વજન ઘટવું ન જોઈએ. તેનાથી તેઓ નબળા પડી શકે છે, અને તેઓ કુસ્તીમાં શ્રેષ્ઠ દાવ લગાવી શકતા નથી. અમારો ખુરાક [ખોરાક] તાલીમ જેટલો જ મહત્ત્વનો છે.” પશ્ચિમ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોના અન્ય ઘણા પહેલવાનોની જેમ, બજરંગ પણ લાંબા સમયથી પોતાના ભારે ભોજન માટે માટીની કુસ્તીના મેદાન (ખુલ્લી હવામાં લાલ માટી પર રમાતી મેચ)માંથી મળતી ઇનામની રકમ પર આધાર રાખતા હતા.
પરંતુ કોલ્હાપુરના ડોનોલી ગામમાં બજરંગે છેલ્લું મેદાન (કુસ્તી) લડ્યાને 500થી વધુ દિવસો વીતી ગયા છે. તેઓ કહે છે, “ખરાબમાં ખરાબ ઈજાના કિસ્સામાં પણ મારે આટલો મોટો વિરામ ન લેવો પડ્યો હોત.”













