અબ્દુલ હલીમ કહે છે, “કુદરતી રંગોથી રંગાયેલા કાપડને ધોવા માટે વહેતી નદીની જરૂર પડે છે. યહાં પે તો હાથ ધોને કા પાની નહીં મિલતા [અહીંયા તો હાથ ધોવાય પૂરતું પાણી નથી મળી રહેતું]!”
હલીમ ત્રીજી પેઢીના બ્લોક પ્રિન્ટિંગ કારીગર છે, જેઓ સતત ઘટતા નફા અને નકલી ઉત્પાદનોના વધતા ઉપદ્રવ વચ્ચે પોતાની વર્કશોપ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પાણીની અછતવાળા ઈન્દોર શહેરમાં, તેમની પાસે રાસાયણિક રંગોનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, કારણ કે તે રંગો ઝડપથી કાપડ પર ચડી જાય છે.
બ્લોક પ્રિન્ટિંગની શરૂઆત લાકડાના બ્લોકની ડિઝાઇન તૈયાર કરવાથી થાય છે. હલીમ જાતે ડિઝાઇન બનાવે છે અને પછી તેને જયપુર, ફર્રુખાબાદ અને ફતેહપુરના બ્લોક બનાવનારા કારીગરોને મોકલે છે. તેઓ સામાન્ય રીતે સાગવાન અથવા શીશમ જેવા લાકડાનો ઉપયોગ કરીને આ બ્લોક તૈયાર કરે છે.
આ બ્લોક્સને રંગમાં ડુબાડીને કાપડ પર છાપવામાં આવે છે. હલીમ એક ચંદેરી દુપટ્ટા પર ગુલાબી રંગના ફૂલ છાપવા માટે નીચે ઝૂકતાં કહે છે, “આ તો અમારો વારસો છે,” અને એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે પાકા રંગો જરા પણ ફેલાય નહીં. તેઓ જે રંગનું મિશ્રણ વાપરી રહ્યા છે તેને કાપડ પર લગાવતા પહેલાં શણ, મલમલના સુતરાઉ કાપડ અને મચ્છરદાનીમાંથી ગાળવામાં આવ્યું છે. હવામાનની પરિસ્થિતિ, ખાસ કરીને ચોમાસા દરમિયાન, કાપડને સૂકવવાની પ્રક્રિયાને વધુ જટિલ બનાવી શકે છે, જેમાં સામાન્ય રીતે લગભગ 72 કલાક લાગે છે.














