પીળી તાડપત્રી પર તાજી તોડેલી ચેરીઓના ઢગલા પડ્યા છે, જેના પર સાઠ વર્ષ વટાવી ચૂકેલા બે ભાઈઓ — અબ્દુલ સલામ ખાન અને નસરુલ્લા ખાન — પલાંઠી વાળીને બેઠા છે અને પોતાના અનુભવી હાથે ખૂબ જ કાળજીપૂર્વક ફળોની ગુણવત્તા તપાસીને તેને અલગ કરી રહ્યા છે. વોટરપ્રૂફ કાપડ પર સૂર્યનો તડકો ચમકી રહ્યો છે, જે તેમના કરચલીવાળા ચહેરાઓને અજવાળે છે, પણ એક મુશ્કેલ મોસમ પૂરી થવાને આરે છે ત્યારે તેમના ચહેરા પર હવે થાક સ્પષ્ટ દેખાય છે.
મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોરાફ રાવ ગામમાં આવેલી તેમની વાડી ખૂબ નાની છે, માંડ પા એકર જેટલી.
જૂનની એક ઉજળી સવારે અબ્દુલ સલામ કહે છે, “આ વર્ષ બહુ આકરું રહ્યું છે.” 65 વર્ષીય અબ્સુલ સલામ ઉમેરે છે, “અમે 40 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ, પણ મેં આવી મોસમ ક્યારેય જોઈ નથી. હવામાન અને પ્રવાસીઓની અછત, આ બંને ભેગા થવાથી અમને મોટો ફટકો પહોંચ્યો છે.”
આ વર્ષની શરૂઆતમાં, પશ્તૂન સમુદાયના ખાન બંધુઓએ સોરાફ રાવમાં અલગ અલગ સ્થળોએ ફેલાયેલી બે એકર ચેરીની વાડીઓ ભાડે રાખી હતી. આ ગામ શ્રીનગરથી 49 કિલોમીટર ઉત્તરે આવેલું છે, અને ગૂટલી બાગમાં આવેલા તેમના ઘરથી 35 કિલોમીટર દૂર છે.
પરિવારના સભ્યો અને ભાડે રાખેલા મજૂરોએ પાકની લણણી માટે સાથે મળીને કામ કર્યું હતું, પરંતુ મહિનાઓની મહેનત પછી હવે ખરીદદારો મળવા મુશ્કેલ છે.














