ઉંમરના પચાસના દાયકામાં પહોંચેલા અશોક રાણી ગોંડ ક્યારેય શાળાએ ગયા નથી, પરંતુ તેમનો નવ વર્ષનો પૌત્ર એક દિવસ પણ શાળાએ જવાનું ચૂકતો નથી. તેઓ હસતાં હસતાં પારીના પ્રતિનિધિને કહે છે, "એક ભી દિન નહીં છોડા [તે એક દિવસ પણ (શાળાએ જવાનું) ચૂક્યો નથી.]"
તેમનો પૌત્ર દબાની પ્રાથમિક શાળામાં નોંધાયેલા 39 બાળકોમાંનો એક છે. આશરે 500 લોકોનું આ ગામ (વસ્તીગણતરી 2011) દમોહ જિલ્લાના એક ખૂણામાં આવેલું છે, તે નીચી ટેકરીઓ, ખુલ્લા ઘાસના મેદાનો અને ખેતીની જમીનના ટુકડાઓથી ઘેરાયેલું છે. મોટાભાગના પરિવારો - મુખ્યત્વે ગોંડ આદિવાસીઓ - થોડીઘણી ખેતી કરે છે અને પશુઓ પાળે છે.
ઘણા પુખ્ત લોકો ક્યારેય શાળાએ ગયા નથી - 2013 નો આ અહેવાલ જણાવે છે કે 50 ટકા ગોંડ આદિવાસીઓ ભણેલા નથી.
દબા સ્કૂલમાં હંમેશા કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય છે જે નામરજીએ પરાણે પરાણે શાળામાં આવે છે અને ઋતુ સાથે તેમની સંખ્યા બદલાતી રહે છે: જ્યારે ખાસ કામ હોતું નથી અને પરિવારો નાના બાળકોને પોતાની સાથે લઈને સ્થળાંતર કરે છે ત્યારે શાળા ચૂકી જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય છે. કેટલાક ફક્ત ઘરની આસપાસ રમવા માટે ઘેર રહેવાનું પસંદ કરે છે - (શાળાએ જવા કરતા) કેરી, જામફળ અને એવા બીજા ઝાડ પર ચઢવું એ 6 થી 9 વર્ષના કોઈપણ બાળક માટે ઘણું વધુ આકર્ષક છે.
શાળાના બે શિક્ષકોમાંથી એક - જેઓ અહીં જ જન્મીને મોટા થયા હતા તે - તારાચંદ યાદવ પાસે (શાળાએ આવવામાં) ખચકાટ અનુભવતા આ વિદ્યાર્થીઓ માટે એક યુક્તિ છે. તેઓ એક કે બે દિવસ રાહ જુએ છે, અને પછી થોડી ચોકલેટ લઈને શાળામાંથી ગાપચી મારનાર વિદ્યાર્થીઓને ઘેર પહોંચી જાય છે. તેઓ કહે છે, "પહેલા હું માતાપિતા સાથે વાત કરું છું, તેમને તેમના બાળકોને (શાળાએ) મોકલવા વિનંતી કરું છું. તેઓ મને કહે છે, 'માસ્તર, અમે તો વહેલી સવારે દાડિયા મજૂરી માટે નીકળી જઈએ છીએ... અમે શું કરીએ?'"















