નૌરાદેહી વન્યજીવ અભયારણ્યમાં વન રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) તરીકેના તેમના 13 વર્ષના કાર્યકાળમાં તારાચંદ ગોંડે ભારતીય વરુ કરતાં વાઘ વધુ જોયા છે. તેમના ચશ્મા પાછળ ચમકતી આંખો સાથે, 34 વર્ષીય તારાચંદને આ વિડંબણા પર હસવું આવે છે.
તેઓ થોડા મલકાય છે કારણ કે તેઓ ભારતના સૌથી જૂના ઉદ્યાનમાં વાત કરી રહ્યા છે જે લુપ્તપ્રાય વરુને સમર્પિત છે; વાઘ અહીં છેક 2018માં લાવવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય વરુ (Canis lupus pallipes) — જે ભારતીય ઉપમહાદ્વીપમાં જ જોવા મળતી વરુની એક પ્રાચીન પ્રજાતિ છે — તેને જોવું ખૂબ જ મુશ્કેલ છે. દેશમાં ફક્ત 3,000થી થોડા જ વધુ વરુ બચ્યા છે – જે 2022માં ગણાયેલા 3,682 વાઘ કરતાં પણ ઓછી સંખ્યા છે.
તારાચંદે પહેલી વાર વરુ જોયું એ ઘટના તેમને આજીવન યાદ રહી ગઈ છે. આ ગોંડ આદિવાસી રક્ષક કહે છે, “જંગલમાં પહેરો ભરવાનું શરૂ કર્યાના બે વર્ષ પછી મેં પહેલી વાર ભેડિયો [વરુ] જોયો હતો. હું ભરાઈ સર્કલના [રેન્જનો એક ભાગ] એક સિનિયર રેન્જર સાથે હતો, ત્યારે દૂરથી અમને આ પ્રાણી દેખાયું હતું. તે અમારાથી દૂર ભાગી રહ્યું હતું. મેં તેમને પૂછ્યું કે તે શું હતું, અને તેઓએ કહ્યું, ‘આ વરુ છે’. આ એ જ પ્રાણી છે જેના માટે આ અભયારણ્ય બન્યું છે.”
લાંબા સમય સુધી, મધ્ય પ્રદેશની દક્ષિણ વિંધ્ય પર્વતમાળામાં ફેલાયેલા આ ઝાડી-ઝાંખરાવાળા જંગલના રાજા અને મુખ્ય શિકારી વરુ જ હતાં. અત્યંત શરમાળ હોવાને કારણે, તેમને જોવાનું હંમેશાં મુશ્કેલ રહ્યું છે અને લોકો ઘણી વાર તેમને શિયાળ સમજી બેસે છે. સુરક્ષા શ્રમિક (વન ચોકીદાર) શુભમ રાયકવાર કહે છે, “જ્યારે તમે તેમને જુઓ છો, ત્યારે સામાન્ય રીતે તેઓ તમારાથી ભાગી રહ્યા હોય છે અને તમને ફક્ત તેમની પીઠ કે બાજુનો ભાગ જ દેખાય છે.”
કોઈ પણ રાજ્યની સરખામણીમાં મધ્ય પ્રદેશમાં સૌથી વધુ, લગભગ 700 વરુ છે. તેમ છતાં, ડૉ. અનિરુદ્ધ મજુમદાર કહે છે, “તેને પકડવું કે નજરે જોવું બહુ જ અઘરું છે. હું તમને કહું છું, વરુ વાઘ કરતાં પણ વધુ ચતુર હોય છે!” જબલપુર ખાતેની સ્ટેટ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વન્યજીવ જીવવિજ્ઞાની ડૉ. મજુમદાર તેમના વર્તનનો અભ્યાસ કરી રહ્યા છે અને ચાર વર્ષના એક પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. એ પ્રોજેક્ટનું નામ છે: નૌરાદેહી વન્યજીવ વિભાગમાં ભારતીય વરુનું પરિસ્થિતિવિજ્ઞાન અને તેના સંરક્ષણ માટેના સૂચિતાર્થો.













