"હું અહીં શું કરી રહ્યો છું એટલે? અરે, હું અહીં નજીકમાં જ રહું છું," સુખરામ કુમાટી, લગભગ 200 મીટર દૂર તેમના ઘર તરફ હાથ લહેરાવતા બોલ્યા. તેઓ એક પરદાદા છે જે માને છે કે આજે તેમની ઉંમર 60ના દાયકાની સુધી પહોંચી હોવી જોઈએ. તેઓ રસ્તાના એક કિનારે એક ઝાડના છાંયડામાં કોઈ પથ્થર પર બેઠા છે. અને અમારો પ્રશ્ન તેમની આસપાસ પડેલી જે વસ્તુઓ એ જોતાં ઉદ્દભવેલો છે.
તેમની આસપાસ સફેદ પ્રવાહીથી ભરેલો, લગભગ 20 લિટરની ક્ષમતા ધરાવતો એક મોટો કેરબો છે. તેની બાજુમાં કંઈક અંશે કચડાયેલી, એકથી વધારે કાંઠલાવાળી એક મજબૂત પ્લાસ્ટિકની ડોલ છે જે કોઈ દસકા પહેલાં કોઈ રંગકામ માટે વપરાતી હશે, પણ આજે એમાં પાણી છે જેમાં થોડા રંગીન ડબલાં તરે છે. જમીન પર પડેલા લાલ પ્લાસ્ટિકના ગ્લાસ ઉપરાંત, ગ્રાહકો માટે રંગ પ્રમાણે નક્કી કરેલા ને છૂટા કરેલા બે ડાબલાં છે. પીળા કેરબા પર એક ઝાંખું ગુલાબી અને ઓલિવ લીલા રંગની ડોલ ઉપર એક પીરોજી વાદળી.
અમે કોડોલીમાં છીએ. નારાયણપુર જિલ્લા મુખ્યાલયથી ગાડી ચલાવીને છત્તીસગઢના બસ્તરના અભુજમાદ પ્રદેશ તરફ આવતાં હોઈએ ને દાખલ થતાંજ જે બીજું ગામ આવે તે કોડોલી.
સુખરામ થોડી અધીરાઈથી મને એમનું કામ સમજાવવાનું પ્રયત્ન કરી રહ્યા છે. અમારા આખા સમૂહમાં એક હું જ છું જેને પલ્લે હજુ એ વાત પડી નથી.
“સલ્ફી, સલ્ફી…” મારી અજ્ઞાનતા સામે એ પોતાની આંખો ગોળ ગોળ ફેરવાતો ફરી એકવાર ભાર દઈને બોલે છે. હું અમારા બે મિત્રોના કેમેરા તરફ નજર ફેરવું છું. પણ મને નથી લાગતું એ મને સેલ્ફી લેવાનું કહેતો હોય.





