ચીકણા વાસણોથી ભરેલી અને સાબુથી ફીણ-ફીણ થતી ખાળકૂંડી (સિંક) તરફ વળતા પહેલા તેઓ અફસોસભરી ઝંખનાની લાગણી સાથે કહે છે, "મારા પિતાએ મને ભણવા દીધી હોત તો હું પોલીસ અધિકારી બની શકી હોત." સવારના 9 વાગ્યા છે અને તેઓ ઉતાવળે ગેટેડ કમ્યુનિટીના બીજા એપાર્ટમેન્ટ્સ તરફ જશે. આ કોલોનીમાં તેઓ અનિતા દીદી તરીકે ઓળખાય છે, તેઓ અહીં ઘરેલુ કામકાજ કરતા શ્રમિક તરીકે કામ કરે છે, તેઓ પોતાને ઘેર પાછા ફરવાની મુસાફરી શરૂ કરે તે પહેલાં તેમને હજી બીજા પાંચ ઘેર જવાનું છે. ઉત્તર-પશ્ચિમ હૈદરાબાદમાં, જ્યાં તેઓ કામ કરે છે તે ઉચ્ચ કક્ષાના ઉપનગર નલ્લગંડલાથીનજીકના સંગારેડ્ડી જિલ્લામાં પટાન્ચેરુમાં પોતાને ઘેર પાછા ફરવા માટે તેમણે 10 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે.
25 વર્ષના અનિતા રાઠોડ ચાર બાળકોના માતા છે, તેઓ તેલંગાણામાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ લંબાડી સમુદાયના છે. તેઓ હૈદરાબાદની ગેટેડ કમ્યુનિટીસમાં કાર્યરત ઘણા સ્થળાંતરિત શ્રમિકોમાંના એક છે - સ્થળાંતરિત શ્રમિકોને આકર્ષવાની બાબતમાં હૈદરાબાદ શહેર દેશના ટોચના પાંચ શહેરોમાં સ્થાન ધરાવે છે. લાંબા સમય સુધી કામ કરવું પડતું હોવાને કારણે તેમને પોતાના વિસ્તૃત પરિવારને ચલ્લાગિડ્ડા થંડામાં છોડીને અને પોતાના બાળકોને પોતાના વતન મૈનેલીમાં પોતાના માતાપિતા પાસે છોડીને કામ પર જવું પડે છે, અને તેમને પોતાના સપનાઓ પણ છોડી દેવા પડે છે.
તેમનો દિવસ દરરોજ સવારે લગભગ 4 વાગ્યે રસોઈ કરવા, કપડાં ધોવા અને ઘરની સાફસફાઈ કરવાની સાથે શરૂ થાય છે. સવારે 5:30 વાગ્યે રંગા રેડ્ડી જિલ્લાના નજીકના લિંગમપલ્લી જવા માટે તેઓ બસમાં ચઢે છે. અને ત્યાંથી 20 રુપિયામાં રીક્ષા લઈને સવારે 6 વાગ્યા સુધીમાં તેઓ નલ્લગંડલામાં ગેટેડ કમ્યુનિટી સુધી પહોંચે છે. 2023 માં શરૂ કરાયેલી તેલંગાણા સરકારની મહાલક્ષ્મી યોજના હેઠળ રાજ્ય પરિવહનની બસોમાં મહિલાઓ મફત મુસાફરી કરી શકે છે, અને પરિણામે અનિતાને તેમના કામના સ્થળે જવા-આવવાના ખર્ચમાં થોડી બચત કરવામાં મદદ મળી રહે છે.














