બાગદુઆર પ્રાથમિક શાળાની જૂની ઇમારત સામે ઊભા રહીને તેઓ પોતાના શાળાના દિવસોને યાદ કરે છે. નાનપણમાં તેમને ભણવામાં જરાય મજા નહોતી આવતી. ગામનાં બીજાં ઘણાં બાળકોની જેમ, મધ્યાહ્ન ભોજન મેળવવાની ઇચ્છા જ તેમને બાપતૈલ ગામમાં આવેલા તેમના ઘરથી આ શાળા સુધીનું 1.5 કિલોમીટરનું મુશ્કેલ અંતર કાપવા માટે મજબૂર કરતી હતી.
24 વર્ષીય નવીન ઠાકુર કહે છે, “હું શાળામાં બધાં સાથે લડતો-ઝઘડતો રહેતો અને પાઠ તો બિલકુલ શીખતો જ નહીં. શિક્ષકો રોજ મને મારતા. મેં પાંચમા ધોરણમાં શાળા છોડી દીધી હતી. તે સમયે, મારા મગજમાં ફક્ત બોમ્બે [મુંબઈ] જવાનું ભૂત સવાર હતું.” હાલમાં (ઓગસ્ટ, 2024માં) તેઓ પરિવારમાં એક લગ્નપ્રસંગે પોતાના સપનાના શહેરથી તપન બ્લોકના આ ગામમાં પાછા ફર્યા છે. છેલ્લાં 11 વર્ષથી નવીન મુંબઈમાં બાંધકામ સાઇટ પર દૈનિક મજૂર તરીકે કામ કરી રહ્યા છે.
તેઓ કહે છે, “તે દિવસોમાં, ખારીપાડા વિસ્તારનાં મોટાભાગનાં બાળકો, જેઓ મુખ્યત્વે ખેતમજૂરો અને દૈનિક મજૂરોના પરિવારોમાંથી આવતાં હતાં, તેઓ પ્રાથમિક શાળા દરમિયાન જ ભણતર છોડીને કામની શોધમાં લાગી જતાં. પણ અહીં કામ હતું જ નહીં! ભલે તે આઠ-નવ વર્ષનાં છોકરાં હોય કે પચાસેક વર્ષના વડીલો, બધાંને રોજીરોટી માટે બહાર જવું પડતું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો.” નવીન આ સવાલ એવી રીતે પૂછે છે જાણે કે ‘સ્થળાંતર શું કામ કરવું પડ્યું’ એ સવાલનો જડબાતોડ જવાબ આપી રહ્યા હોય.
























