રણકાંઠાનું ગામ હોય. સામે માણસ હોય. ઝીણી થયેલી આંખ હોય, વાળ ભૂખરા હોય, પગનાં તળિયાં બરછટ હોય - કઠણ હોય, ચામડી તમતમતા તાપની ચાડી ખાતી હોય, હોઠ અને ગાલનો રંગ સરખો હોય, ખડતલ ડિલ પર આછકલો ખારાશી રંગ ઊઘડેલો હોય, અને જોનાર સમજદાર હોય તો તરત સમજી જાય : આ તો અગરિયો.
ખારાઘોડાનું રણ એટલે રેતીનું રણ નહીં, ખારી માટીનું રણ. ચોમાસામાં રણમાં નકરું પાણી દેખાય. ચોમાસું જાય ને રણમાં નકરો ગારો દેખાય. તાપ રોજ-રોજ વધતો જાય અને રણમાં નકરી માટી દેખાય. દૂર-દૂર લગી વૃક્ષ ના દેખાય, દેખાય તો છૂટાંછવાયાં ને કાંટાળાં. જાણીને જ થાક લાગે એવા વાતાવરણમાં કામ કરવાની અસર પણ જીવનને થકવી નાખે એવી. માણસ ચાલ્યા ય કરે અને એને લાગ્યા ય કરે કે ક્યાંય નથી પહોંચવાનું, જીવનને બસ વેંઢારવાનું.
'નથી અજાણ્યો રસ્તો તોયે રણમાં ભૂલો પડ્યો
પેઢી દર પેઢીનો રસ્તો રણવાટ મેં પકડ્યો
હું તો રણમાં ભૂલો પડ્યો'
અગરિયાઓના રૂઢિગત બનેલા રણજીવનની વેદનાને રણકવિ ડી. કે. વાણિયાએ (65 વર્ષ) હલકમાં ગાઈને ઉમેર્યું, 'આ વિસ્તારમાં (ખારાઘોડા) નવ્વાણું ટકા અગરિયા ચુંવાળિયા કોળી.' અગરમાં કામ કરતા કોળી ચુંવાળપ્રદેશના હોવાથી ચુંવાળિયા કોળી. ચુંવાળપ્રદેશ એટલે અમદાવાદ જિલ્લાના સબડિવિઝન વિરમગામનો પૂર્વોત્તર-વિસ્તાર. આ વિસ્તારમાં ચુંવાળીસ ગામો હોવાથી પણ એમની ઓળખ ચુંવાળિયા કોળીની. ચુંવાળિયા કોળી વિમુક્ત જાતિમાં આવે. વિમુક્ત જાતિ મુશ્કેલીમાં જીવતી જાતિ. વિમુક્ત જાતિના ઘેર-ઘેર સંઘર્ષગાથા. ઘણીક સંઘર્ષગાથાઓ ઘડીક તો શ્વાસ થંભાવી દે એવી. વળી, જીવનારાઓ માટે સંઘર્ષ અનિવાર્ય એટલે એમને સંઘર્ષગાથા લાગે નહીં અને જોનારાઓને રસ નહીં, નવરાશ નહીં એટલે એમને સંઘર્ષગાથા હશે એવું લાગે નહીં.































