જ્યારે તેઓ લોખંડના પતરા પર લાંબી હથોડીના ઘા કરીને તેને તૈયાર કરે છે, ત્યારે રઘુવીર વિશ્વકર્માના કામમાં એક તાલ જામ્યો હોય છે: ‘ઠક ઠક ઠક ઠક.’ એ પછી તરત જ નાની હથોડીનો ‘ટપ ટપ ટપ’ અવાજ આવે છે. આ સમયે કારીગર વધુ ઝીણવટભર્યા કામ તરફ વળે છે, જેથી જે ધાતુમાંથી ઘંટડી બનાવવાની છે તેના પર કોઈ ઉબડખાબડ સપાટી ન રહી જાય.
“આ તો પશુઓનાં ઘરેણાં છે,” રઘુવીરના અવાજમાં ગૌરવ છલકાય છે. “જેમ સોની લોકો માટે ઘરેણાં બનાવે છે, તેમ અમે પશુઓ માટે ઘરેણાં બનાવીએ છીએ.”
આ 76 વર્ષીય કારીગર ઝારખંડના પલામૂ જિલ્લાના બરાંવ ગામમાં આવેલા રામગઢ ટોળામાં પશુઓ માટે ઘંટડી બનાવનારા સૌથી જૂના કસબીઓમાંથી એક છે. રઘુવીર કહે છે કે આ ટોળું (ગામની અંદર એક વસાહત, અહીં લુહાર લોકોની) જાણે એક મોટું કારખાનું છે – અહીં દરેક જણ ઘંટડી બનાવવાનું કામ કરે છે.
પાંચમી પેઢીના આ કારીગર કહે છે, “હમરા બાપ દાદા સબ યહી કર રહા થા. હમ તો નિપઢ આદમી હૈ, ઠેપાધારી હૈ, વિશ્વાસ નહીં કરિયેગા [મારા બાપ-દાદા પણ આ જ કામ કરતા હતા. હું તો અભણ માણસ છું, અંગૂઠાછાપ છું — તમને વિશ્વાસ નહીં આવે].”
શિયાળાની આ ઠંડી સવારે, રઘુવીર તેમના માટીના ઘરની બહાર, શણના કોથળા પર ઉભડક પગે બેઠા છે. તેઓ ડાબા હાથથી લોખંડનું પતરું મજબૂતીથી પકડે છે અને જમણા હાથથી હથોડી વીંઝે છે.
પશુઓ માટેની ઘંટડીઓને લાંબા સમયથી તેમના શણગાર તરીકે જોવામાં આવે છે. દુનિયાભરના ગ્રામીણ સમુદાયો માટે ઘંટડી ફક્ત એક ઘરેણાંથી વિશેષ રહી છે – તેનો ધીમો રણકાર એક વ્યવહારુ હેતુ પણ પૂરો પાડે છે, જે ખેડૂતોને ગાઢ જંગલોમાં તેમનાં પશુઓને શોધવામાં મદદ કરે છે.
એક સમયે સમૃદ્ધ ગ્રામીણ જીવનનું પ્રતિક ગણાતી આ ઘંટડીઓનો પરિચિત અવાજ મશીનોના આગમન સાથે હવે ઓસરી ગયો છે.



















