પોતાના સાધારણ સ્માર્ટફોન પર, રોશન સદાશિવ કુળે પોતાનું ફેસબુક અકાઉન્ટ ખોલે છે અને જૂની નોટિફિકેશન્સ જોતાં જોતાં એક એવી નોટિફિકેશન પર અટકે છે જેણે તેમનું જીવન બદલી નાખ્યું. તેઓ પારીને પોતાની આપવીતીનો બીજો તબક્કો સંભળાવી રહ્યા છે.
મિંથૂર ગામમાં આવેલા તેમના ઘરે, તેમની આસપાસ પરિવારના સભ્યો બેઠા છે. તેમના ચહેરા પર થાક અને નિરાશા છે, અને તેઓ હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. તેઓ ચૂપચાપ બધું સાંભળી રહ્યા છે.
રોશન આગળ જણાવે છે કે, ઑક્ટોબર 2023ની એક સવારે, ત્રણ લેણદારો સવારે 5 વાગ્યે કારમાં ત્યાં આવી પહોંચ્યા. પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે તેઓએ દરવાજો ખખડાવ્યો, તેમના હાથમાં લાકડીઓ હતી. તેમણે બેફામ ગાળો બોલીને રોશનને કહ્યું કે તેમના માથે ઘણું દેવું છે અને તેમણે તરત જ પૈસા ચૂકવવા પડશે.
તેઓ વારંવાર આવવા લાગ્યા. તેઓ કહેતા કે રોશન પર હજુ પણ 16 લાખ રૂપિયાનું દેવું છે.
પણ હવે રોશન માટે ઉધાર લેવાના બધા રસ્તા બંધ થઈ ગયા હતા, અને પરિવારની બધી જ સંપત્તિ ગીરવે મુકાઈ ગઈ હતી અથવા તો વેચાઈ ગઈ હતી. નોકરી શોધવાના તેમના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
રોશન યાદ કરતાં કહે છે કે છ આરોપી વ્યાજખોરોમાંથી એકે એક મુલાકાતમાં તેમને કહ્યું, “મારું કરજ ચૂકવવા માટે કિડની વેચી દે. નહીં તો, હું તારા પરિવારને નહીં છોડું.”
તે વ્યાજખોરે તેમને કિડની દાતાઓના એક ફેસબુક ગ્રુપ વિશે જણાવ્યું અને તેમાં જોડાવા માટે કહ્યું.
તેઓ કહે છે, “શરૂઆતમાં હું [મારી કિડની વેચવા] ખચકાતો હતો. પણ જ્યારે તેઓ હથિયારો અને લાકડીઓ લઈને વારંવાર ઘરે વસૂલી માટે આવવા લાગ્યા, ત્યારે અમે બધા ખૂબ ડરી ગયા હતા. પછી, મેં આ વિકલ્પ વિશે વિચારવાનું શરૂ કર્યું.”
નવેમ્બર 2023ના એક દિવસે, તેમણે (ફેસબુક પર કિડની ડોનર કમ્યુનિટી ગ્રુપના) ‘જોઈન’ બટન પર ક્લિક કર્યું. એક જ દિવસમાં, રોશનને એક વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે મેસેજ આવ્યો. તેઓ પારીને કહે છે, “મને શંકા પણ હતી અને ડર પણ લાગતો હતો, પણ હું જોડાતો ગયો.”
એ ફેસબુક ગ્રુપ હવે બંધ કરી દેવામાં આવ્યું છે.










